એગ્રી કોમોડિટી:ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 38.55 લાખ ટન થશે સિંગતેલના ભાવ ટૂંક સમયમાં ઘટે તેવો આશાવાદ

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં ચાલુ વર્ષે અનિયમિત વરસાદ અને વાવેતર વિસ્તારમાં ઘટાડો છતાં તેલીબિયાં પાકોના ઉત્પાદનમાં વધારો થશે તેવા અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ખરીફ સિઝનમાં કપાસ અને મગફળીનો પાક મુખ્ય ગણાય છે. મગફળીના પાકનો સર્વે સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (સી) દ્વારા કરવામાં આવ્યો હતો

જેના અહેવાલ અનુસાર ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન વધી 38.55 લાખ ટન આસપાસ રહી જશે તેવો પ્રાથમીક અંદાજ મુકવામાં આવ્યો છે. જ્યારે ગુજરાત રાજ્ય ખાદ્યતેલ અને તેલીબિયાં સંગઠન દ્વારા ઉત્પાદનનો અંદાજ 33.44 લાખ ટન મુકવામાં આવ્યો હતો.

મગફળીના ઉત્પાદનમાં વધારો થવાના અહેવાલ અને નવી આવકોનું પ્રેશર શરૂ થતા ભાવ ઝડપભેર ઘટવા લાગ્યા છે. સિંગતેલ ડબ્બો એક માસ પૂર્વે 2800ની સપાટી નજીક પહોંચ્યા બાદ અત્યારે ઘટી રૂ.2600ની સપાટી અંદર 2580 બોલાઇ ગયો છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનું વાવેતર 19.10 લાખ હેક્ટરમાં રહ્યું હતું જે અગાઉના વર્ષે 20.65 લાખ હેક્ટરમાં હતું આમ સરેરાશ 1.50 લાખ હેક્ટરમાં વાવતેર વિસ્તારમાં ઘટાડો થયો છે. વાવેતર વિસ્તારમાં ઘટાડા સાથે વરસાદ પણ અનિયમિત રહ્યો હોવા છતાં ગતવર્ષની તુલનામાં ઉત્પાદન વધશે કેમકે હેક્ટર દીઠ ઉત્પાદન પ્રતિ હેક્ટર 2020 કિલોગ્રામ રહેશે જે અગાઉના વર્ષે માત્ર 1715 કિલોગ્રામ હતું. છેલ્લા પાંચ વર્ષની સરેરાશ જોતા ચાલુ વર્ષે ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળશે. 2019-20માં ઉત્પાદન 32.15 લાખ ટન રહ્યું હતું.

પામતેલની કિંમત ઘટે તો સ્થાનિકમાં ભાવ ઝડપી ઘટશે
વૈશ્વિક સ્તરે ખાદ્યતેલોની કિંમતો હજુ ઉંચી છે. સરકારે ખાદ્યતેલોની કિંમતો કાબુમાં લેવા માટે આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે પરંતુ રૂપિયાની નરમાઇના કારણે આયાત પેરિટી ઉંચી છે. નિષ્ણાતોના અહેવાલ મુજબ વૈશ્વિક બજારમાં પામતેલની કિંમતો ઘટે અને આયાત જળવાઇ રહે તો સ્થાનિક બજારમાં ભાવ ઘટી શકે તેમ છે. કપાસના પાકના અંદાજો પણ સારા મુકાઇ રહ્યાં છે જેના કારણે કપાસિયાના ભાવ કાબુમાં આવતા કપાસિયાતેલની કિંમતો પણ ઘટશે. કપાસિયા તેલનો ભાવ અત્યારે ડબ્બા દીઠ રૂ. 2470 બોલાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...