લોકસભામાં મંગળવારે કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત જોડો યાત્રામાં તામિલનાડુથી લઈને કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ....બધી જગ્યાએ એક જ નામ સાંભળવા મળ્યું....અદાણી. દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં 2014માં અદાણી 609 નંબર પર હતા. સૌથી પાછળ. એના પછી જાદુ થયા બાદ બીજા નંબર પર આવી ગયા. હિમાચલમાં સફરજનની વાત થાય છે તો અદાણીજી. કાશ્મીરમાં સફરજનની વાત તો અદાણીજી. પોર્ટ અને એરપોર્ટ બધી જગ્યાએ અદાણીજી, રસ્તા પર જઈ રહ્યા હોય તો અદાણીજી.
રાહુલે વધુમાં કહ્યું હતું કે લોકોએ પૂછ્યું કે અદાણીજીને સફળતા કેવી રીતે મળી. સૌથી જરૂરી સવાલ એ છે કે તેમના ભારતના વડાપ્રધાનની સાથે શું સંબંધ છે અને કેવો સંબંધ છે?
અદાણીને 6 એરપોર્ટ આપવામાં આવ્યાં
એરપોર્ટની વાત કરે છે. કેટલાંક વર્ષો પહેલાં સરકારે ભારતના એરપોર્ટ ડેવલપ કરવા માટે આપ્યાં હતાં. નિયમ હતો, કોઈપણ જેને પહેલા કોઈ અનુભવ ન હોય તેઓ એમાં સામેલ થઈ શકશે નહીં. આ નિયમને ભારતની સરકારે બદલી નાખ્યો. એ સમયે મીડિયામાં આ બાબતે ચર્ચા થઈ હતી. નિયમો નેવે મૂકીને અદાણીને 6 એરપોર્ટ આપવામાં આવ્યાં. વિશ્વના સૌથી નફાકારક મુંબઈ એરપોર્ટને GVK દ્વારા હાઇજેક કરવામાં આવ્યું. CBI અને EDનો ઉપયોગ કરીને ભારતના એ એરપોર્ટને અદાણીજીને સોંપી દીધાં. પરિણામ એ આવ્યું કે આજે અદાણીજીએ ભારતનાં 24% એરપોર્ટ લઈ લીધાં છે. ભારત સરકાર અને વડાપ્રધાને અદાણીને આ સુવિધા આપી છે.
તેમણે સંબોધન કરતાં વધુમાં કહ્યું હતું કે અમે વિદેશનીતિ વિશે વાત કરીએ છીએ. ચાલો... ડિફેન્સથી શરૂ કરીએ. અદાણીજીને ડિફેન્સમાં ઝીરો અનુભવ હતો. ગઈકાલે મેં વડાપ્રધાનને HALમાં જોયા. તેમણે કહ્યું હતું કે તેમના પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. વાસ્તવિકતા એ છે કે 126 એરોપ્લેન માટે HALનો કોન્ટ્રેક્ટ હતો, એ અનિલ અંબાણીને મળ્યો. તેઓ નાદાર થઈ ગયા. અદાણીજીનો ડિફેન્સમાં ઈન્ટ્રેસ્ટ જુઓ. ઇઝરાયલની એક કંપની સાથે સૈન્ય માટે ડ્રોનને રી-ફિટ કરે છે. ભારતની અન્ય કંપનીઓ પણ આ કામ કરે છે. વડાપ્રધાન ઇઝરાયલ જાય છે અને પછી અદાણીજીને કોન્ટ્રેક્ટ મળી જાય છે. તેમની પાસે 4 ડિફેન્સ કંપની છે. તેમણે ક્યારેય આ કામ કર્યું નથી. વડાપ્રધાન ઈઝરાયલ જાય છે, ત્યાંના વડાપ્રધાન સાથે બીચ પર ચાલે છે. એ પછી અદાણીને ડિફેન્સ મેઇન્ટેનન્સનો કોન્ટ્રેક્ટ, ઇઝરાયલી ડ્રોન અને નાનાં હથિયારોનો કોન્ટ્રેક્ટ મળી જાય છે, એમાં પેગાસસ પણ છે.
