તેજીની આગેકૂચ:શેરબજારમાં સતત ચોથા સેશનમાં સેન્સેક્સ વધુ 367 પોઇન્ટ ઉછળી 60 હજારને પાર, નિફ્ટી પણ 17,900 ઉપર

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેન્સેક્સની 30 પૈકી 18 કંપનીના શેરોમાં તેજી અને 12 કંપનીમાં મંદીમય માહોલ જોવા મળ્યો

ભારતીય શેરબજારમાં નવા વર્ષમાં શરૂઆત થયેલી તેજીની આગેકૂચ આજે સતત ચોથા દિવસે જળવાઈ હતી અને ભારતીય શેરબજારે વધુ 367 પોઇન્ટના ઉછાળા સાથે મનોવૈજ્ઞાનિક રીતે મહત્વની 60 હજારની સપાટી કુદાવી દીધી હતી. યુરોપના શેરબજારોમાં તેજીમય વલણના સંકેત વચ્ચે બેન્ક અને ફાયનાન્સિયલ સેક્ટરના શેરોએ આજે તેજીની આગેવાની કરી હતી. બીએસઈ સેન્સેક્સ 367.22 પોઇન્ટ એટલે કે 0.61 ટકા ઉછળી 60 હજારની સપાટી ઉપર 60,223.15 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 120 પોઈન્ટ અથવા 0.67 ટકા વધી 17,925.25 પર બંધ આવી હતી.

બજાજ ફિનસર્વ ઉપરાંત બજાજ ફાયનાન્સ, કોટક બેન્ક, એક્સિસ બેન્ક, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક, એશિયન પોઇન્ટ અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરોમાં ભારે તેજી જોવા મળતી હતી. ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો અને પાવરગ્રીફના શેરોમાં સૌથી વધારે ઘટાડો થયો હતો. એશિયામાં શાંઘાઈ, હોંગકોંગ અને સેઉલના શેરોમાં મંદી જ્યારે ટોક્યોના શેરોમાં તેજી જોવા મળી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમત નજીવા ઘટી 79.99 ડોલર રહ્યા હતા. ફોરેન ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (FII)એ આજે મૂડી બજારમાં ચોખ્ખી ખરીદી કરી રહ્યા છે. ગત મંગળવારે FII દ્વારા 1,273.86 કરોડની ખરીદી કરી હતી.

સેન્સેક્સની 30 પૈકી 18 કંપની શેરમાં તેજી
સેન્સેક્સ પેકની 30 પૈકી 18 કંપનીના શેરોમાં તેજી જ્યારે 12 કંપનીના શેરોમાં મંદીમય માહોલ જોવા મળ્યો હતો. બીએસઈ ખાતે કુલ 3481 સ્ક્રીપમાં કામકાજ થયું હતું, જે પૈકી 1830 સ્ક્રીપના શેરોમાં તેજી જ્યારે 1555 સ્ક્રીપના શેરોમાં મંદીમય માહોલ જોવા મળ્યો હતો. જોકે 96 સ્ક્રીપના ભાવમાં સ્થિર રહ્યા હતા. બેન્કેક્સમાં 1,020 પોઇન્ટ એટલે કે 2.43 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો.

IT ઈન્ડેક્સ 718.77 પોઇન્ટ અથવા 1.87 ટકા ગગડ્યો
આ ઉપરાંત મેટલ ઈન્ડેક્સ 314.18 પોઇન્ટ, રિફાઈનરી ઈન્ડેક્સ 256 પોઇન્ટ અને ઓટો ઈન્ડેક્સ 224 પોઇન્ટ વધ્યા હતા. જ્યારે સૌથી વધારે ઘટાડો નોંધાવનાર સેક્ટરમાં IT ઈન્ડેક્સ 718.77 પોઇન્ટ અથવા 1.87 ટકા ગગડ્યો હતો. જ્યારે ટેક ઈન્ડેક્સ 255.81 પોઇન્ટ અથવા 1.52 ટકા તૂટ્યો હતો.