ટેસ્ટ ક્રિકેટ:ભારતમાં રમેલી 34 ટેસ્ટમાંથી ન્યૂઝીલેન્ડે માત્ર બે જ જીતી છે

કાનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ ગુરુવારથી ગ્રીન પાર્કમાં
  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ ગુરુવારથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ન્યૂઝીલેન્ડ છેલ્લી ત્રણ આઈસીસી ઈવેન્ટની ફાઈનલમાં પહોંચ્યું છે. જુનમાં કીવી ટીમે ભારતને જ હરાવીને ટેસ્ટ ચેમ્પિયનશિપની ટ્રોફી જીતી હતી.

જોકે, ઘર આંગણે ભારતને ટક્કર આપવા ન્યૂઝીલેન્ડે પોતાનું સ્તર ઊંચે લઈ જવું પડશે. વિરાટ કોહલીના આરામ પર હોવાને કારણે વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે પાસે ટીમની કમાન છે. રોહિત શર્માની સાથે જ જસપ્રીત બુમરાહ અને રિષભ પંત પણ ટીમમાં નથી.

ન્યૂઝીલેન્ડે ભારતમાં અત્યાર સુધી 34 ટેસ્ટ રમી છે, જેમાંથી તેણે માત્ર બે જ જીતી છે. ટીમ છેલ્લે 1988માં જીત્યું હતું. ભારતે 16 મેચ જીતી છે અને આટલી જ મેચ ડ્રો રહી છે. ન્યૂઝીલેન્ડની જીતની ટકાવારી માત્ર 6 છે. જે કોઈ પણ દેશ સામે તેના ઘર આંગણે કીવી ટીમની સૌથી ખરાબ જીતની ટકાવારી છે.

ટીમ ભારતમાં રમેલી છેલ્લી 6 ટેસ્ટ હારી છે. 2016માં ભારતે ત્રણ મેચ 197, 178 અને 321 રનના મોટા અંતરે જીતી હતી. 2012ના પ્રવાસે પણ ભારતે બંને ટેસ્ટ જીતી હતી. આ અગાઉ 2010માં ત્રણ મેચની પ્રથમ બે મેચ ડ્રો રહી હતી. ભારતે છેલ્લી મેચને ઈનિંગ્સ અને 198 રને જીતી હતી.

રાહુલ ઈજાને કારણે મેચમાંથી બહાર, સૂર્યકુમારને મળ્યું સ્થાન
ઓપનિંગ બેટ્સમેન કે.એલ. રાહુલ ડાબા પગમાં ઈજાને કારણે મેચ રમવાનો નથી. ઈંગ્લેન્ડમાં શુભમન ગિલના ઈજાગ્રસ્ત થયા પછી તેને ઓપનિંગની તક મળી હતી. તે પ્રવાસમાં રોહિત શર્મા પછી સૌથી વધુ રન બનાવનારો ભારતીય બેટ્સમેન હતો.

રહાણેની કેપ્ટનશિપમાં ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા હજુ સુધી અજેય
અજિંક્ય રહાણેની કેપ્ટનશિપમાં અત્યાર સુધી ભારત ટેસ્ટ મેચમાં હાર્યું નથી. તેણે 5 મેચમાં કેપ્ટનશિપ કરી છે, જેમાંથી 4 જીતી છે. એક મેચ ડ્રો રહી છે. તેની કેપ્ટનશિપમાં ભારતને મુખ્ય ખેલાડીઓ વગર ઓસ્ટ્રેલિયાને મેલબોર્ન અને બ્રિસ્બન ટેસ્ટમાં હરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...