રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તેની આગામી નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરે તેવી સંભાવના અમેરિકન બ્રોકેરજ ફર્મે વ્યક્ત કરી છે. 4 અને 5 ઓગસ્ટના રોજ યોજાનારી MPCની બેઠક દરમિયાન રેપો રેટમાં વધારા સાથે નીતિ પ્રત્યેના વલણમાં પણ બદલાવ કરવામાં આવશે.
છેલ્લા અનેક મહિનાથી RBI દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક કરતાં ઉચ્ચ સ્તરે મોંઘવારી દર જોવા મળ્યા બાદ તેને અંકુશમાં લાવવાના પગલાંના ભાગરૂપે RBIએ બે તબક્કામાં રેપો રેટમાં કુલ 0.90 ટકા સુધીનો વધારો કર્યો હતો. એપ્રિલ મહિનાથી નીતિગત પગલાં પ્રમાણે RBIએ ડિપોઝિટ ફેસિલિટી રજૂ કરી હતી, એ સમયે બ્રોકરેજ ફર્મે RBIએ રેપો રેટમાં 1.30 ટકાના વધારા અંગે કહ્યું હતું.
RBIની MPC બેઠક દરમિયાન રેપો રેટમાં 0.35 ટકાના વધારા સાથે તે 5.25 ટકા થાય તેવી સંભાવના છે. બીજી તરફ MPC FY’23 માટે CPI અને GDPના દરનું અનુમાન અનુક્રમે 6.7% અને 7.2%ના સ્તરે જાળવી રાખે તેવો અંદાજ બ્રોકેરજ ફર્મે વ્યક્ત કર્યો હતો. ગત સપ્તાહે RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, હેડલાઇન ફુગાવો જે એપ્રિલમાં 7.04% હતો એ હવે ફરીથી વધી રહ્યો છે. MPC અન્ય વિકસિત માર્કેટ અને સેન્ટ્રલ બેંકની માફક આગામી બેઠકમાં રેપો રેટમાં 0.50% સુધીનો વધારો કરે તેવી સંભાવના છે. જે રીતે જૂન મહિનામાં વધારો કરવામાં આવ્યો હતો.
બીજી તરફ, MPC બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકા સુધીના વધારાની શક્યતા પણ નકારી શકાય નહીં. બેઠકમાં એ વાત પર વિચારણા થઇ શકે કે ફૂગાવો વધ્યો છે અને તેઓના અંદાજમાં ઘટાડો થઇ શકે છે અને વધુ અસરને ધ્યાનમાં રાખતા માત્ર 0.25 ટકા વધારો કરવાનું વિચારી શકે છે. કોમોડિટીની કિંમતોમાં ઘટાડો થતા અને દેશભરના તમામ રાજ્યોમાં ચોમાસું સારુ રહ્યું હોવાથી આગામી સમયમાં ફુગાવો કાબુમાં આવશે તેવા સંકેતો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.