તેમણે આગળ કહ્યું, વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા જાય છે અને જાદુથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા વન બિલિયન ડોલરની લોન અદાણીને આપી દે છે. ત્યાર બાદ બાંગ્લાદેશમાં ગયા તો ત્યાં ઈલેક્ટ્રિસિટી વેચવાનો નિર્ણય લેવામાં આવે છે. થોડા દિવસો બાદ બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડે અદાણીજી સાથે 25 વર્ષનો કરાર કર્યો.
ખેડૂતોએ કહ્યું- અમારી જમીન છીનવી લેવામાં આવે છે
રાહુલે કહ્યું- યાત્રા દરમિયાન યુવકો પાસે આવતા હતા અને કહેતા હતા કે હું બેરોજગાર છું, તો હું વિચારતો હતો કે બેરોજગાર કેમ છે, શું કારણ છે. હજારો લોકો સાથે વાતચીત થઈ. મેં મારા જીવનમાં પહેલાં ક્યારેય આવું સાંભળ્યું નહોતું. હજારો ખેડૂતો આવ્યા. પીએમ વીમા યોજનાની વાત કરી. ખેડૂતોએ કહ્યું, અમે રૂપિયા ભરીએ છીએ, વાવાઝોડું આવે છે તો બધા રૂપિયા તાણી જાય છે. ખેડૂતોએ એમ પણ કહ્યું હતું કે તેમની જમીન છીનવી લેવામાં આવે છે અને તેમને યોગ્ય ભાવ પણ નથી મળતા.
13 દિવસ બાદ અદાણી એન્ટરપ્રાઈઝીસના શેરમાં 15%નો ઉછાળો રૂ. 1800ની નજીક પહોંચ્યો; એક દિવસ પહેલાં પ્રમોટર્સે 1.1 બિલિયન ડોલરની લોનની ચુકવણી કરી હતી
અદાણી ગ્રુપના શેરોમાં મંગળવારે જોરદાર તેજી જોવા મળી રહી છે. 13 દિવસ બાદ અદાણી એન્ટરપ્રાઈઝીસના શેરમાં 15%નો ઉછાળો જોવા મળ્યો હતો. સવારે 11.30 કલાકે એ રૂ. 223.50 વધી રૂ. 1,796.95 થયો હતો. અદાણી પોર્ટમાં પણ 8%નો વધારો છે.
અદાણી ટ્રાન્સમિશન અને અદાણી વિલ્મર લગભગ 5% ઉપર છે. જ્યારે અદાણી ગ્રુપની સિમેન્ટ કંપની ACC, અંબુજા સિમેન્ટમાં લગભગ 3% અને અદાણી પાવરમાં 1.5% તેજીમાં છે. જોકે અદાણી ટોટલ ગેસ 5% નીચે છે.
સૌથી પહેલા જાણીએ તેજીનું કારણ...
અદાણી ગ્રુપના પ્રમોટરોએ સોમવારે નિર્ધારિત સમય કરતાં 19 મહિના પહેલાં 1.1 બિલિયન ડોલરની લોન ચૂકવી દીધી હતી. એની અસર આજે અદાણી ગ્રુપના શેરો પર જોવા મળી રહી છે. આ સિવાય અદાણી ગ્રુપના શેરને લઈને પણ બજારનું સેન્ટિમેન્ટ એટલું નેગેટિવ નથી.
