દેશમાં જુલાઇ મહિના દરમિયાન ચોમાસાને કારણે કેટલાક રાજ્યોમાં પરિવહન સેવા ઠપ થતા તેમજ અનેક સેક્ટર્સમાં ઘટેલી માંગને કારણે પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ઘટાડો થયો છે. દેશમાં સૌથી વધુ વપરાશ કરાતા ડીઝલનું વેચાણ જુલાઇ દરમિયાન 13.1 ટકા ઘટીને 6.44 મિલિયન ટન રહ્યું હતું જે જૂન મહિના દરમિયાન 7.39 મિલિયન ટન રહ્યું હતું.
દેશમાં ચોમાસાને આગમનને કારણે ડીઝલની માંગને અસર થઇ છે અને બીજી તરફ એપ્રિલ-જૂન કરતાં જુલાઇ-સપ્ટેમ્બર દરમિયાન વપરાશમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. દેશના કૃષિ ક્ષેત્રમાં સિંચાઇના પમ્પ માટે ડીઝલનો વ્યાપકપણે વપરાશ થાય છે ત્યારે વરસાદને કારણે અવરજવરમાં આવેલી અડચણને કારણે પણ ડીઝલની માંગ પ્રભાવિત થઇ છે. જો કે વાર્ષિક સ્તરે ડીઝલની માંગમાં 17.1 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. અર્થતંત્રમાં વૃદ્વિને કારણે વાર્ષિક સ્તરે માંગમાં વધારો થયો છે. જુલાઇ 2020 દરમિયાન ડીઝલનો વપરાશ 32.4 ટકા વધીને 4.84 મિલિયન ટન હતો. બીજી તરફ દેશમાં જુલાઇ મહિના દરમિયાન પેટ્રોલનું વેચાણ 5 ટકા ઘટીને 2.66 મિલિયન ટન રહ્યું હતું જે જૂન મહિના દરમિયાન 2.8 મિલિયન ટન રહ્યું હતું. જો કે જુલાઇ 2021 કરતાં 12.2 ટકા વધુ અને 2020ના સમયગાળા કરતાં 31.2 ટકા વધારે હતું.
દેશમાં જૂન મહિના દરમિયાન પ્રવાસન સ્થળોએ લોકોનો ઘસારો વધવાને કારણે પણ ઇંધણની માંગમાં ઉછાળો જોવા મળ્યો હતો. તે ઉપરાંત જેટ ફ્યૂલ (ATF)ની માંગ 79 ટકા વધીને 5,33,600 ટન રહી હતી. તે જુલાઇ 2020 કરતા 137.4 ટકા વધારે પરંતુ જુલાઇ 2019 (કોવિડ પૂર્વેના)ના સ્તરેથી 14.1 ટકા ઓછુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.