શેરબજાર:ભારે વેચવાલી પાછળ સેન્સેક્સમાં 1115 પોઇન્ટનો કડાકો, સપ્તાહમાં 2750 તૂટ્યો, 1 કલાકમાં રોકાણકારોના 3 લાખ કરોડ ધોવાયા

અમદાવાદએક વર્ષ પહેલા
 • વૈશ્વિક અર્થતંત્રમાં ફરી ભંગાણ પડવાની ભીતિએ રોકાણકારોની વેચવાલી, લૉકડાઉનની પણ ભીતિ
 • F&Oના છેલ્લા દિવસે ઓટો સેક્ટરમાં ધોવાણ
 • ગુરુવારે નિફ્ટીમાં 326.3 પોઇન્ટનો ઘટાડો થયો

વૈશ્વિક અર્થતંત્રમાં ફરી ભંગાણ પડવાની ભીતિએ રોકાણકારોની આક્રમક વેચવાલીના કારણે શેરબજારમાં વધુ 1115 પોઇન્ટનું ગાબડું પડી સેન્સેક્સ 37000ની સપાટી અંદર 36553.60 પોઇન્ટ બંધ રહ્યો છે. અંતિમ એક કલાકમાં જ મૂડીરોકાણમાં ત્રણ લાખ કરોડનું ધોવાણ થયું છે. માર્કેટ કેપ દિવસ દરમિયાન સરેરાશ 4 લાખ કરોડ ઘટી 148.79 બંધ રહ્યું છે. જોકે સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 2750 પોઇન્ટ તૂટતા રોકાણકારોની મૂડી 11.31 લાખ કરોડ ધોવાઇ ગઇ છે.

ફેડરલ રિઝર્વે નિર્દેશ કર્યો છે કે અર્થતંત્ર કોરોના પૂર્વેની સ્થિતિમાં આવતા હજુ લાંબો સમય લાગી જશે તેના પરિણામે વિદેશી રોકાણકારો ઇક્વિટી માર્કેટમાંથી નાણાં પરત ખેંચી રહ્યાં છે. આ ઉપરાંત ડોલર ઇન્ડેક્સ ઘટી 92 થયા બાદ વધીને 94.50 થતા ઇમર્જિંગ માર્કેટમાંથી લિક્વિડિટી પરત ખેંચાઇ રહી છે. વધુમાં વિશ્વભરમાં ફરી કોરોના સંક્રમણ

શક્યતા ઉપરાંત વૈશ્વિક બજારોમાં સતત નિરૂત્સાહી ટ્રેન્ડના કારણે ભારતીય શેરબજારમાં વેચવાલીનું વાવાઝોડું આવ્યું છે. વૈશ્વિક નબળા અર્થતંત્રને ધ્યાનમાં લેતા રોકાણકારોમાં ભયનો માહોલ ફેલાયેલો છે.નિફ્ટી 11000 પોઇન્ટનું લેવલ જાળવવામાં નિષ્ફળ રહ્યો છે. 326.30 પોઇન્ટના ઘટાડા સાથે 10805.55 બંધ રહ્યો હતો.

સેન્સેક્સ 35000, નિફ્ટી 10600 આવી શકે
ઇન્વેસ્ટર પોઇન્ટના જયદેવસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, ભારતીય શેરબજારમાં ઘટાડો વૈશ્વિક બજારોના કારણે આવ્યો છે. સ્થાનિકમાં ઘટાડાના મોટા અન્ય કારણો નથી. સપ્ટેમ્બર માસની એક્સપાયરીના કારણે વેચવાલીનું દબાણ આવતા ઘટાડો લંબાયો છે. સેન્સેક્સ 35500-35000 અને નિફ્ટી 10600 સુધી ઘટી શકે છે. રોકાણકારોએ ઘટાડે શ્રેષ્ઠ સ્ક્રિપ્સ આઇડેન્ટીફાઇ કરી રોકાણ કરવું જોઇએ.

ચાલુ સપ્તાહે સતત ઘટાડાની ચાલ
ભારતીય શેરબજારમાં ચાલુ સપ્તાહથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારથી લઈને આજે ગુરુવાર સુધીમાં સેન્સેક્સમાં 2293.11 પોઈન્ટનો ઘટાડો થયો હતો. તેવી જ રીતે નિફ્ટીમાં 445 પોઈન્ટની નરમાઈ જોવા મળી છે. માર્કેટ એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે ચાલુ સપ્તાહે દેશ અને વિદેશનાં અગત્યનાં અર્થતંત્રને લગતા અગત્યના ડેટા જાહેર થયા હતા, જે મોટા ભાગે નકારાત્મક રહેતાં શેર માર્કેટમાં મંદી જણાઈ રહી છે.

શેરબજારમાં ઘટાડાનાં મુખ્ય પાંચ કારણો

 • એમ્પાયર ઇમર્જિંગ માર્કેટમાં ફરી નિરૂત્સાહી ટ્રેન્ડ શરૂ થયો
 • ડોલર ઇન્ડેક્સની મજબૂતીથી રોકાણકારોએ ફંડ પાછું ખેંચ્યું
 • અર્થતંત્ર કોવિડ પૂર્વેની સ્થિતિમાં આવતા સમય લાગશે તેવું ફેડરલનું નિવેદન
 • સલામતીના માધ્યમથી વિદેશી રોકાણકારો ફંડ પાછું ખેંચ્યું
 • અમેરિકામાં ઇલેક્શન-આર્થિક પેકેજ મુદ્દે અસમંજસથી રોકાણકારો નિરાશ

સાપ્તાહિક ધોરણે બજારની સ્થિતિ

વિગત16-9-2024-9-20તફાવત
સેન્સેક્સ3930336553-2750
નિફ્ટી1160510806-799
માર્કેટ કેપ160.08148.79-11.29
સોનું5370051000-2700
ચાંદી6600057000-9000
રૂપિયો73.5273.89-0.37

મોટી કંપનીઓના શેરમાં ઘટાડો

આજે ગુરુવારે જાણીતી કંપનીઓના શેરમાં ભારે વેચવાલી રહેતાં તેના ભાવમાં નીચે મુજબનો ઘટાડો જોવા મળ્યો હતોઃ

 • રિલાયન્સ: -2.17%
 • અશોક લેલેન્ડ: -7.74%
 • ટાટા મોટર્સ: -6.51%
 • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા: -6.37%
 • મારુતિ: -3.19%
 • સન ફાર્મા: -3.45%
 • ઇન્ડસઇન્ડ બેંક: -7.10%
 • TCS: -5.50%
 • HDFC બેંક: -1.68%
અન્ય સમાચારો પણ છે...