વિપક્ષી દળોની બેઠક, સંસદ ચલાવવા અંગે એક મત થયા
અદાણી ગ્રુપને લઈને સંસદમાં ફરી હોબાળો થયો હતો. કાર્યવાહી શરૂ થતાં જ વિરોધ પક્ષોના નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને અદાણી કેસ પર ચર્ચાની માગ કરી હતી. સ્પીકરે સમજાવવા માટે પ્રયત્ન કર્યા, પણ તેમનું સાંભળ્યું નહીં. આ પછી બંને ગૃહોની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયમાં આજે સમાન વિચારધારા ધરાવતા વિપક્ષી પક્ષોના ફ્લોર લીડર્સની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસના જયરામ રમેશે ટ્વીટ કર્યું- મોટા ભાગની વિપક્ષી પાર્ટીઓએ આજથી સંસદીય કાર્યવાહીમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. અમે PM સાથે જોડાયેલા અદાણીકૌભાંડ મામલે JPC દ્વારા તપાસની માગ કરતા રહીશું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, AAP અને BRSએ સંસદીય ચર્ચામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી JPCની રચના ન થાય ત્યાં સુધી કાર્યવાહીમાં ભાગ નહીં લે.
કોંગ્રેસ સહિત અન્ય પક્ષોની શી માગ છે
વિરોધ પક્ષોની માગ છે કે અદાણી જૂથના નાણાકીય વ્યવહારોની સંસદીય પેનલ (JPC) અથવા સુપ્રીમ કોર્ટની સમિતિ દ્વારા તપાસ કરવામાં આવે. આ માટે સોમવારે કોંગ્રેસ પાર્ટીએ માગને લઈને દેશભરમાં LIC અને SBIની ઓફિસની બહાર પ્રદર્શન પણ કર્યું હતું. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર સંસદમાં અદાણી પર ચર્ચા કરવા ઇચ્છતી નથી. મોદીજી પૂરો પ્રયાસ કરશે કે સંસદમાં અદાણી પર કોઈ ચર્ચા ન થાય. હું 2-3 વર્ષથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છું. અદાણી પાછળ કોણ છે. એ સામે આવવું જોઈએ. કોંગ્રેસને 15 વિપક્ષી દળોનું સમર્થન છે.
અદાણી અમીરોની યાદીમાં 18મા નંબર પર...
શેરોના ભાવમાં ઘટાડા બાદ ગૌતમ અદાણીની નેટવર્થ 60 બિલિયન ડોલર હતી. ગયા વર્ષે એ 150 બિલિયન ડોલરની નજીક હતી. સોમવારે જાહેર થયેલી ફોર્બ્સની અમીરોની રિયલ ટાઈમ યાદીમાં અદાણી 18મા સ્થાન પર આવી ગયા હતા. શુક્રવારે તેઓ 22મા સ્થાને સરક્યા હતા. 27 ફેબ્રુઆરી પહેલાં અદાણી દુનિયાની ત્રીજી સૌથી અમીર વ્યક્તિ હતા અને એશિયામાં પ્રથમ નંબર પર હતા.
હિંડનબર્ગ રિપોર્ટ બાદ છેલ્લા 13 દિવસની મોટી વાતો...
24 જાન્યુઆરીઃ હિંડનબર્ગે 106 પાનાંનો એક રિપોર્ટ જાહેર કરીને અદાણી ગ્રુપ પર શેરબજારમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગ જેવા મોટા આરોપ લગાવ્યા છે.
27 જાન્યુઆરીઃ અદાણી એન્ટરપ્રાઈઝીસ 20,000 કરોડનો FPO લાવી. પહેલા દિવસે માત્ર 1% સબ્સ્ક્રિપ્શન મળ્યું. આ ઓફરની પ્રાઈસ બેન્ડ 3112થી 3276 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી હતી.
29 જાન્યુઆરીઃ અદાણી એન્ટરપ્રાઈઝીસનો FPO ફુલ સબ્સ્ક્રાઈબ થઇ ગયો. એ જ દિવસે અદાણી ગ્રુપે હિંડનબર્ગના રિપોર્ટને ભારત પર ષડ્યંત્ર હેઠળ હુમલો જણાવ્યો. ગ્રુપે 413 પાનાંના જવાબમાં લખ્યું કે બધા જ આરોપો ખોટા છે.
