રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષની છેલ્લી નાણાનીતિની સમીક્ષામાં ફરી એકવાર રેપો રેટમાં 0.25% વધારો કર્યો છે. તેથી આ આંકડો વધીને 6.50% થઇ ગયો છે. જોકે, તે પાછલા પાંચ વખતના વધારાની તુલનામાં ઓછો છે. રિઝર્વ બેન્કે મોંઘવારી કાબૂમાં રાખવા મે 2022થી અત્યાર સુધી કુલ છ વાર કુલ 2.50% રેપો રેટ વધાર્યો છે.
તેનો અર્થ એ છે કે, હોમ-ઓટો લોન મોંઘી થશે અને હાલના હપ્તાની રકમ પણ વધશે. જો તમે 15 વર્ષ માટે 7%ના દરે રૂ. 30 લાખની લોન લીધી હશે, તો દસ મહિનામાં તમારી હપ્તાની રકમ રૂ. 4,362 વધી ચૂકી છે.
આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે, ‘મોંઘવારીની તુલનામાં રેપો રેટ હજુ પણ કોવિડ પહેલાના સ્તરથી ઓછો છે. મોંઘવારી અમારી મુખ્ય ચિંતા છે. જોકે, ખરાબ સમય પાછળ છુટતો નજરે પડી રહ્યો છે.’ રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2023-24માં મોંઘવારી દર ઘટીને 5.3% સુધી પહોંચવાનું અનુમાન કર્યું છે.
સામાન્ય માણસ પર બોજ વધ્યો, પરંતુ પ્રિપેમેન્ટ કરવાની ઉતાવળ ના કરો
મોંઘવારી અને 250 અંકના વધારાથી લોકો માટે આવનારો સમય કઠિન થઇ શકે છે. મે 2022થી ફેબ્રુઆરી 2023 વચ્ચે 15 વર્ષના લોન પર પ્રતિ લાખે રૂ. 145 ઇએમઆઇ વધી ગઇ છે. એટલે કે લોકો હાલની લોન પર વધુ ખર્ચ કરવા મજબૂર છે. આ સ્થિતિમાં લોનધારકોએ પ્રિપેમેન્ટ કરવાની ઉતાવળ નહીં કરવી જોઇએ. તેના બદલે બેન્ક સાથે વાત કરો અને અન્ય વિકલ્પો ચકાસો. નવી લોન લેવી પણ મોંઘી જ હશે, એટલે લોનધારકો પણ ઓછા જ હશે. એટલે અનેક લોકો તેમની આકાંક્ષાઓ પૂરી કરવા નાની લોન સાથે પણ બાંધછોડ કરશે.
રિટેલ મોંઘવારી દર એપ્રિલ 2022માં 7.79% હતો. તે ડિસેમ્બરમાં ઘટીને 5.72% થયો. તે વર્ષના ચોથા ત્રિમાસિકમાં ઘટીને 5.6% રહેવાની આશા છે. જોકે, આગામી વર્ષે રેપો રેટમાં રાહત મળી શકે છે.
સરેરાશ એફડી વ્યાજ દરમાં 200 બેઝિસ પોઇન્ટ વધ્યા છે. તે જુદી જુદી બેન્ક અને સમયગાળા પર નિર્ભર છે. હાલના વધારાથી ફરી એકવાર એફડીનું વ્યાજ વધવાની આશા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.