દેશની સૌથી મોટી બેન્ક(SBI) એ ઘર ખરીદનારાઓને મોટી ભેટ આપી છે. હોમ લોનના વ્યાજ દરમાં 30 બેસિસ પોઈન્ટ્સ(bps) એટલે કે 0.30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેના કારણે હવે બેન્કની હોમ લોનના વ્યાજ દર 6.80 ટકા પર આવી ગયા છે. આ સિવાય જે ગ્રાહકો હોમ લોન માટે યોનો એપ્લિકેશન, https://homeloans.sbi / www.sbiloansin59minutes.com દ્વારા એપ્લાય કરશે તેમને એડિશનલ 5bpsનું કન્સેશન મળશે. લોનના દર પર આ કન્સેશન 21 માર્ચ સુધી લાગુ રહેશે.
ગોદરેજ હાઉસિંગના સૌથી ઓછા વ્યાજ દર 6.69 ટકા
ગોદરેજ હાઉસિંગનો વ્યાજ દર 6.69 ટકા છે. જ્યારે યુનિયન બેન્કની હોમ લોનનો વ્યાજ દર 6.80 ટકા ઘણા સમયથી છે. SBIએ તેના દરોમાં કાપ મૂકીને અન્ય બેન્કોને પણ દરો ઘટાડવા માટે મજબૂર કરી દીધી છે. દેશની મોટી બેન્ક કે NBFCનો હોમ લોનનો વ્યાજ દર 7 ટકાની આસપાસ છે. ખાનગી સેક્ટરની બેન્ક ICICI બેન્કની હોમ લોનનો વ્યાજ દર હાલ 6.95 ટકા છે. HDFCનો વ્યાજ દર 6.90 ટકા પર છે.
પ્રોસેસિંગ ફીસ ઝીરો
એસબીઆઈએ હોમ લોનના દર ઘટાડવાની સાથે ઘર ખરીદનારાઓને વધુ એક ફાયદો આપ્યો છે. હવે ઘર ખરીદીની લોન પર કોઈ પણ પ્રોસેસિંગ ફીસ લાગશે નહિ. એટલે કે તમારી કુલ લોન પર લગભગ એક ટકાની બચત થશે. સામાન્ય રીતે પ્રોસેસિંગ ફીસ 80 bpsથી એક ટકાની વચ્ચે હોય છે. 20 લાખની લોન પર તમારે 18થી 20 હજાર રૂપિયા પ્રોસેસિંગ ફીસ ચુકવવી પડે છે.
આકર્ષક કન્સેશન ઓફર કરવામાં આવ્યું
બેન્કે એક નિવેદનમાં કહ્યું છે કે આ એક આકર્ષક કન્સેશન હોમ લોન પર ઓફર કરવામાં આવ્યું છે. બેન્કે કહ્યું કે 30 લાખ રૂપિયાની હોમ લોન પર 6.80 ટકાના દરથી વ્યાજ લેવામાં આવશે. જ્યારે 30 લાખ રૂપિયાથી વધુની હોમ લોન પર 6.95 ટકાના દરે વ્યાજ લેવામાં આવશે. આ વ્યાજ દર ગ્રાહકોના સિબિલ સ્કોર સાથે જોડાયેલો છે. વ્યાજના દરોમાં આ કન્સેશન દેશના 8 મહાનગરોમાં લાગુ છે. તે 5 કરોડ રૂપિયા સુધીની જે પણ લોન હશે, તેની પર લાગુ પડશે. મહિલાઓ માટે 5 bpsનું વધુ કન્સેશન બેન્કે આપ્યું છે. એટલે કે 35 bpsનું ડિસ્કાઉન્ટ છે.
ઘર ખરીદનારાઓને ઉત્સાહિત કરશે
બેન્કના એમડી સી એસ શેટ્ટીએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે આ પગલુ ઘર ખરીદનારાઓને નિર્ણય લેવામાં વધુ ઉત્સાહિત કરશે. તેમનો વિશ્વાસ વધશે. તેમાં પણ જો તમે પ્રથમ ઘર ખરીદી રહ્યાં છો તો તમને વધુ ફાયદો છે. એક તો ઓછા વ્યાજ દર, બીજું વડાપ્રધાન આવાસ યોજનાની 2.67 લાખ રૂપિયાની સબસિડી અને કેટલાક રાજ્યોમાં સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશનના દરોમાં ઘટાડો પણ થયો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.