• Gujarati News
  • Business
  • Oilseed Meal Exports Down 4% In August, Edible Oil Prices Under Control, Govt Claims

એગ્રિ ટ્રેન્ડ:તેલીબિયા ખોળની નિકાસ ઓગસ્ટમાં 4 ટકા ઘટી ખાદ્યતેલોની કિંમતો કાબુમાં હોવાનો સરકારનો દાવો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાદ્યતેલોની ઉંચી કિંમતો અને તેલીબિયા ખોળનો પુરવઠો નહીંવત્ હોવાથી નિકાસ ઘટી

પશુ આહાર તરીકે ઉપયોગમાં લેવાતા ભારતના તેલીબિયાં ખોળની નિકાસ ઓગસ્ટમાં 4 ટકા ઘટીને 1,64,831 ટન રહી છે. નિકાસ ઘટવાનું મુખ્ય કારણ સ્થાનિક બજારમાં તેલીબિયાં ખોળના ઉત્પાદનમાં ઘટાડો થવા સાથે ઉંચા ભાવ કારણભૂત રહ્યાં હોવાનું ઉદ્યોગ સંસ્થા સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન (SEA)એ જણાવ્યું હતું.

સ્થાનિક અછતને પહોંચી વળવા સરકારે આનુવંશિક રીતે સુધારેલા (જીએમ) સોયાખોળની આયાતને મંજૂરી આપી છે અને તેનાથી પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝને થોડા અંશે રાહત મળવી જોઈએ તેમ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેલીબિયા ખોળનો ઉપયોગ પોલ્ટ્રી અને અન્ય ક્ષેત્રોમાં પશુ આહાર તરીકે થાય છે. ઓગસ્ટ 2020માં તેલીબિયા ખોળની નિકાસ 1,71,515 ટન હતી.

સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન (SEA) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ અનુસાર સોયાખોળની નિકાસ આ વર્ષે ઓગસ્ટમાં ઝડપથી ઘટીને 10,975 ટન થઈ છે જે અગાઉના સમયગાળામાં 58,190 ટન હતી. ભારત હાલમાં સોયાખોળ નિકાસ માટે ઉંચા ભાવ ધરાવે છે. ઓક્ટોબર-નવેમ્બરમાં નવો પાક આવે ત્યાં સુધી નિકાસ પુન:જીવિત થવાની શક્યતા નથી.

એરંડાની ખોળની નિકાસ પણ આ સમયગાળામાં 32,825 ટનથી ઘટીને 18,160 ટન રહી છે. જોકે, આ વર્ષે ઓગસ્ટમાં રાયડા ખોળની નિકાસ વધીને 63,058 ટન થઈ છે જે અગાઉના સમયગાળામાં 50,580 ટન હતી અને રાઇસબ્રાનની નિકાસ 29,375 ટનથી વધીને 72,638 ટન થઈ હતી.

SEA એ કહ્યું કે દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને બાંગ્લાદેશમાં ઉંચા શિપમેન્ટને કારણે રાયજા ખોળની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. વિયેતનામ અને બાંગ્લાદેશથી મોટી માંગને કારણે રાઇસબ્રાન નિકાસ વધી છે. જ્યારે દક્ષિણ કોરિયા, વિયેતનામ અને થાઇલેન્ડ ભારત માટેના ખોળની નિકાસના મુખ્ય સ્થળો છે. આગળ જતા હજુ ખોળની નિકાસ ઘટી શકે છે.

આયાત ડ્યૂટીમાં ઘટાડો થતા ભાવ ઘટ્યાં : સરકાર
કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યતેલોની તેજીને અટકાવવા માટે આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો હોવાથી સ્થાનિક બજારમાં ભાવ નરમ પડ્યાં છે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે દેશભરના જથ્થાબંધ બજારોમાં આઠ પ્રકારના ખાદ્યતેલના ભાવ છેલ્લા સપ્તાહમાં ઘટી રહેલું વલણ દર્શાવે છે. આ ઉપરાંત સરકારે સ્થાનિક સપ્લાય વધારવા અને સંગ્રહખોરીને રોકવા માટે ઘણા પગલાં લીધા હતા. 14 મી સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં સીંગતેલ, રાયડાતેલ, વનસ્પતિ, સનફ્લાવર તેલ, પામતેલ, કોકોનટતેલ અને તલના તેલના જથ્થાબંધ ભાવમાં ઘટાડો થયો છે.

ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, પામતેલની જથ્થાબંધ કિંમત 14 સપ્ટેમ્બરના રોજ 2.50 ટકા ઘટીને 12,349 રૂપિયા પ્રતિ ટન થઈ ગઈ છે જે એક સપ્તાહ પહેલા 12,666 રૂપિયા પ્રતિ ટન હતી. તલના તેલની જથ્થાબંધ કિંમત 2.08 ટકા ઘટીને 23,500 રૂપિયા પ્રતિ ટન, નાળિયેર તેલ 1.72 ટકા ઘટીને 17,100 રૂપિયા પ્રતિ ટન થયું છે. એ જ રીતે, 14 સપ્ટેમ્બરના રોજ સનફ્લાવર તેલના જથ્થાબંધ દર 1.30 ટકા ઘટીને 15,965 રૂપિયા પ્રતિ ટન રહ્યા છે જે એક સપ્તાહ પહેલા 16,176 રૂપિયા પ્રતિ ટન હતા. આ સમયગાળામાં સીંગતેલનો જથ્થાબંધ દર 1.38 ટકા ઘટીને 16,839 રૂપિયા પ્રતિ ટન રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...