રિલાયન્સના સાહસમાં ઉમેરો:રિલાયન્સ રિટેલ વેન્ચર્સે જસ્ટ ડાયલમાં રૂપિયા 3,497 કરોડમાં 66.95% હિસ્સો હસ્તગત કર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જસ્ટ ડાયલના સંસ્થાપક અને ચીફ એક્ઝિક્યુટીવ વીએસએસ મણિ કંપનીમાં કામગીરીની ભૂમિકા યથાવત રાખશે

અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ જસ્ટ ડાયલમાં રૂપિયા 3,497 કરોડમાં 66.95 ટકા બહુમતી હિસ્સો હસ્તગત કરવાની જાહેરાત કરી છે. આ સાથે જસ્ટ ડાયલમાં કંપનીએ 41 હિસ્સો મેળવી લીધો છે અને વધારાનો 26 ટકા હિસ્સા માટે ઓપન ઓફર કરશે, તેમ કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું.

જસ્ટ ડાયલના સંસ્થાપક અને ચીફ એક્ઝિક્યુટીવ વીએસએસ મણિ કંપનીમાં પોતાની કામગીરીની ભૂમિકાને આગળ વધારશે. મણિ પરિવારની કંપનીમાં 35 ટકા એટલે કે રૂપિયા 2,787.90 કરોડની હિસ્સેદારી છે. જસ્ટ ડાયલની 25 વર્ષ અગાઉ શરૂઆત થઈ હતી. જસ્ટ ડાયલનું શેરબજારમાં વર્ષ 2013માં લિસ્ટીંગ થયું હતું.

આ સાથે શેરદીઠ રૂપિયા 1,022.25ના દરથી પ્રેફરેન્સિયલ એલોટમેન્ટ પણ કરવામાં આવશે. જેના મારફતે જસ્ટ ડાયલને રૂપિયા 2,164.88 કરોડ મળશે, જે કંપનીમાં રોકાણ કરવામાં આવશે. તે 25.33 ટકા જેટલી હિસ્સેદારીની સમકક્ષ હશે. RRVLના ડિરેક્ટર ઈશા અંબાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રિલાયન્સ જસ્ટડાયલ અને પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિક વીએસએસ મણી સાથે ભાગીદારી કરતા ખુશી અનુભવે છે.

જસ્ટ ડાયલમાં રોકાણ અમારા મોટી સંખ્યામાં રહેલા વ્યાપારી સમુદાય, સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગસાહસિકો માટે ડિજીટલ ઈકોસિસ્ટમને વધુ વેગ આપીને નવા કારોબારને વેગ આપવાની અમારી કટિબદ્ધતાને દર્શાવે છે. અમે ઉચ્ચ અનુભવ ધરાવતી જસ્ટ ડાયલની મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરવા માટે તેમ જ કારોબારને આગળ લઈ જવા માટે વ્યાપક સંભાવના જોઈ રહ્યા છીએ.