તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Reliance Targeting To Reach 40 Crore Jio Subscribers To Grow Retail Business, Competing With Amazon

ભાસ્કર એક્સપ્લેઇનર:જિયો મારફત 40 કરોડ યુઝર્સ સુધી પહોંચેલી રિલાયન્સનો હવેનો ટાર્ગેટ છે રિટેલ બિઝનેસ, આમાં તેની સીધી ટક્કર અમેઝોન સાથે

અમદાવાદ5 દિવસ પહેલાલેખક: વિમુક્ત દવે
  • દરેક ભારતીય રિલાયન્સની વિવિધ પ્રોડક્ટ્સ પાછળ રોજ રૂ. 35 ખર્ચે એવી સ્ટ્રેટેજી બનાવાઈ રહી છે
  • બિગ બાઝારના 600થી વધુ સ્ટોર્સ હવે રિલાયન્સ રિટેલના ડિલિવરી સેન્ટર તરીકે કામ કરશે

રિલાયન્સ ગ્રુપ હાલમાં તેના રિટેલ બિઝનેસને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ રિલાયન્સે દેવા તળે દબાયેલા કિશોર બિયાનીના ફ્યુચર્સ ગ્રુપ (બિગ બાઝાર)ને હસ્તગત કર્યું છે અને હવે તે પોતાના રિટેલ બિઝનેસને ભારતમાં મજબૂત કરવાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ફલક પર વિસ્તારવાની યોજના બનાવી રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ટ્રેક કરનારા બજારના નિષ્ણાતોના મતે રિલાયન્સ તેના રિટેલ બિઝનેસને ઓફ્ફલાઈન સ્થાપિત કર્યા બાદ હવે તેની નજર ઇ-કોમર્સ કારોબારને આગળ વધારવા પર છે અને સાથે જ વૈશ્વિક ફલક પર રિટેલ બિઝનેસને ફેલાવવાનો ટાર્ગેટ પણ છે. આના માટે તેની સીધી ટક્કર અમેઝોન સાથે થશે.

માર્કેટ એનાલિસ્ટ જિજ્ઞેશ માધવાણીએ દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે રિલાયન્સ રિટેલને જિયોના જોરે તેણે એકસાથે 40 કરોડથી વધુ ગ્રાહકો સુધી પહોંચવાનો ટાર્ગેટ રાખ્યો છે. કંપની ઈચ્છે છે કે જિયો મારફત તેને ઇ-કોમર્સ બિઝનેસમાં પણ ફાયદો થાય.

15 વર્ષ પહેલાં રિટેલ સેક્ટરમાં એન્ટ્રી, 10 વર્ષમાં રેવન્યુ વધી
રિલાયન્સ ગ્રુપે 15 વર્ષ પહેલાં રિટેલ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો અને રિલાયન્સ રિટેલની રેવન્યુમાં છેલ્લાં 10 વર્ષમાં 3,472%નો વધારો થયો છે. 2009-10માં કંપનીની રેવન્યુ રૂ. 4,565 કરોડ હતી, જે 2019-20માં રૂ. 1.62 લાખ કરોડ થઈ ગઈ છે. પાછલાં બે વર્ષથી રેવન્યુ રૂ. 1 લાખ કરોડથી ઉપર રહે છે, જે નાણાકીય વર્ષ 2020-21માં સંભવતઃ રૂ. 2 લાખ કરોડથી વધી જવાની ધારણા છે.

2007માં રિલાયન્સે વિરોધનો સામનો કરવો પડ્યો હતો
ભારતમાં રિટેલ બિઝનેસમાં બે પડકારો હોય છે, હાઈ રેન્ટલ અને લો પ્રોફિટ માર્જિન. રિલાયન્સ જયારે રિટેલ બિઝનેસમાં આવી ત્યારે તેના માટે આ બે પડકારો મહત્ત્વના ન હતા. તેની સામે ત્રીજા પ્રકારનો પડકાર હતો. 2007માં દેશભરના નાના દુકાનદારો અને ખેડૂતોએ રિટેલ ચેઈનના બિઝનેસનો વિરોધ કર્યો હતો. રિલાયન્સ રિટેલને પણ તેનું નુકસાન ભોગવવું પડ્યું. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશમાં તેના બિઝનેસને અસર થઈ. 2008માં મંદી આવી ગઈ અને એની પણ દેશનાં અલગ અલગ સેક્ટર્સના બિઝનેસ પર વિપરીત અસર થઈ હતી. ત્યાર બાદ 2011 સુધી રિલાયન્સ રિટેલની ટોપ લેવલ લીડરશિપમાં ફેરફાર થતા રહ્યા. 2011 પછી રિલાયન્સનો રિટેલ બિઝનેસ મજબૂત થતો ગયો અને તેની રેવન્યુમાં સતત વધારો થવા લાગ્યો. રિલાયન્સના રિટેલ બિઝનેસમાં હવે ટેકનોલોજી અને નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુ ફાયદો થઈ શકે છે.

