પાઈલટ પ્રોજેક્ટ:RBIએ ડિજિટલ કરન્સી પર કામ શરૂ કર્યું, એપ્રિલ-જૂનમાં લૉન્ચ થઈ શકે

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SBIની બેન્કિંગ અને ઈકોનોમિક કોન્કલેવમાં આપેલી માહિતી

ભારતીય રિઝર્વ બેન્ક આગામી નાણાકીય વર્ષ 2022-23ના પહેલા ત્રિમાસિકમાં પાઈલટ પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ કરન્સી લૉન્ચ કરી શકે છે. આરબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બેન્કિંગ અને ઈકોનોમિક કોન્કલેવમાં આ માહિતી આપી હતી.

આરબીઆઈના પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ ફંક્શનના ચીફ જનરલ મેનેજરે કહ્યું હતું કે, ‘આરબીઆઈ ડિજિટલ કરન્સી પર કામ કરી રહી છે. એ કહેવું સરળ નથી કે, સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) લોકોની આદત બનશે કે નહીં. તે કેવી રીતે લાગુ કરાય, તેના પર બધું નિર્ભર છે.

આ કરન્સી લૉન્ચ કરવાની અમને કોઈ ઉતાવળ નથી. સીબીડીસી માટે જથ્થાબંધ, રિટેલ, વેલિડેશન મિકેનિઝમમાંથી કયા સેગમેન્ટને લક્ષ્ય બનાવવું જોઈએ, તે તમામ પાસાં અમે તપાસી રહ્યા છીએ. આ ઉપરાંત અમે ડિજિટલ કરન્સીને લઈને આરબીઆઈ એ પણ તપાસી રહી છે કે, શું તમામ વચેટિયાને એકસાથે બાયપાસ કરવા શક્ય છે કે નહીં. આ ઉપરાંત અમે આ ટેક્નોલોજી સેન્ટ્રલાઈઝ રાખવી કે સેમી-ડિસેન્ટ્રલાઈઝ રાખ‌વી તે દિશામાં પણ વિચારી રહ્યા છીએ.’

હાલમાં જ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, ક્રિપ્ટોકરન્સી પર આરબીઆઈનો કોઈ કાબુ નથી. અમારૂં કામ નાણાકીય માળખું સ્થિર રાખવાનું છે. ક્રિપ્ટોકરન્સી આ સિસ્ટમ માટે જોખમી સાબિત થઈ શકે છે.

બેન્ક મહિલાઓના સ્વ-સહાય જૂથો અને ફિનટેક સેક્ટરને પ્રોત્સાહિત કરે

  • બેન્કની દરેક બ્રાન્ચ પાસે ઓછામાં ઓછા 100 ગ્રાહક એવા હોવા જોઈએ જે ડિજિટલી, ઓનલાઈન ટ્રાન્જેક્શન કરતા હોય. આ લોકો ટોચના ગ્રાહકોમાં સામેલ હોવા જોઇએ.
  • દાતા અને યાચકવાળો ભાવ છોડી બેન્કોએ પાર્ટનરશિપનું મોડલ અપનાવવું પડશે.
  • કોરોનાના દોરમાં દુનિયા ડગમગી ત્યારે ભારતનો ગરીબ જનધન ખાતાંને કારણે ટકી રહ્યો.
  • ભારતની બેન્કો તેમની બેલેન્સશીટ અને દેશની બેલેન્સશીટ વધારવા માટે કામ કરે.

લોકશાહી દેશો નક્કી કરે કે ક્રિપ્ટો કરન્સી ખોટા હાથમાં ન જાય: મોદી
વડાપ્રધાન મોદીએ ગુરુવારે તમામ લોકશાહી દેશોને એ સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો કે ક્રિપ્ટો કરન્સી ખોટા હાથોમાં ન જાય નહીંતર યુવાઓનું ભવિષ્ય બરબાદ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા તરફથી આયોજિત સિડની સંવાદમાં વર્ચ્યુઅલ સંબોધનમાં મોદીએ કહ્યું કે ભારતમાં અમે ડેટા સુરક્ષા, પ્રાઈવસી અને સુરક્ષા માટે મજબૂત માળખું તૈયાર કર્યું છે. અમે તેનો ઉપયોગ લોકોના સશક્તીકરણના સ્ત્રોત તરીકે કરી રહ્યા છીએ.

બીજી તરફ દિલ્હીમાં ગુરુવારે વડાપ્રધાને બેન્કિંગ અધિકારીઓની બે દિવસની કોન્ફરન્સ ‘ક્રિએટિંગ સિનર્જીસ ફોર સીમલેસ ક્રેડિટ ફ્લો એન્ડ ઈકોનોમિક ગ્રોથ’ને સંબોધી હતી. તેમણે કહ્યું કે તે હંમેશા ઈમાનદાર બેન્કકર્મીઓની પડખે ઊભા છે. સામાન્ય રીતે બેન્કકર્મીઓ વચ્ચે ત્રણ સી(સીબીઆઈ, સીવીસી અને સીએજી)નો ડર રહે છે પણ રાષ્ટ્રહિતમાં ઈમાનદારીથી લીધેલા નિર્ણયોમાં તેઓ બેન્કકર્મીઓની પડખે છે. મોદીએ કહ્યું કે લોકો કામ કરે છે તો ભૂલો થાય જ.

તેમણે આર્થિક ગુનો કરી વિદેશ નાસી છૂટેલા હાઈપ્રોફાઈલ લોકોને પણ ચેતવણી આપી હતી કે તેઓ દેશ પાછા આવી જાય. સરકાર તેમને પકડી લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે પૈસા પાછા લાવવા માટે અમે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ. નીતિઓ, કાયદા અને ડિપ્લોમેટિક ચેનલનો ઉપયોગ થઇ રહ્યો છે. એક જ રસ્તો છે, દેશ પાછા આવી જાઓ.

અન્ય સમાચારો પણ છે...