અમેરિકન બિઝનેસમેન બિલ ગેટ્સ શુક્રવારે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમણે સ્વાસ્થ્ય, જળવાયુ પરિવર્તન, G20 પ્રેસિડેન્સી સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. બિલ ગેટ્સે તેમના સત્તાવાર બ્લોગ 'ગેટ્સનોટ્સ'માં આ મિટિંગ વિશે લખ્યું અને ભારતના વખાણ કર્યા.
તેમણે લખ્યું કે હું આ અઠવાડિયે ભારતમાં છું. એવા સમયે જ્યારે વિશ્વ અનેક પડકારોથી ઘેરાયેલું છે, ત્યારે ભારત જેવા ગતિશીલ અને સર્જનાત્મક સ્થાને રહેવું પ્રેરણાદાયક છે. ભારત દુનિયાને બતાવી રહ્યું છે કે જ્યારે કોઈ ઈનોવેશનમાં રોકાણ કરે છે ત્યારે શું શક્ય છે. હું સ્વાસ્થ્ય, વિકાસ અને આબોહવા પરિવર્તન ક્ષેત્રોમાં ભારતની વૃદ્ધિ વિશે પહેલા કરતાં વધુ સકારાત્મક છું. હું આશા રાખું છું કે ભારત આ વૃદ્ધિ ચાલુ રાખશે અને વિશ્વ સાથે તેની નવીનતાઓ શેર કરવાનું ચાલુ રાખશે.
ગેટ્સે ભારતીય કોરોના વેક્સિન અને હેલ્થકેર સિસ્ટમની પ્રશંસા કરી
બિલ ગેટ્સે કહ્યું કે અસરકારક, સલામત અને સસ્તી કોરોના રસી બનાવવાની ભારતની અદભૂત ક્ષમતા પ્રશંસનીય છે. આ રસીઓએ લાખો લોકોના જીવન બચાવ્યા અને વિશ્વભરમાં અન્ય રોગોને ફેલાતા અટકાવ્યા. તે આનંદની વાત છે કે ગેટ્સ ફાઉન્ડેશન પણ કેટલીક રસી બનાવવામાં ભારતને સહકાર આપવા સક્ષમ હતું.
તેમણે લખ્યું કે, 'ભારતે માત્ર જીવનરક્ષક રસીઓ જ બનાવી નથી, પરંતુ તેને પહોંચાડવામાં પણ મોટું કામ કર્યું છે. ભારતની જાહેર આરોગ્ય પ્રણાલીએ Co-WIN નામના ઓપન સોર્સ પ્લેટફોર્મ દ્વારા કોરોના રસીના 220 કરોડ ડોઝ પહોંચાડ્યા. કરોડો લોકોએ આ પ્લેટફોર્મ દ્વારા રસી લેવા માટે એપોઇન્ટમેન્ટ લીધી અને રસી લીધા પછી તેમને ડિજિટલ સર્ટિફિકેટ પણ મળ્યું. પીએમ મોદી માને છે કે CO-WIN વિશ્વ માટે એક ઉદાહરણ છે અને હું તેમની સાથે સહમત છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.