• Gujarati News
  • Business
  • Prices Of Electronic Products Are Expected To Rise Another 10 Per Cent For The Fourth Time In Two Years As Input Costs Rise.

ભાસ્કર વિશેષ:ઈનપુટ કોસ્ટ વધતાં બે વર્ષમાં ચોથી વાર ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના ભાવ વધુ 10 ટકા સુધી વધશે તેવો અંદાજ

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈશ્વિક બજારમાં કોપર અને એલ્યુમિનિયમના ભાવો રેકોર્ડ સ્તરે પહોંચતા ઉત્પાદકોને અસર
  • યુદ્ધથી એલ્યુમિનિયમ અને કોપરના ભાવ આસમાને પહોંચ્યા
  • ઈલેક્ટ્રોનિક્સ​​​​​​​ પ્રોડક્ટ્સના ભાવો 7-10 ટકા વધવાની ભીતિ

બિઝનેસ સંવાદદાતા | મુંબઈ એર કંડિશનર, રેફ્રિજરેટર, કૂલર અને અન્ય કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓના વધતાં ખર્ચને ધ્યાનમાં રાખી ભાવ વધારવાની યોજના બનાવી રહી છે. નિષ્ણાતો અનુસાર, આગામી મહિને ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સના ભાવોમાં 7થી 10 ટકા સુધીનો વધારો થવાની ભીતિ છે. ક્રૂડ મોંઘુ થતાં કંપનીઓ બે વર્ષમાં ત્રણ વખત ભાવો વધાર્યા છે. વૈશ્વિક બજારમાં કોપર અને એલ્યુમિનિયમના ભાવો રેકોર્ડ સ્તરે વધ્યા છે. રશિયા-યુદ્ધના કારણે તેના ભાવમાં વૃદ્ધિ જારી રહેશે.

ગતવર્ષે ફેબ્રુઆરીમાં એલ્યુમિનિયમનો ભાવ 1.61 લાખ પ્રતિ ટનથી વધી હાલ 2.80 લાખ પ્રતિ ટન થયો છે. ગતવર્ષે 5.93 લાખ પ્રતિ ટનના ભાવે વેચાઈ રહેલા કોપરનો ભાવ હાલ 7.72 લાખ પ્રતિ ટન થયો છે.

કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સિસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (SIEMA)ના પ્રેસિડન્ટ એરિક બ્રિગેન્ઝાએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી કોમોડિટીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 2019ની તુલનામાં, કંપનીઓએ ધીમે ધીમે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની કિંમતોમાં 15 ટકા સુધીનો વધારો કર્યો છે. જો કે ફરી એકવાર ભાવ વધારાના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. કંપનીઓ અત્યાર સુધી માર્જિન ઘટાડીને પોતાનો બિઝનેસ ચલાવતી હતી, પરંતુ હવે તે શક્ય નથી. કંપનીઓ કિંમતમાં 5 થી 7 ટકાનો વધારો કરી શકે છે.

ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને ઈવીપી કમલ નંદીએ કહ્યુ હતું કે, ઈનપુટ કોસ્ટ અને કિંમતોમાં 10 ટકાનો તફાવત છે. તેથી, કંપનીઓ આગામી કેટલાક મહિનામાં આ તફાવત દૂર કરવાના ભાગરૂપે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના ભાવમાં 10 ટકાનો વધારો થશે. આગામી સમયગાળામાં માગ કેવી રહે છે અને તેની સામે કાચામાલની કિંમતોમાં કેટલો વધારો થાય છે તેના પર બજારનો આધાર રહેલો છે.

3 પરિબળોના કારણે કન્ઝ્યુમર ઈલે.ના ભાવ વધ્યા

  • કોરોનાના કારણે વિશ્વભરમાં મોંઘવારી વધી છે. સપ્લાય ચેઈન ખોરવાઈ છે. આ સિવાય રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે એલ્યુમિનિયમ, કોપર, સ્ટીલના ભાવ રેકોર્ડ ટોચે પહોંચી રહ્યા છે.
  • ક્રૂડ ઓઈલે 110 ડોલરની સપાટી કુદાવી છે, જેના કારણે શિપિંગ ચાર્જ વધશે, સપ્લાયમાં મુશ્કેલી વધશે. કાચા માલ પર સીધો આધાર રાખતા પ્લાસ્ટિક અને પેઇન્ટના ભાવ પણ વધશે.
  • છેલ્લી બે ઉનાળાની સિઝનમાં લોકડાઉન હતું, આ વખતે ત્રીજી લહેરની ભીતિ વચ્ચે ઘણી કંપનીઓએ જાન્યુઆરી સુધી ઉત્પાદન વધાર્યુ નથી. માંગ સામે પુરવઠામાં ઘટાડો પણ ભાવમાં વધારા તરફ દોરી શકે છે.

શિપિંગનો ખર્ચ વધતાં ભાવમાં વધુ 5 ટકા વધારો થશે
​​​​​​​પ્લાસ્ટિક, કોપર, એલ્યુમિનિયમ જેવી ચીજવસ્તુઓના ભાવ ખૂબ ઊંચા છે. ક્રૂડના ભાવ વધવાથી શિપિંગ ખર્ચ પણ વધશે. આ ઉપરાંત ત્રીજી લહેરના ભયને કારણે પર્યાપ્ત ઉત્પાદન ન હોવાથી પુરવઠાની સમસ્યા સર્જાશે. જેના લીધે ભાવમાં 5 ટકાનો વધારો થશે.
- સલિલ કપૂર, હેડ, હોમ એપ્લાયન્સીસ, ઓરીએન્ટ ઇલેક્ટ્રિક

અન્ય સમાચારો પણ છે...