મોંઘવારીમાં વધારો તેમજ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સર્જાયેલી ક્રાઈસિસને ધ્યાનમાં લેતાં એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે દેશનો ચાલુ નાણાકીય વર્ષ માટેનો જીડીપી ગ્રોથ અંદાજ 0.5 ટકા ઘટાડી 7.3 ટકા કર્યો છે. અગાઉ 7.8 ટકા હતો. એસએન્ડપી ગ્લોબલે જણાવ્યુ હતુ કે, લાંબા સમય સુધી ફુગાવો યથાવત રહે તે ચિંતાનો વિષય છે. જેના લીધે વ્યાજદરોમાં વધારો થશે. પરિણામે ઉત્પાદન અને રોજગારી પર જોખમ વધશે.
એસએન્ડપીએ ગતવર્ષે ડિસેમ્બરમાં દેશનો જીડીપી ગ્રોથ 2022-23માં 7.8 ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો. જે ઘટાડી 7.3 ટકા કર્યો છે. આગામી નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ વધુ ઘટી 6.5 ટકા રહેવાનો સંકેત આપ્યો છે.
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે કોમોડિટીના ભાવોમાં વૃદ્ધિ થતાં વૈશ્વિક સ્તરે મોંઘવારી વધી છે. જેની પ્રતિકૂળ અસરો લગભગ તમામ દેશોના જીડીપી પર જોવા મળી છે. રિટેલ ફુગાવો આ વર્ષે 6.9 ટકા નોંધાયો છે. રિટેલ ફુગાવો સપ્ટેમ્બર, 2022 સુધી વધવાની સંભાવના છે. ત્યારબાદથી તેમાં ઘટાડો નોંધાશે. ફુગાવાના કારણે ગ્રોથ રેટ નબળો પડશે.
અન્ય એજન્સીઓએ ગ્રોથમાં ઘટાડો કર્યો
ક્રૂડ ઓઈલના વધતા ભાવો અને યુદ્ધના કારણે સપ્લાય ચેઈનમાં પડકારો વધતાં વર્લ્ડ બેન્કે એપ્રિલમાં 2022-23 માટેનો જીડીપી ગ્રોથ અંદાજ 8.7 ટકાથી ઘટાડી 8 ટકા કર્યો હતો. જ્યારે આઈએમએફએ 9 ટકાથી ઘટાડી 8.2 ટકા નિર્ધારિત કર્યો છે. એશિયન ડેવલોપમેન્ટ બેન્કે જીડીપી ગ્રોથ અંદાજ 7.5 ટકા અને આરબીઆઈએ 7.2 ટકા (7.8 ટકા) મૂક્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.