દેશમાં મોંઘવારી વધવાની સાથે સાથે હવે ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો છે. એને કારણે રેપો રેટ 4.90%થી વધીને 5.40% થઈ ગયો છે, એટલે કે હવે હોમલોનથી લઈને ઓટો અને પર્સનલ બધી લોન મોંઘી થઈ જશે. પરિણામે, ગ્રાહકોનો EMI પણ વધી જશે. વ્યાજદરો પર નિર્ણય લેવા માટે 3 ઓગસ્ટથી મોનિટરી પોલિસી કમિટીની મીટિંગ ચાલતી હતી. RBI ગવર્નરે શક્તિકાંત દાસે પ્રેસ-કોન્ફરન્સમાં આ વિશે જાહેરાત કરી છે.
RBI ગવર્નરે શું કહ્યું?
રેપો રેટનું EMI કનેક્શન
રેપો રેટ એ વ્યાજદર છે, જેના પર બેન્કો RBI પાસેથી લોન લે છે. જ્યારે રિવર્સ રેપો રેટ એ દરને કહે છે, જેના પર બેન્કો RBIમાં પૈસા જમા કરે છે અને RBI તેમને વ્યાજ આપે છે. અત્યારે રિવર્સ રેપો રેટ 3.35% છે. જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે ત્યારે બેન્કો પણ ગ્રાહકો માટે વ્યાજદરમાં ઘટાડો કરે છે. એનાથી EMI પણ ઘટી શકે છે. એ જ રીતે જ્યારે રેપો રેટ વધે છે ત્યારે વ્યાજદરમાં વધારાને કારણે ગ્રાહક માટે ધિરાણ મોંઘું થાય છે.
0.50% રેટ વધવાથી કેટલો ફેર પડે છે
માની લો કે રોહિત નામની એક વ્યક્તિએ 7.55% રેટ પર 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમલોન લીધી છે. તેની લોનનો હપતો 24,260 છે. 20 વર્ષમાં આ વ્યાજદરથી તેને 28,22,304 રૂપિયા વ્યાજ આપવું પડશે, એટલે કે તેને 30 લાખના બદલે 58,22,305 રૂપિયા ચૂકવવા પડશે.
રોહિતના લોન લેવાના એક મહિના પછી આરબીઆઈ રેપો રેટમાં 0.50%નો વધારો કરે છે તો બેન્ક પણ લોનમાં 0.50%નો વધારો કરી શકે છે. હવે રોહિતનો એક મિત્ર એ જ બેન્કમાં હાઉસિંગ લોન લેવા જાય છે તો તેને 7.55%ની જગ્યાએ 8.05% વ્યાજદર ચૂકવવો પડશે.
રોહિતનો મિત્ર પણ રૂ. 30 લાખની લોન 20 વર્ષ માટે લે છે તો તેનો EMI 25,817 રૂપિયા આવશે, એટલે કે તેને EMIમાં 927 રૂપિયા વધારે ચૂકવવા પડશે. આમ, રોહિતના મિત્રએ રૂ. 30 લાખની લોન માટે 20 વર્ષમાં રૂ. 60,44,793 રૂપિયા ચૂકવવા પડશે. આ રોહિતની રકમથી 2,22,489 રૂપિયા વધારે છે.
20 લાખની લોન પર હવે કેટલું વધારે વ્યાજ અને હપતા ચૂકવવા પડશે
લોન અમાઉન્ટ (રૂ.માં) | સમય | વ્યાજદર (% માં) | હપતો (EMI રૂ.માં) | કુલ વ્યાજ (રૂ.માં) | કુલ રકમ જે ચૂકવવી પડશે (રૂ.માં) |
20 લાખ | 20 વર્ષ | 7.55 | 16,173 | 18.81 લાખ | 38.81 લાખ |
20 લાખ | 20 વર્ષ | 8.05 | 16,791 | 20.29 લાખ | 40.29 લાખ |
30 લાખની લોન પર હવે કેટલું વધારે વ્યાજ અને હપતા ચૂકવવા પડશે
લોન અમાઉન્ટ (રૂ.માં) | સમય | વ્યાજદર (% માં) | હપતો (EMI રૂ.માં) | કુલ વ્યાજ (રૂ.માં) | કુલ રકમ જે ચૂકવવી પડશે (રૂ.માં) |
30 લાખ | 20 વર્ષ | 7.55 | 24,260 | 28.22 લાખ | 58.22 લાખ |
30 લાખ | 20 વર્ષ | 8.05 | 25,187 | 30.44 લાખ | 60.44 લાખ |
50 લાખની લોન પર હવે કેટલું વધારે વ્યાજ અને હપતા ચૂકવવા પડશે
લોન અમાઉન્ટ (રૂ.માં) | સમય | વ્યાજદર (% માં) | હપતો (EMI રૂ.માં) | કુલ વ્યાજ (રૂ.માં) | કુલ રકમ જે ચૂકવવી પડશે (રૂ.માં) |
50 લાખ | 20 વર્ષ | 7.55 | 40,433 | 47.03 લાખ | 97.03 લાખ |
50 લાખ | 20 વર્ષ | 8.05 | 41,978 | 50.74 લાખ | 1.00 કરોડ |
શું પહેલેથી ચાલતી લોનના પણ વધશે હપતા?
હોમલોનના વ્યાજદર 2 પ્રકારની હોય છે. પહેલી ફ્લોટર અને બીજી ફ્લેક્સિબલ. ફ્લોટરમાં તમારા લોનનો વ્યાજદર પહેલેથી છેલ્લે સુધી એક જ સરખો રહે છે. તેના પર રેપો રેટમાં ફેરફાર થતાં કોઈ ફેર પડતો નથી. જ્યારે ફ્લેક્સિબલ વ્યાજદર લેવાથી રેપો રેટમાં ફેરફાર થતાં તમારી લોનના વ્યાજદરમાં પણ ફેરફાર થાય છે. આમ, જો તમે પહેલેથી જ ફ્લેક્સિબલ વ્યાજદર પર લોન લીધી છે તો તમારા વ્યાજદરમાં રેપોરેટમાં જે વધઘટ થશે તેની અસર જોવા મળશે.
આ વર્ષે 3 વાર વધ્યા વ્યાજદર
મોનિટરી પોલિસીની મીટિંગ દર બે મહિને થાય છે. આ નાણાકિય વર્ષની પહેલી મીટિંગ એપ્રિલમાં થઈ હતી. ત્યારે RBIએ રેપોરેટ 4% પર સ્થિર રાખ્યો હતો. પરંતુ RBIએ 2 અને 3મેના રોજ ઈમરજન્સી મીટિંગ બોલાવીને રેપોરેટ 0.40% વધારીને 4.40% કરી દીધો હતો. 22 મે 2020 પછી રેપોરેટમાં આ ફેરફાર થયા હતા. આ નાણાકિય વર્ષની પહેલી મીટિંગ 6-8 એપ્રિલે થઈ હતી. ત્યારપછી 6થી 8 જૂન વચ્ચે થયેલી મોનીટરી પોલિસી મીટિંગમાં રેપોરેટમાં 0.50%નો વધારો કરવામાં આવ્યો હતો. આ રેપોરેટ 4.40%થી વધીને 4.90% કરવામાં આવ્યો હતો. આ ઓગસ્ટમાં ફરી 0.50%નો વધારો કરવાથી હવે રેપોર્ટ 5.40% થઈ ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.