રિલાયન્સ રિટેલની કોની સાથે ટક્કર?
ઓનલાઈન બિઝનેસમાં રિલાયન્સ રિટેલની સીધી સ્પર્ધા અમેઝોન, ફ્લિપકાર્ટ, ડી-માર્ટ, ગ્રોફર્સ જેવા ઈ-કોમર્સ પ્લેયર્સ સાથે છે. નિષ્ણાતો કહે છે, રેવન્યુની રીતે હાલમાં ભારતમાં રિલાયન્સ રિટેલની આસપાસ પણ કોઈ કંપની નથી. ભારતમાં અમેઝોન અને ફ્લિપકાર્ટ સૌથી મોટી ઇ-કોમર્સ બ્રાંડ છે, પણ તેમની રેવન્યુ રિલાયન્સની રેવન્યુ કરતાં ઘણી જ નીચી છે. આ ઉપરાંત ડી-માર્ટ અને ટાટાના રિટેલ વેન્ચર્સ પણ તેના કરતાં ઘણા પાછળ છે.

રિલાયન્સે જિયોના રસ્તે કસ્ટમર બેઝ તૈયાર કર્યો
માર્કેટ એનાલિસ્ટ માધવાણી જણાવે છે કે સામાન્ય રીતે કોઈપણ કંપની પહેલા પ્રોડક્ટ લોંચ કરે છે અને પછીમાં ગ્રાહકો સુધી પહોંચે છે, જોકે રિલાયન્સે એનાથી તદ્દન વિપરીત ટ્રેન્ડને ફોલો કર્યો છે. રિલાયન્સે રિટેલ બિઝનેસમાં ડેવલપમેન્ટ અગાઉ જિયોના માર્ગે કસ્ટમર બેઝ તૈયાર કરી લીધો છે. વર્તમાન સમયમાં જિયો આશરે 40 કરોડ ગ્રાહક ધરાવે છે, જે દેશના નાનાં ગામડાંથી લઈ મોટાં શહેરોમાં રહેલા છે.

ફ્યુચર્સ ગ્રુપના ટેકઓવરથી રિટેલ સ્ટોર સ્પેસ બમણી થઈ ગઈ

  • રિલાયન્સ રિટેલ માટે ઇ-કોમર્સ સેગમેન્ટમાં સૌથી મોટી કોમ્પિટિટર અમેઝોન છે. અમેઝોન ઈન્ડિયા પાસે 13 શહેરમાં 2.6 કરોડ સ્ક્વેરફૂટ સ્પેસ છે, જેનો ઉપયોગ ડિલિવરી સેન્ટર તરીકે કરવામાં આવે છે.
  • રિલાયન્સ પાસે 2.87 કરોડ સ્ક્વેરફૂટ સ્ટોર સ્પેસ છે. આ પૈકી કેટલોક ભાગ B2B માટે ઉપયોગમાં લેવાય છે.
  • ફ્યુચર ગ્રુપની સૌથી મોટી બ્રાન્ડ બિગ બાઝારની ઉપસ્થિતિ 200થી વધારે શહેરમાં છે. એના ટેકઓવરથી રિલાયન્સ રિટેલની સ્પેસ વધી 5.25 કરોડ સ્ક્વેરફૂટ થઈ જશે.
  • રિલાયન્સ એનો ઉપયોગ ડિલિવરી સેન્ટર તરીકે કરી શકે છે.
  • આટલા બધા સ્ટોરને લીધે ઇ-કોમર્સ બિઝનેસમાં તેની ડિલિવરી ખૂબ ઝડપી બની જશે. રિલાયન્સ 12 કલાક અથવા ઓછા સમયમાં ડિલિવરી કરવાની સ્ટ્રેટેજી બનાવી રહી છે.

