લાઇફ ઈન્સ્યોન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના શેરમાં નબળા લિસ્ટીંગ બાદ મામુલી સુધારો નોંધાયો છે. શેરબજારમાં કામકાજ બંધ થયું તે સમયે રૂપિયા 875.45 પર બંધ થયો હતો. જોકે બજારના નિષ્ણાતોને આશા છે કે આગામી દિવસોમાં આ કંપનીના શેરોમાં તેજીમય વલણ જોવા મળી શકે છે.
આ અગાઉ LICના શેરનું લિસ્ટીંગ ડિસ્કાઉન્ટ થઈ ગયું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર LICનો શેર રૂપિયા 77 એટલે કે 8.11 ટકા નીચે રૂપિયા 872 પર લિસ્ટેડ થયો હતો. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર શેરનું રૂપિયા 867 પર લિસ્ટીંગ થયું હતું. સરકારે LICમાં પોતાનો 3.5 ટકા હિસ્સો વેચી આશરે રૂપિયા 21,000 કરોડ હાંસલ કર્યાં છે.
ઈશ્યુ 2.95 ગણો ભરાયો હતો. ઈશ્યુની અપર પ્રાઈઝ બેન્ડ રૂપિયા 949 હતી. એટલે કે જે રોકાણકારોને શેરમાં ડિસ્કાઉન્ટ મળ્યું નથી તેમને BSE પ્રાઈઝ પ્રમાણે શેરદીઠ રૂપિયા 82 નુકસાન થયું છે. લિસ્ટીંગ પ્રાઈઝ પ્રમાણે LICનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 5.48 લાખ કરોડ રહ્યું છે. તે દેશની 5મી સૌથી મોટી મૂલ્યવાન કંપની બની ગઈ છે. LICની આગળ ઈન્ફોસિસ, HDFC બેન્ક, TCS અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.
રોકાણકારોને લિસ્ટીંગ પર કેટલું નુકસાન
પોલિસીધારકોઃ
LICએ 15 શેરના લોટનું કદ રાખ્યું હતું. જો તમને પોલિસીધારકના ક્વોટામાંથી IPOમાં અરજી કરી હતી તો રૂપિયા 60 ડિસ્કાઉન્ટ એટલે કે એક શેર (949-60) રૂપિયા 889માં મળ્યો. આ ગણતરી પ્રમાણે 889X15 =13,335 રૂપિયામાં 1 લોટ એટલે કે 15 શેર મળ્યા. જ્યારે BSE પર શેરનું રૂપિયા 867 પર લિસ્ટીંગ થયું, એટલે કે પોલિસીધારકોને લિસ્ટીંગ પર શેરદીઠ રૂપિયા 22 નુકસાન થયું અને 1 લોટ પર નુકસાન રૂપિયા 330 થયું છે.
રિટેલ અને કર્મચારીઓ
જો તમે રિટેલ અને કર્મચારીઓના ક્વોટામાંથી IPOમાં અરજી કરી હોય તો તમને રૂપિયા 45 ડિસ્કાઉન્ટ એટલે કે એક શેર (949-45) રૂપિયા 904માં મળ્યા. આ ગણતરી પ્રમાણે 904X15 = 13,560માં 1 લોટ, એટલે કે 15 શેર મળ્યા. BSE પર શેર રૂપિયા 867 પર લિસ્ટેડ થયો. એટલે કે રિટેલ અને કર્મચારીઓને લિસ્ટીંગ પર શેરદીઠ રૂપિયા 37 નુકસાન થયું. 1 લોટ પર આ નુકસાન રૂપિયા 555 રહ્યું હતું.
મેક્વાયરીએ રૂપિયા 1000નો ટાર્ગેટ પ્રાઈઝ આપ્યો
વિદેશી બ્રોકરેજ કંપની મેક્વાયરીએ LICના 1000 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈઝ સાથે ન્યૂટ્રલ રેટિંગ આપ્યું છે.
ઈસ્યુ 2.95 ગણો સબ્સ્ક્રાઇબ થયો
LICના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે, જોકે આકર્ષક મૂલ્યાંકન હોવા છતાં એ વિદેશી અને સંસ્થાકીય રોકાણકારોને લલચાવવામાં નિષ્ફળ રહ્યો છે. છૂટક અને અન્ય રોકાણકારો માટે 4 મેના રોજ ખૂલેલા આ IPO માટે સબ્સ્ક્રિપ્શનનો 9 મે એ છેલ્લો દિવસ હતો. ઇસ્યુ 2.95 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 16.2 કરોડ શેરની સામે 47.77 કરોડ શેર માટે બીડ મળી હતી.
પોલિસીધારકોનો પોર્શન 6.10 ગણો ભરાયો હતો
પોલિસીધારકો માટે રિઝર્વ રખાયેલો પોર્શન 6.10 ગણો, સ્ટાફ 4.39 ગણો અને છૂટક રોકાણકારોનો હિસ્સો 1.99 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. QIBના ફાળવેલા ક્વોટાને 2.83 ગણી બીડ મળી છે, જ્યારે NIIનો હિસ્સો 2.91 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. મોટા ભાગના માર્કેટ એનાલિસ્ટ્સે IPOમાં રોકાણ કરવાની સલાહ આપી હતી.
અત્યારે આટલું નેગેટિવ છે ગ્રે માર્કેટ પ્રીમિયમ
સોમવારે, લિસ્ટિંગના એક દિવસ પહેલાં LIC IPOનો GMP જીરોથી 25 રૂપિયા સુધી નીચે ગયો હતો. પછી એમાં થોડો સુધારો તો થયો છે, પરંતુ એ હજુ પણ 20 રૂપિયા નેગેટિવમાં ટ્રેડ કરી રહ્યો છે. એક સમયે એ ગ્રે માર્કેટમાં રૂ. 92ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ટોચના શેર બ્રોકરના ડેટા મુજબ, હાલમાં LIC IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ શૂન્યથી 20 રૂપિયા નીચે હતું. જીએમપી એ જ વાતનો સંકેત આપે છે કે રોકાણકારોને પહેલા જ દિવસે નુકસાન વેઠવું પડી શકે છે. વિશ્લેષકો એવું પણ માની રહ્યા છે કે LICનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટની સાથે થવાનું છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.