ભારતીય શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ જુલાઈમાં દુનિયાનાં તમામ મુખ્ય બજારોને પછાડી સૌથી ઝડપી ગ્રોથ હાંસલ કર્યો છે. શુક્રવારે સેન્સેક્સ 712.46 પોઇન્ટ(1.25%)ના ઉછાળા સાથે 57,570.25 પર બંધ રહ્યો. આ સેન્સેક્સનું છેલ્લા ત્રણ મહિનાનું સર્વોચ્ચ લેવલ છે. અગાઉ 28 એપ્રિલ 2022ના રોજ સેન્સેક્સ 57,521.06 પર બંધ રહ્યો હતો. જુલાઈમાં સેન્સેક્સ 4551.31 પોઇન્ટ(8.58%)અને નિફ્ટી 1378 પોઇન્ટ વધ્યા છે.
જોકે બીજી બાજુ આ સમયગાળા દરમિયાન ચીનના શેરબજારનો સૂચકાંક શાંઘાઈ કમ્પોઝિટ 4.28% સુધી ગગડ્યો હતો. હોંગકોંગનો સૂચકાંક હેંગસેંગ પણ 7.79% સુધી ગગડ્યો હતો. ભારતના બજારમાં આવેલી તેજી અંગે નિષ્ણાતોનું ધ્યાન એટલા માટે આકર્ષાઈ રહ્યું છે કેમ કે વિદેશી રોકાણકારો સતત પ્રોફિટ બુકિંગ કરી રોકાણ ઘટાડી રહ્યા છે અને ઘરેલુ રોકાણકારો સતત રોકાણ વધારીને બજારમાં ગ્રોથને યથાવત્ રાખી રહ્યા છે.
આ ટ્રેન્ડ 8 વર્ષ પછી જોવા મળી રહ્યો છે. કોટક એએમસીના ડિરેક્ટર નીલેશ શાહ કહે છે કે હવે વિદેશી રોકાણકારો પણ ઓછી વેચવાલી કરવા લાગ્યા છે. બની શકે કે તે હવે ખરીદી પણ કરવા લાગે કેમ કે દુનિયાનાં બીજાં બજારોમાં તેમને સારો એવો ફાયદો મળતો નથી. એવામાં ભારતીય બજારમાં હજુ વધારે ઉછાળો જોવા મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.