આંકડામાં મોંઘવારી ઘટી:રિટેલ ફુગાવો 5.72%, એક વર્ષના સૌથી નીચલા સ્તરે

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોંઘવારીના મોરચે સામાન્ય લોકોને રાહત મળી છે. કન્ફ્યૂમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો ડિસેમ્બર 2022માં છેલ્લા એક વર્ષના સૌથી નીચલા સ્તરે નોંધાયો છે. ગુરુવારે ઇન્ડિયન સ્ટેટિસ્ટીકલ ઑફિસ (એનએસઓ) દ્વારા જારી આંકડા અનુસાર ગત મહિને રિટેલ ફુગાવો 5.72 ટકા નોંધાયો હતો. જે નવેમ્બરમાં 5.88 ટકા હતો. અને ડિસેમ્બર 2021માં 5.66 ટકા હતો.

મોંઘવારીમાં ઘટાડાનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થોના ભાવમાં થયેલો ઘટાડો છે. ડિસેમ્બરમાં ખાદ્ય પદાર્થોનો ફુગાવો 4.19 ટકા હતો જે નવેમ્બરમાં 4.67 ટકા નોંધાયો હતો. રિટેલ ફુગાવો જાન્યુઆરી 2022થી રિઝર્વ બેન્ક દ્વારા નિર્ધારિત સ્તર 6 ટકાથી વધારે નોંધાયો હતો. એ પછી નવેમ્બરમાં તે ઘટીને 5.88 ટકા અને ડિસેમ્બરમાં 5.72 ટકા થઈ ગયો હતો.

ઔદ્યોગિક વિકાસની ગતિ 5 મહિનામાં સૌથી વધુ, IIP 7.1 % નોંધાયો
દેશનું ઔદ્યોગિક ઉત્પાદન નવેમ્બર 2022માં છેલ્લા 5 મહિનામાં સૌથી વધુ તેજ નોંધાયું છે. નવેમ્બરમાં આઇઆઇપી (ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન) 7.1 ટકાના દરે વધ્યો હતો. આ પહેલા ઓક્ટોબરમાં તેમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે એક વર્ષ પહેલા નવેમ્બર 2021માં તે 1 ટકા વધ્યો હતો. નેશનલ સ્ટેસ્ટેસ્ટીકલ ઑફિસ દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા માસિક આંકડામાં આ વિગતો સામે આવી હતી. જે મુજબ આઇઆઇપીમાં 77.66 ટકાનો હિસ્સો ધરાવતા મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન નવેમ્બર 2022માં 6.1 ટકાના દરે વધ્યું હતું. ઇન્ડેક્સમાં 14.37 ટકાનો હિસ્સો ધરાવતા માઇનિંગ સેક્ટરનું ઉત્પાદન 9.7 ટકા વધ્યું હતું. જ્યારે 7.99 ટકાનો હિસ્સો ધરાવતા વીજળી સેક્ટરનું ઉત્પાદન 12.7 ટકા વધ્યું હતું.

ખર્ચ વધવાથી ઘરેલુ બચત 30 વર્ષના તળિયે પહોંચી
રિટેલ ફુગાવામાં ભલે ઘટાડો થયો હોય પણ મોંઘવારીના કારણે ભારતીય પરિવારોની નાણાકીય બચત ઘટીને 30 વર્ષના તળિયે પહોંચી છે. ચાલુ નાણાવર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તે જીડીપીના 4 ટકા જેટલી થઈ ગઈ છે. 2021-22ના નાણાવર્ષમાં તે જીડીપીના 7.3 ટકાના સ્તરે હતી. જ્યારે કોરોના મહામારીમાંથી બહાર આવ્યા બાદ વર્ષ 2020-21માં તે 12 ટકાની ઊંચાઈએ આંબી ગઈ હતી. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ ફાયનાન્સિયલ સર્વિસીસના ઇકોસ્કોપ રિપોર્ટમાં આ વિગતો સામે આવી હતી. રિપોર્ટ અનુસાર બચતમાં ઘટાડો વપરાશમાં વધારાનો સંકેત આપે છે. છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં કોરોના બાદ અટકી ગયેલી ખપત વધી હતી. તથા આર્થિક ગતિવિધિઓમાં વધારો થયો હતો. પણ નાણાકીય બચતમાં ઘટાડો યથાવત રહેશે તો આગામી ક્વાર્ટરમાં સ્થિતિ બદલાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...