રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.5 ટકા યથાવત્ રાખ્યો છે, જ્યારે GDP ગ્રોથનું અનુમાન 9.5% રાખ્યું છે. ભારતીય રિઝર્વ બેન્ક(RBI)ની મોનિટરી પોલીસી કમિટી(MPC)ની દર બે મહિને થનારી ત્રણ દિવસીય સમીક્ષા બેઠક આજે પૂરી થઈ છે. રિઝર્વ બેન્કે નીતિગત દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે મોનિટરી પોલિસીએ નક્કી કર્યું હતું કે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે. RBIએ અગાઉ 4 એપ્રિલે પણ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈપણ ફેરફાર કર્યો ન હતો.
આ છે હાલના દર
ટૂરિઝ્મ અને હોસ્પિટાલિટી સેક્ટરને રાહત પેકેજ
કોરોનાને કારણે બરબાદ થઈ ચૂકેલા ટૂરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સેક્ટરને સરકારે કોઈ જ રાહત આપી નથી, જોકે આ સેક્ટરને હવે રિઝર્વ બેન્કના માધ્યમથી રાહત અપાઈ રહી છે. રિઝર્વ બેન્કના ગવર્નરે શુક્રવારે નાણાકીય નીતિની સમીક્ષાની જાહેરાત કરતાં કહ્યું હતું કે બેન્કોના માધ્યમથી આ સેક્ટરને રાહત આપવામાં આવશે. 15 હજાર કરોડ રૂપિયાની કેશની વ્યવસ્થા બેન્કોને અપાશે. એનાથી બેન્ક હોટલ, ટૂર ઓપરેટર, રેસ્ટોરાં, પ્રાઈવેટ બસ ઓપરેટર વગેરેને સસ્તી લોન આપી શકશે.
આ વર્ષે 9.5 ટકા રહેશે GDP ગ્રોથ
રિઝર્વ બેન્કે અનુમાન લગાવ્યું છે કે નાણાકીય વર્ષ 2021-22માં GDP ગ્રોથ 9.5 ટકા રહી શકે છે. આ આંકડો સારો છે, જોકે રિઝર્વ બેન્કના પહેલાંના 10.5 ટકાના અનુમાનથી ઓછો છે. રિઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું હતું કે મોન્સૂન સામાન્ય રહેવાનું અનુમાન છે અને એને કારણે ગ્રામીણ માગ મજબૂત રહેશે, જેને કારણે GDPમાં સારો વધારો જોવા મળવાનું અનુમાન છે.
17 જૂને જી-સિક્યોરિટીઝને ખરીદશે RBI
શક્તિકાંત દાસે કહ્યું હતું કે અર્થવ્યવસ્થાને સપોર્ટ આપવા માટે આરબીઆઈ 17 જૂને 40 હજાર કરોડ રૂપિયાની જી-સિક્યોરિટીઝ(ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ) ખરીદશે. બીજા ત્રિમાસિકમાં 1.20 લાખ કરોડ રૂપિયાની જી-સિક્યોરિટીઝ ખરીદવામાં આવશે. આરબીઆઈ ગવર્નરે વધુમાં કહ્યું હતું કે ભારતનો વિદેશી પૂંજી ભંડાર 600 બિલિયન ડોલરની પાર જઈ શકે છે. MPCએ 31 માર્ચ 2026 સુધી વાર્ષિક મોંઘવારી દરને 4 ટકા પર જાળવી રાખવાનું લક્ષ્ય આપ્યું છે.
એપ્રિલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો ન હતો
મોનિટરી પોલીસી કમિટી પેનલે એપ્રિલ 2021માં થયેલી તેની અગાઉની બેઠકમાં પણ દરોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. આ વખતે પણ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સતત છઠ્ઠી વખત આરબીઆઈએ મહત્વના દરોને યથાવત રાખ્યા છે. 2020માં આરબીઆઈએ 115 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.
MPCમાં 6 સભ્યો હોય છે
MPCમાં 6 સભ્ય હોય છે. 3 સરકારના પ્રતિનિધિ હોય છે. 3 સભ્ય RBIનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં ગવર્નર શક્તિકાંત દાસ પણ સામેલ છે.
શું હોય છે રેપો રેટ અને રિવર્સ રેટ?
રેપો રેટ દર એ છે જેની પર આરબીઆઈ દ્વારા બેન્કોને લોન આપવામાં આવે છે. બેન્કો આ જ લોનથી ગ્રાહકોને લોન આપે છે. રેપો રેટ ઓછા થવાનો એર્થ એ થાય છે કે બેન્કમાંથી મળનારી ઘણા પ્રકારની લોન સસ્તી થઈ જશે. જ્યારે રિવર્સ રેપો રેટ, રેપો રેટથી વિપરીત હોય છે. રિવર્સ રેટ એ દર છે, જેની પર બેન્કોની જમા રકમ પર આરબીઆઈ તરફથી વ્યાજ આપવામાં આવે છે. રિવર્સ રેપો રેટ દ્વારા બજારોમાં લિક્વિડિટી એટલે કે કેશને નિયંત્રિત કરવામાં આવે છે. એટલે કે રેપો રેટ સ્થિર થવાનો અર્થ એ છે કે બેન્કો તરફથી મળનારી લોનનો દર પણ સ્થિર રહેશે.
હોમ લોન લેનારાઓ માટે પોઝિટિવ પગલુ
પ્રોપર્ટી કન્સલ્ટન્ટ ફર્મ એનરોકના ચેરમેન અનુજ પુરીનું કહેવું છે કે વ્યાજ દરોમાં ફેરફાર ન કરવો તે હોમ લોન લેનારાઓ માટે પોઝિટિવ પગલુ છે. તે ખાસ કરીને તે બાયર્સ માટે ફાયદાકારક છે જેમણે એક્સટર્નલ બેન્ચમાર્ક રેપો રેટના આધારે લોન લીધી છે. હાલ રિટેલ લોનનો દર 2 દશકાના નીચલા સ્તરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.