ભારતીય શેરબજારમાં આજે એટલે કે બુધવારે (15 માર્ચ)ના રોજ સતત પાંચમાં ટ્રેડિંગના દિવસે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 344 પોઈન્ટ ગગડી 57,556ના લેવલ પર બંધ થયો. નિફ્ટી પણ 123 પોઈન્ટ ઘટી 16,972ના લેવલ પર બંધ થયો. સેન્સેક્સના 30માંથી 31 શેરોમાં ઘટાડો અને ફક્ત 9માં વધારો રહ્યો. બજારની વેચવાલીમાં બેન્કિંગ સ્ટોક્સ સૌથી આગળ રહ્યા હતા.
રોકાણકારોના 8.5 લાખ કરોડ રૂપિયા ધોવાયા
બજારમાં 5 દિવસના ઘટાડાના કારણે રોકાણકારોના અંદાજે 8.5 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 15 માર્ચના રોજ ઘટી 255.76 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. 9 માર્ચના રોજ તે 264.30 લાખ કરોડ રૂપિયા હતી.
અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં 5.74% તેજી
અદાણી ગ્રુપના 10 શેરમાંથી 7માં વધારો અને 3માં ઘટાડો જોવા મળ્યો છે. ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસના શેર 5.74% ચઢ્યા છે. અદાણી પોર્ટ્સમાં 4.19%નો વધારો થયો. જોકે, અદાણી ટોટલ ગેસ, પાવર અને ACCના શેરો લાલ નિશાન પર બંધ થયા.
અમેરિકાના બજારમાં વધારો
અમેરિકાના બજારમાં મંગળવારે તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સમાં 336.26 પોઈન્ટ અથવા 1.06%ની તેજી રહી અને તે 32,155.4ના લેવલ પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ 64.8 પોઈન્ટ મજબૂત થઈ 3,920.56ના લેવલ પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટમાં 239.31 પોઈન્ટની તેજી રહી અને તે 11,428.15ના લેવલ પર બંધ થયો.
ગઈકાલે પણ ભારતીય બજારમાં ઘટાડો હતો
ગતરોજ એટલે કે મંગળવારે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. 14 માર્ચના રોજ સેન્સેક્સ 337 પોઈન્ટ ગગડી 57,900ના લેવલ પર બંધ થયો હતો. નિફ્ટી પણ 111 પોઈન્ટના ઘટાડા સાથે 17,043ના લેવલે બંધ થયો. સેન્સેક્સના 30માંથી 23 શેરોમાં ઘટાડો અને ફક્ત 7માં તેજી રહી હતી.
FII નેટ સેલર્સ અને DII નેટ બાયર્સ
14 માર્ચના ટ્રેડિંગમાં ફોરેન ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (FII) નેટ સેલર્સ રહ્યા. જ્યારે આ દરમિયાન ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (DII) નેટ બાયર્સ રહ્યા હતા. NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ FIIએ બજારમાંથી 3086.96 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. DIIએ 2121.94 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.
25 મહિનાના નિચલા સ્તરે જથ્થાબંધ મોંઘવારી
સરકારે ગતરોજ જથ્થાબંધ મોંઘવારી દર (WPI)ના આંકડા જારી કર્યા હતા. તેના મુજબ ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી ઘટી 3.85% આવી ગયો છે. તે 25 મહિનાના નિચલા સ્તરે છે. જાન્યુઆરી 2023માં જથ્થાબંધ મોંઘવારી દર 4.73% હતો. ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર 4.95% હતો. બટેટા, ડુંગળી, ફ્યૂલ જેવી વસ્તુઓ સસ્તી થવાને કારણે મોંઘવારી ઘટી છે. ફેબ્રુઆરી 2021માં તે 4.83% અને જાન્યુઆરી 2021માં 2.03% હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.