રિલાયન્સની અત્યારસુધીની સફર
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અંતર્ગત રિલાયન્સ રિટેલ વેન્ચરની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ 2006માં રિલાયન્સ રિટેલ લિમિટેડની શરૂઆત થઈ. કંપનીની વેબસાઈટ પ્રમાણે સપ્ટેમ્બર 2019 સુધીમાં દેશમાં 2.45 કરોડ સ્ક્વેરફૂટ સ્પેસમાં 10,901થી વધારે સ્ટોર્સ ચાલી રહ્યા છે.

1. રિલાયન્સ ફ્રેશ/સ્માર્ટ- ભારતમાં ફ્રેશ અને સ્માર્ટના 620થી વધારે સ્ટોર્સ છે. એમાં શાકભાજી, અનાજ, ફળ, ડેરી પ્રોડક્ટ્સ, બેકરી આઈટમ્સ, હોમ તથા પર્સનલ કેર વગેરે સામાન વેચવામાં આવે છે.
2. જિયોમાર્ટ- તે રિટેલનું ઓનલાઈન પ્લેટફોર્મ છે. એમાં ઘરોમાં દરરોજ ઉપયોગમાં લેવાતી સામગ્રી તથા ગ્રોસરીનું વેચાણ કરવામાં આવે છે.
3. રિલાયન્સ માર્કેટ- તે હોલસેલ કેશ એન્ડ કેરી સ્ટોરના બિઝનેસનું મોડલ છે. દેશમાં તેના 50થી વધારે સ્ટોર્સ છે. આશરે 40 લાખથી વધારે કિરાના સ્ટોર્સ તેના મેમ્બર-પાર્ટનર છે.
4. રિલાયન્સ ડિજિટલ- તે કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સ્ટોર ચેઈન છે.
5. જિયો સ્ટોર- તે ડિજિટલનો એક ભાગ છે. જિયો ખાસ કરીને મોબિલિટી અને કમ્યુનિકેશન પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે.
6. રિલાયન્સ ટ્રેડ્સ- તે એક લાઈફસ્ટાઈલ રિટેલ સ્ટોર છે. ટ્રેન્ડ્સના 777 સ્ટોર્સ છે.
7. પ્રોજેક્ટ ઈવ- ફેશન બ્રાન્ડ સ્ટોર 25થી 40ની એજ ગ્રુપમાં આવતા અને ખાસ કરીને વર્કિંગ વુમનને ધ્યાનમાં રાખી તૈયાર કરાઈ છે. આ બ્રાન્ડનું ફોકસ મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ જેવાં મેટ્રો તથા કોસ્મોપોલિટન શહેરો પર છે.
8. ટ્રેડ્સ ફૂટવેર- તે એક્સક્લુઝિવ ફેશન ફૂટવેર બ્રાન્ડ સ્ટોર છે.
9. રિલાયન્સ મોલ- રિલાયન્સ રિટેલની તમામ બ્રાન્ડ સાથે અન્ય બ્રાન્ડની ચીજવસ્તુઓ પણ એક જ જગ્યાએ મળી શકે છે, આ માટે રિલાયન્સ મોલ શરૂ કરવામાં આવ્યા છે.
10. રિલાયન્સ જ્વેલ્સ- રિલાયન્સ રિટેલ હેઠળ આ જ્વેલરી બ્રાન્ડ આવે છે. દેશનાં 105 શહેરોમાં તેની ઉપસ્થિતિ છે.
11. અજિયો- તે ફેશન અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ છે. અજિયો ડોટ કોમ (Ajio.com) રિલાયન્સનું સૌથી પહેલું ઇ-કોમર્સ વેન્ચર છે, જે વર્ષ 2016માં શરૂ કરવામાં આવ્યું હતું.

વિદેશી બ્રાન્ડ સાથે કનેક્શન
રિલાયન્સ રિટેલ આશરે 45 વિદેશી બ્રાન્ડ્સ સાથે જોડાયેલું છે. એ તમામ હાઈ પ્રીમિયમ અને લક્ઝરી બ્રાન્ડ છે. આ ફોરેન બ્રાન્ડ્સનું રિલાયન્સ રિટેલના 682 સ્ટોર્સમાં વેચાણ કરવામાં આવે છે. કંપની ઈચ્છે છે કે ઈન્ટરનેશનલ બ્રાન્ડ પોર્ટફોલિયોમાં હવે વધુ ને વધુ ગ્લોબલ બ્રાન્ડ્સની એન્ટ્રી થાય.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો