ભારતીય શેરબજારમાં આજે એટલે કે ગુરુવાર (16 માર્ચ)ના રોજ તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 79 પોઈન્ટ ચઢી 57,635ના સ્તરે બંધ થયો. નિફ્ટી પણ 14 પોઈન્ટના વધારા સાથે 16,985ના સ્તરે બંધ થયો. સેન્સેક્સના 30માંથી 17 શેરોમાં વધારો અને 13માં ઘટાડો જોવા મળ્યો હતો.
FMCG અને રિયલ્ટી શેરોમાં તેજી રહી
આજના ટ્રેડિંગ સેશનમાં FMCG, રિયલ્ટી, એનર્જી, ફાર્મા, PSEના શેરોમાં તેજી જોવા મળી હતી. જ્યારે મેટલ, IT શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
અદાણી ટ્રાન્સમિશનના શેર 5.00% વધ્યા
અદાણી ગ્રુપના 10 શેરોમાંથી 6માં ઘટાડો અને 4માં વધારો જોવા મળ્યો. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના શેર 0.05% ચઢ્યા છે. જ્યારે અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 5.00%ની તેજી જોવા મળી હતી. જોકે, અદાણી વિલ્મર, ટોટલ ગેસ અને NDTVના શેર ઘટાડા સાથે બંધ થયા હતા.
પતંજલી ફૂડ્સના શેર 3.05% તૂટ્યા
પંતજલી ફૂડ્સના શેરમાં આજે 3.05%નો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાની સાથે કંપનીના શેર ગગડી 935 રૂપિયા પર બંધ થયા હતા. બુધવારે તે 964 રૂપિયા પર બંધ થયા હતા. હકીકતમાં, શેરબજારના નિયમોનું પાલન ના કરવા બદલ BSE અને NSEએ પતંજલી ફૂડ્સના અંદાજે 29.25 કરોડ શેરને ફ્રીઝ કર્યા છે. આ શેરોમાં આજરોજથી ટ્રેડિંગ નથી થઈ રહી. એક્સચેન્જ તરફથી ફ્રીઝ કરાયેલા શેર કંપનીના પ્રમોટર્સ ગ્રુપના છે.
ઝી એન્ટરટેનમેન્ટના શેર 10% વધ્યા
ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝિસ, ઇન્ડસઇન્ડ બેંકનું બાકી દેવું ચૂકવવા તૈયાર થઈ છે, કારણ કે કંપની પોતાના વિરુદ્ધ શરૂ થયેલી નાદારી કાર્યવાહીને બંધ કરવા માગે છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવવવામાં આવ્યું છે કે, ઝી એન્ટરટેનમેન્ટ પર ઈન્ડસઇન્ડ બેંકના અંદાજે 83.7 કરોડ રૂપિયા બાકી છે અને કંપની શુક્રવાર સુધી આ રકમ ચૂકવી શકે છે.
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, બાકીની ચૂકવણી પછી ઈન્ડસઈન્ડ બેંકે ઝીના વિરુદ્ધ દાખલ કરેલી નાદારી કાર્યવાહીને પરત લેવા પર સંમતિ દર્શાવી છે. આ સમાચાર સામે આવ્યા પછી આજે ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝિસના શેર 10% વધીને 207.95 રૂપિયા પર પહોંચી ગયા છે.
FIIs કરી રહ્યા છે વેચવાલી
ફોરેન ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (FII)એ બુધવારે સતત 5મા દિવસે પણ ભારતીય બજારમાં વેચવાલી કરી છે. બુધવારે કેશ માર્કેટમાં FIIsએ 1,271 કરોડ રૂપિયાના શેરોની વેચવાલી કરી છે. જ્યારે ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (DII)એ ફક્ત 1,824 કરોડ રૂપિયાના શેરોની ખરીદી કરી હતી. આ મહિનામાં અત્યાર સુધી FIIsએ કુલ 8,457 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. જ્યારે DIIsએ કુલ 12,294 રૂપિયાની વેચવાલી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.