30 જાન્યુઆરીઃ હિંડનબર્ગ રિસર્ચે કહ્યું- અદાણીને 88 સવાલ પૂછવામાં આવ્યા. એમાંથી તેઓ 62ના જ જવાબ આપી શક્યા નહોતા. છેતરપિંડીને રાષ્ટ્રવાદના નામે છુપાવી શકાતું નથી. હિંડનબર્ગે અદાણી ગ્રુપના જવાબને બ્લોટેડ રિસ્પોન્સ જાહેર કર્યું.
1 ફેબ્રુઆરીઃ અદાણી ગ્રુપે 20 હજાર કરોડ રૂપિયાના ફુલી સબ્સ્ક્રાઇબ્ડ FPOને રદ કરીને ઇન્વેસ્ટર્સને રૂપિયા પાછા આપવાની વાત કહી છે.
2 ફેબ્રુઆરીઃ ગૌતમ અદાણીએ FPO રદ કર્યા પછી એક વીડિયો મેસેજ આપ્યો, જેમાં તેમણે કહ્યું- મારા માટે રોકાણકારોનું હિત મુખ્ય છે. એ જ દિવસે વિપક્ષે સંસદમાં હોબાળો મચાવ્યો હતો, RBIએ દેશની તમામ બેંકો પાસેથી અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન અને રોકાણની વિગતો માગી છે. NSEએ અદાણી ગ્રુપના ત્રણ શેરને ટૂંકા ગાળા માટે એડિશનલ સર્વેલન્સ મેજર્સ (ASM)ની યાદીમાં ઉમેર્યા હતા.
3 ફેબ્રુઆરીઃ એડવોકેટ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રોકાણકોરોનું શોષણ કરવાના અને તેમની સાથે છેતરપિંડી માટે હિંડનબર્ગ રિસર્ચના ફાઉન્ડર એન્ડરસન અને તેમના સાથીઓ સામે FIR નોંધાવવાની માગ કરી હતી.
6 ફેબ્રુઆરીઃ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરીને નિવૃત્ત જજના નેતૃત્વમાં અદાણી ગ્રુપ પર હિંડનબર્ગના રિપોર્ટની તપાસ કરાવવાની માગ કરી હતી.
અદાણી મામલે અન્ય સમાચાર પણ વાંચો...
RBIની અદાણી સામે લાલ આંખ: બેંકોને પૂછ્યું - અદાણી ગ્રુપને કેટલી લોન આપી, અદાણી પોતે સામે આવ્યા
RBIએ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (AEL)ને આપવામાં આવેલી લોન અંગે તમામ બેંકો પાસેથી માહિતી માગી છે. જોકે ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, RBIના અધિકારીઓએ આ અંગે કંઈ જ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. FPO રદ કર્યા બાદ ગૌતમ અદાણીએ એક વીડિયો સંદેશ આપ્યો હતો, જેમાં રોકાણકારોનો આભાર માન્યો હતો. અદાણીએ કહ્યું હતું, ગયા અઠવાડિયે સ્ટોકમાં ઉતાર-ચઢાવ હોવા છતાં કંપનીનો બિઝનેસ અને તેના મેનેજમેન્ટમાં તમારો વિશ્વાસ અમને આશ્વાસન આપતો રહે છે. મારા માટે મારા રોકાણકારોનું હિત સર્વોપરિ છે, બાકીનું બધું એ પછી આવે છે, તેથી રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે અમે FPO રદ કર્યો છે. બોર્ડને લાગ્યું કે FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય નથી.
અદાણી ગ્રુપે કહ્યું- હિંડનબર્ગનો રિપોર્ટ ભારત પર હુમલા સમાન
ગૌતમ અદાણી જૂથે હિંડનબર્ગ રિપોર્ટને ભારત પર હુમલાનું કાવતરું ગણાવ્યું છે. ગ્રુપે 413 પાનાંનો જવાબ જાહેર કર્યો હતો. એમાં જણાવવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. ગ્રુપે એમ પણ કહ્યું હતું કે આ રિપોર્ટનો વાસ્તવિક હેતુ અમેરિકન કંપનીઓના આર્થિક લાભ માટે નવું બજાર ઊભું કરવાનો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.