• Gujarati News
  • Business
  • Payments Banks Providing Banking Facilities To The Workers In Small Town, Industrial Estates During Lockdown

પેમેન્ટ બેન્કના કારણે લોકડાઉન દરમિયાન નાના કેન્દ્રો, ઔદ્યોગિક વસાહતોમાં રહેતા મજુરો, કામદારો માટે બેન્કિંગ સવલતો સરળતાથી ઉપલબ્ધ

Ahmedabad2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ પંપ, કરિયાણાની દુકાનો મારફત નાના કેન્દ્રો, ઔદ્યોગિક વિસ્તારોમાંથી કામદારો રૂપિયા ટ્રાન્સફર, વિડ્રોઅલ કરે છે
  • માર્યાદિત ટ્રાન્સપોર્ટના લીધે જે લોકો વતન નથી જઈ શક્યા તેમના માટે રીમોટ એરિયામાં પણ બેન્કિંગ શક્ય બન્યું

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: કોરોનાને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે. શહેરી વિસ્તારોમાં આના કારણે બેન્કિંગને કોઈ ખાસ અસર થઇ નથી પરંતુ ગરમીન વિસ્તારો અને ખસર કરીને ઔદ્યોગિક વિસ્તારો કે જ્યાં બેન્કિંગની સગવડતા માર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યાં અત્યારે પેમેન્ટ બેન્કનો કોન્સેપ્ટ ખુબજ ઉપયોગી સાબિત થઇ રહ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા ઔદ્યોગિક રાજ્યોમાંથી ઘણા કામદારો પોતાના વતન પરત ફર્યા છે. આમ છતાં જે લોકો પોતાના ઘરથી દુર છે તેવા લોકોને ઘરે રૂપિયા મોકલવા અને પોતાની જરૂરિયાત પૂરતા રૂપિયા ઉપાડવા માટે હવે અગાઉ જેવી તકલીફ નથી પડતી. ફિનો પે, એરટેલ, પે-ટીએમ, રિલાયન્સ જીયો મની, ભારતીય પોસ્ટ વિભાગ અને NSDL જેવી કંપનીઓ અત્યારે પેમેન્ટ બેંક ચલાવી રહી છે અને આવી કંપનીઓએ કરિયાણાની દુકાનો, મોબાઈલ શોપ અને પેટ્રોલ પમ્પ્સ પર બેઝિક બેન્કિંગ સવલતો ઉભી કરી છે.
ભારતની સૌથી મોટી પેમેન્ટ બેંક ફિનો પેમેન્ટસ બેન્કે જણાવ્યું કે, ભારતમાં અમારા એકલાના જ 2 લાખથી વધુ ટચ પોઈન્ટ્સ છે. બેન્કિંગ એ જરૂરિયાતની સેવા ગણાતી હોવાથી મોટાભાગના સર્વિસ પ્રોવાઈડરોએ પોતાની સેવા ચાલુ રાખી છે. જોકે, સામાન્ય કરતાં કામના કલાકો અડધા થઇ ગયા છે.

વતન ન પહોચી શકેલા લોકો પરિવારને પેમેન્ટ બેંક મારફત રૂપિયા પહોચાડી રહ્યા છે
ફિનો પેના સિનિયર ડિવિઝનલ હેડ (વેસ્ટ અને સેન્ટ્રલ) હિમાંશુ મિશ્રાએ Divya Bhaskarને જણાવ્યું કે, પેમેન્ટ બેન્કનો સૌથી વધુ વપરાશ મજુરો અને કામદારો દ્વારા થાય છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેડૂતો આનો ઉપયોગ કરી રહ્યા છે. આ લોકોમાં ડિજીટલ બેન્કિંગનો વપરાશ ખુબ જ ઓછો છે. હાલની લોકડાઉન સ્થિતિમાં ઘણા લોકો પોતાના વતન પહોંચી શકે તેમ ના હોઈ પેમેન્ટ બેંક મારફત પોતાના પરિવારને રૂપિયા પહોચાડી રહ્યા છે. આ ઉપરાંત પોતાની જરૂરિયાત માટે પણ ટચ પોઈન્ટ્સ પરથી કેશનો ઉપાડ કરે છે.

લોકડાઉનથી ટ્રાન્ઝેક્શનમાં મોટો ઘટાડો થયો
હિમાંશુ મિશ્રાએ જણાવ્યું કે, લોકડાઉનના કારણે ધંધા રોજગાર બંધ છે અને ઘણા કારીગરો પોતાના વતન પરત ફર્યા છે અને ફરી રહ્યા છે. જોકે હજુ પણ ઘણા મજુરો કામના સ્થળ પર જ છે. લોકડાઉનની સ્થિતિએ પેમેન્ટ બેન્કના કાઉન્ટર પરથી રોકડ ઉપાડમાં અંદાજે 55-60%નો ઘટાડો થયો છે. તેવી જ રીતે ફંડ ટ્રાન્સફર આશરે 75-80% ઘટ્યું છે. જોકે, હવે પગારની તારીખ નજીક છે તે જોતા ટ્રાન્ઝેક્શન આગામી 1-7 એપ્રિલ દરમિયાન વધી શકે છે.

પેમેન્ટ બેંક એટલે શું?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ 2017માં બેન્કિંગની સગવડતા ના હોય અથવા તો પ્રમાણમાં ઓછી હોય તેવા વિસ્તારોના લોકોને ધ્યાનમાં રાખી પેમેન્ટ બેંક મોડેલની શરૂઆત કરી હતી કે જે લોકોને રૂપિયા ઉપાડવા, જમા કરવા અને ટ્રાન્સફર કરવા જેવી બેન્કિંગની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે છે. પેમેન્ટ બેંક શરુ કરવા માટે અત્યાર સુધીમાં 41 કંપનીઓને લાઈસન્સ આપ્યા છે. ફિનો પે, એરટેલ, પે-ટીએમ, રિલાયન્સ જીયો મની, ભારતીય પોસ્ટ વિભાગ અને NSDL પેમેન્ટ બેંક સહિત 10 જેટલી કંપનીઓ આ ક્ષેત્રે સક્રિય છે અને લોકોને અલગ અલગ બેન્કિંગ સર્વિસ આપે છે. પેમેન્ટ બેંક લાઈસન્સ હોલ્ડર ટચ પોઈન્ટ્સ બનાવે છે જે મોટાભાગે કરિયાણા, મોબાઈલની દુકાન હોય છે.

પેમેન્ટ બેંક મારફત મહીને અંદાજીત 12-15 કરોડ ટ્રાન્ઝેક્શન થાય છે
ભારતમાં અત્યારે ફિનો પે, એરટેલ, ભારતીય પોસ્ટ અને પે-ટીએમ સૌથી વધુ સક્રિય પેમેન્ટ બેંકો છે. દેશમાં મહિને 12-15 કરોડ ટ્રાન્ઝેક્શન થાય છે જેમાં રોકડ ઉપાડ, ફંડ ટ્રાન્સફર મુખ્ય છે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ મારફત નવા બેંક ખાતા ખોલવા, વિમા અને લોન જેવી પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે. ભારતમાં હાલમાં 8 લાખથી વધુ બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ સક્રિય છે.

અન્ય સમાચારો પણ છે...