ફૂટબોલ ક્લબ ખરીદવાની રેસમાં મુકેશ અંબાણી:લિવરપુલ FCને 38 હજાર કરોડમાં ખરીદી શકે છે રિલાયન્સ, 2010માં પણ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ટૂંક સમયમાં ઈંગ્લિશ પ્રીમિયર લીગની દિગ્ગજ ફૂટબોલ ટીમને ખરીદી શકે છે. એક મીડિયા રીપોર્ટ અનુસાર, મુકેશ અંબાણી લિવરપુલ ફૂટબોલ ક્લબને ખરીદવાની રેસમાં સામેલ છે.

38 હજાર કરોડ રૂપિયામાં વેચાશે લિવરપૂલ FC
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, લિવરપુલ FCની માલિકી ધરાવતા ફેનવે સ્પોર્ટ્સ ગ્રુપ (FSG)એ ક્લબને વેચવાની તૈયારી શરુ કરી છે. FSGએ લિવરપુલ FCને વેચવા માટે 4 બિલિયન પાઉન્ડ એટલે 38 હજાર કરોડ રૂપિયાની કિંમત નક્કી કરી છે. એટલે કે ફૂટબોલ ક્લબ ખરીદવા માટે અંબાણીએ આટલી રકમ ચૂકવવી પડશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મુકેશ અંબાણીએ લિવરપુલ ક્લબ ખરીદવામાં રસ દાખવ્યો છે.

અંબાણીને સ્પોર્ટ્સમાં ઘણો રસ
અંબાણીની નેટવર્થ 7.6 લાખ કરોડ રૂપિયા છે અને તેમને સ્પોર્ટ્સમાં ઘણો રસ પણ છે. જેને જોતાં તે સરળતાથી ફૂટબોલ ક્લબ ખરીદવા માટે આ રકમ ચૂકવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઇંગ્લેન્ડની લોકપ્રિય ફૂટબોલ ટીમ લિવરપુલને હસ્તગત કરવા માટે અંબાણીએ મિડલ ઈસ્ટ અને USના અન્ય રોકાણકારો સામે રેસ જીતવી પડશે.

2010માં પણ લિવરપુલ ખરીદવા ઈચ્છતા હતા
અંબાણીએ અગાઉ 2010માં સહારા ઈન્ડિયાના ચેરમેન સુબ્રતા રોય સાથે મળીને લિવરપુલને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યારે આ શક્ય બન્યું ન હતું. ફેનવે સ્પોર્ટ્સ ગ્રુપ પછી લિવરપુલના હસ્તગત થઈ હતી. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, હવે ફૂટબોલ ટીમ વેચવા માટે મદદ કરવા ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપની ગોલ્ડમેન શેસ અને ફાઈનાન્શિયલ સર્વિસિસ કંપની મોર્ગન સ્ટેનલીને જવાબદારી સોંપી છે.

ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે ઈંગ્લિશ પ્રીમિયર લીગ
રિપોર્ટ અનુસાર, રિલાયન્સના ચેરમેન કોન્ટિનેન્ટના સૌથી સફળ ક્લબમાંની એક લિવરપુલને વધુ મજબૂત કરવા માટે ટીમમાં લાખો ડોલરનું રોકાણ કરવા તૈયાર છે. ભારતમાં ફૂટબોલ હંમેશા લોકપ્રિય રહ્યું છે, છતાંય ક્રિકેટ સાથે સતત સામનો કરવો પડ્યો છે.

તેમજ ઇંગ્લિશ પ્રીમિયર લીગ પણ ભારતીય ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. લિવરપુલ એવી ટીમમાંથી એક છે જેને સૌથી વધુ સપોર્ટ મળે છે. તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે રમતી ટીમમાંથી એક 'મુંબઈ ઈન્ડિયન્સ' ની ખરીદી પછી 2008માં અંબાણીને 'વર્લ્ડ રિચેસ્ટ સ્પોર્ટ્સ ટીમ ઓનર'નું બિરુદ આપવામાં આવ્યું હતું.

રિલાયન્સ પાસે ત્રણ T-20 ટીમની માલિકી
રિલાયન્સ કંપની પહેલાથી જ 3 દેશોમાં ત્રણ T-20 ટીમોની માલિકી ધરાવે છે. જેમાં BCCIની IPL, અમીરાત ક્રિકેટ બોર્ડની UAE T-20 લીગ અને ક્રિકેટ સાઉથ આફ્રિકાની T-20 લીગની ટીમનો સમાવેશ થાય છે. અંબાણી ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ના કમર્શિયલ પાર્ટનર હોવા ઉપરાંત ઈન્ડિયન સુપર લીગ ફૂટબોલ ઈવેન્ટનું પણ આયોજન કરે છે.