ચીપની અછતના કારણે ઉત્પાદન અને પુરવઠા પર અસર થતાં ફેબ્રુઆરીમાં પેસેન્જર વાહનોના રિટેલ વેચાણો 8 ટકા ઘટ્યા છે. ગતવર્ષે ફેબ્રુઆરી, 2021માં 2,58337 યુનિટ સામે આ વર્ષે સમાનગાળામાં કુલ 238096 પેસેન્જર વાહનો વેચાયા છે. ફાડાના પ્રેસિડન્ટ વિંકેશ ગુલાટીએ જણાવ્યા મુજબ, પેસેન્જર વ્હિકલ સેગમેન્ટમાં નવા લોન્ચિંગ તેમજ સારા ઉત્પાદન થયા હોવા છતાં અપૂરતો પુરવઠો ગ્રાહકોની માગ સંતોષવામાં નિષ્ફળ રહ્યો છે.
વેઈટિંગ પિરિયડ અગાઉના મહિનાની જેમ વધુ રહેતાં ગ્રાહકોની સંખ્યા ઘટી છે. વધુમાં રશિયા-યુક્રેન યુદ્ધ સેમીકંડક્ટર્સના ઉત્પાદનો પર અસર કરશે. પરિણામે આગામી સમયમાં તેની અછતની સમસ્યા વધશે. રશિયા પેલેડિયમનુ સૌથી મોટો ઉત્પાદક છે. જે ચીપની બનાવટ માટે મુખ્ય રો મટિરિયલ છે. યુક્રેનમાં નિયોન ગેસનું સૌથી વધુ ઉત્પાદન અને નિકાસ થાય છે. જેનો ઉપયોગ સેમી કંડક્ટર્સના મેન્યુફેક્ચરિંગમાં થાય છે.
ટુ વ્હિલર્સનાં વેચાણો 11 ટકા ઘટ્યાં
કોરોના મહામારી બાદ ટુ વ્હિલર્સની ખરીદીને પ્રાધાન્ય આપતા ગ્રાહકોની સંખ્યા ઘટી છે. ફેબ્રુઆરીમાં ટુ વ્હિલર્સના વેચાણો 10.67 ટકા ઘટ્યા છે. ગતવર્ષે 1100754 સામે 983358 ટુ વ્હિલર્સ વેચાયા હતા. કોરોનાની બીજી અને ત્રીજી લહેરની સૌથી વધુ અસર ગ્રામ્ય વિસ્તારોમાં રહેતાં ગ્રામજનોના ખિસ્સા પર બોજો વધતાં ટુ વ્હિલર્સની માગ ઘટી છે. હજી પણ ઘણી કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ઘરેથી સંચાલિત થઈ રહી હોવાથી શહેરી વિસ્તારોમાં પણ માગ નબળી રહી છે. ક્રૂડ 110 ડોલરની સપાટી કુદાવી જતાં પેટ્રોલ-ડિઝલના ભાવો વધશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.