તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એક્સક્લુઝિવ:ગુજરાતમાં 75 લાખ લોનધારકોમાંથી માત્ર 7 લાખે જ મોરેટોરિયમનો ફાયદો મેળવ્યો

અમદાવાદ6 દિવસ પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
  • ‘વ્યાજનું વ્યાજ પોષાય નહીં’ એવું માનતા ગુજરાતીઓ મોરેટોરિયમથી અળગા રહ્યા
  • ઑટો, એગ્રી-હૉમ, પર્સનલ સહિતના તમામ સેગમેન્ટમાં રિકવરીમાં સુધારો
  • રાજ્યના 60-70 ટકા લોનધારકોએ 2-3 મહિના માટે જ મોરેટોરિયમનો લાભ લીધો

ગુજરાતના 75 લાખ લોન ધારકો પૈકી મોરેટોરિયમ સુવિધાનો લાભ લેનારાઓની સંખ્યા 7 લાખથી પણ ઓછી હોવાનું બેન્કિંગ સેક્ટરના સત્તાવાર આંકડાઓ દર્શાવે છે.

ગુજરાતીઓ મૂડી કરતાં વ્યાજે વધુ વહાલ કરે તેવી ઉક્તિ છે તે મુજબ લોનનો ઇએમઆઇ ભરવામાંથી તો છૂટ મળે પણ વ્યાજ વધારે ભરવું પડે તે ના પોષાય તેવું માનતાં ગુજરાતીઓ સમયસર હપ્તા ચૂકવવામાં તેમજ લોન વહેલી ભરપાઇ કરવાની બાબતમાં પણ ટોચના ક્રમે હોવાનું અગ્રણી બેન્કિંગ નિષ્ણાતોનું કહેવું છે. ગુજરાતમાં સક્રિય ઓટો, એજ્યુકેશન, એગ્રી-હોમ, પ્રાયોરીટિ, પર્સનલ લોન ધારકોની સંખ્યા આશરે 75 લાખ આસપાસની છે.

બેન્ક ઓફ બરોડા, એસએલબીસી, સેવા બેન્ક તેમજ અન્ય બેન્કોના ટોચના અધિકારીઓનું કહેવું છે કે મોરેટોરિયમ અપનાવનારા ગ્રાહકો પૈકી 60-70 ટકા ગ્રાહકોએ તો માત્ર 2-3 માસ માટે જ લાભ લીધો છે. વ્યાજ વધુ ચૂકવવું પડશે તેવી ધારણા અને જૂન માસથી તમામ સેગમેન્ટમાં કામકાજ રાબેતા મુજબ થતા લોનના હપ્તાની સમયસર ચૂકવણી થઈ છે. લોન રિકવરી રેટ જુલાઇ અંતમાં 80 ટકા અને ઓગસ્ટ અંત સુધીમાં 90 ટકાથી વધુ નોંધાયો છે.

બેન્કિંગ નિષ્ણાતોએ કહ્યું, લોનની વહેલી ભરપાઈ કરવામાં ગુજરાત દેશમાં મોખરે

  • 7 લાખથી ઓછા ગ્રાહકોએ આર્થિક ભીંસના કારણે મોરેટોરિયમ અપનાવ્યું
  • 3 લાખથી ઓછા લોકોએ જ 6 મહિના સુધી મોરેટોરિયમનો લાભ લીધો
  • 75 લાખથી વધુ ઓટો, એગ્રી-હોમ, પ્રાયોરિટી, પર્સનલ લોનધારકો
  • 10 ટકા ગ્રાહકોએ પ્રથમ તબક્કામાં મોરેટોરિયમનો લાભ લીધો
  • 70 ટકા ઘટાડો નોંધાયો બીજા તબક્કાના મોરેટોરિયમમાં
  • 90 ટકા વધુ રિકવરી રેટ ઓગસ્ટ અંત સુધીમાં પહોંચ્યો તમામ લોન્સ ઉપર
  • 1 કરોડની પર 6 માસ મોરેટોરિયમ હોય તો 4.-5-5 લાખ વ્યાજ વધે

સેવા બેન્કમાં માત્ર 3,000 મહિલાએ લાભ લીધો
સેવા બેંકના એમડી જયશ્રીબેન વ્યાસે જણાવ્યું કે, કોઇપણ લોન ધારકો પોતાનો ઇએમઆઇ ન ભરે તો તેના પર બેન્ક કોઇપણ કાર્યવાહી કરી શકે નહિં પરંતુ સરકારે વ્યાજમાં રાહત આપી ન હતી. ખાસ કરીને શ્રમજીવી મહિલાઓ માટે. એક લાખથી વધુ મહિલાઓએ લોન લીધી છે અને તેમાં માત્ર 3000 મહિલાઓ જ એવી છે જેમણે મોરેટોરિયમ અપનાવ્યું છે.

‘મોરેટોરિયમધારક પાસે વધારાની પેનલ્ટી નહીં’
અર્બન કો-ઓપ. ફેડરેશન બેન્કના ચેરમેન જ્યોતિન્દ્ર મહેતાએ જણાવ્યું કે, મોરેટોરિયમથી લોન લેનારને હપ્તા ભરવાની જવાબદારી ઘટી હતી જ્યારે બેન્કોને એનપીએ વધી જશે અને પરિણામ ખરાબ આવશે તે ટેન્શન હળવું બન્યું હતું. મોરેટોરિયમનો લાભ લેનાર પાસે કોઇ જ વધારાની પેનલ્ટી લેવામાં આવી નથી.

મોરેટોરિયમ નોલેજ
9 ટકા દરે 1 કરોડની કોર્પોરેટ લોન લીધી હોય તો મોરેટોરિયમ લાભ પર 4.5 લાખ વ્યાજ

કોઇ બિઝનેસમેને 1 કરોડની લોન 9 ટકાના દરે કોર્પોરેટ લોન લીધેલી છે. જો મોરેટોરિયમનો લાભ છ માસ માટે હોય તો લોન પૂરી થતાં સુધીમાં અંદાજે 4.5-5 લાખનું વધારાનું વ્યાજ ચૂકવવું પડે.

25 લાખની હોમ લોનના મોરેટોરિયમ ઉપર છ માસમાં 1 લાખ વધુ ચૂકવવા પડે
જો 25 લાખની હોમ લોન 8 ટકાના દરે છ માસ માટે મોરેટોરિયમ લીધું હોય તો તેણે લોન ચૂકવણીના અંત સુધીમાં સરેરાશ એકાદ લાખ રૂપિયા સુધીનું વ્યાજ વધુ ચુકવવું પડશે.

ડેટ રિસ્ટ્રક્ચરિંગથી ક્રેડિટ પ્રોફાઇલ્સ મજબૂત કરવામાં લાભ મળી શકે છે
મોરેટોરિયમનો લાભ 31 ઓગસ્ટે પૂરો થતા આરબીઆઈએ ડેટ રિસ્ટ્રક્ચરિંગની જાહેરાત કરી છે. જે મધ્યમ કદની કંપનીઓની ક્રેડિટ પ્રોફાઈલ્સને ટેકો આપવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે.

ગુજરાતમાં સેક્ટર મુજબ લોન ધારકો

સેક્ટરલોન ગ્રાહક
હોમ લોન694234
ક્રોપ લોન2775301
ટર્મ લોન1251527
એગ્રી-ઇન્ફ્રા.194337
MSME1398382
પ્રાયોરીટી સેક્ટર506727

​​​​​​​

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો