રોકાણની રેસ:ડીમેટ એકાઉન્ટની સંખ્યા 10 કરોડ ક્રોસ

મુંબઇ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૈશ્વિક અનિશ્ચિતતાઓ, સ્લોડાઉન-વ્યાજવૃદ્ધિથી ઇક્વિટીમાં નિરાશા છતાં ઓગસ્ટમાં 22 લાખથી વધુ ખાતાં ખૂલ્યાં

વૈશ્વિક સ્તરે છેલ્લા એક વર્ષથી અનિશ્ચિતત્તાનો માહોલ જોવા મળ્યો છે તેમજ સ્લોડાઉન, મોંઘવારીમાં વૃદ્ધિ તથા વ્યાજદર જેવા અનેક નકારાત્મક પરિબળો વચ્ચે ભારતીય શેરબજારમાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. ઓગસ્ટ માસમાં 22 લાખથી વધુ નવા રોકાણકારો ઉમેરાતા ડિમેટ ખાતાની સંખ્યા સૌ પ્રથમ વખત 10 કરોડને ક્રોસ થઇ છે.

કોવિડ મહામારી પછી શેરબજારમાં રોકાણકારો ઝડપથી વધ્યા છે. નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (સીડીએસએલ) અનુસાર ગતમહિને કુલ ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 1.05 કરોડને વટાવી ગઈ છે. કોરોના મહામારીની શરૂઆત પહેલા એટલે કે માર્ચ 2020 સુધી દેશમાં લગભગ 4 કરોડ ડીમેટ ખાતા હતા. એટલે કે માત્ર બે વર્ષમાં ડીમેટ ખાતામાં 100 ટકાથી વધુ વૃદ્ધિ થઈ છે.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિઝના સીઇઓ અજય મેનનના જણાવ્યા અનુસાર રિટેલ રોકાણકારો ઇક્વિટી બજારો તરફ આકર્ષિત થઈ રહ્યા છે. ભારતમાં 31 માર્ચ 2022ના રોજ સક્રિય ડીમેટ ખાતાઓની સંખ્યા ગત વર્ષની સરખામણીએ 63 ટકા વધીને 8.97 કરોડ થઇ ચૂકી હતી જેનો અર્થ એ થયો કે અનેક નવા રોકાણકારોને શેરબજારમાં ટ્રેડ કરવામાં ઉત્સાહ છે.

ડીમેટ ખાતાઓની સંખ્યાના સંદર્ભમાં સીડીએસએલનો બજાર હિસ્સો સૌથી વધુ છે પરંતુ એસેટ અંડર કસ્ટડી (એયુસી)ના સંદર્ભમાં એનડીએસએલનો સૌથી વધુ છે. ઓગસ્ટના અંતે CDSL રૂ. 3.85 કરોડના AUC સાથે 7.16 કરોડ ડીમેટ ખાતાઓનું સંચાલન કરી રહ્યું હતું જ્યારે NSDL પાસે રૂ. 320 લાખ કરોડના AUC સાથે 2.89 કરોડ ખાતા હતા.

આઇપીઓમાં ઉત્સાહ, સસ્તા ડેટા, સરળ મોબાઇલ બેંકિંગ, ઝીરો બ્રોકરેજ ટ્રેડિંગની અસર
કોરોનાના સમયગાળા દરમિયાન લોકડાઉનના કારણે લોકો ઘરની બહાર નીકળી શક્યા નથી. ઝિરો બ્રોકરેજ સાથે સસ્તો ડેટા,મોબાઇલ બેંકિંગ અને શેર ટ્રેડિંગ એપ્સને કારણે રિટેલ રોકાણકારોની સંખ્યામાં વધારો થયો અને ડીમેટ ખાતામાં ઝડપી વૃદ્ધિ નોંધાઇ. વર્તમાન નાણાકીય વર્ષની વાત કરીએ તો એપ્રિલમાં ડીમેટ ખાતાની સંખ્યા 9.21 કરોડ હતી જે ઓગસ્ટમાં વધીને 10.05 કરોડ થઈ ગઈ છે.

ઇક્વિટી માર્કેટમાં ભલે છેલ્લા કેટલાક સમયથી નિરાશા વ્યાપી હોય પરંતુ રોકાણકારો આઇપીઓ માર્કેટમાં નાણાં રોકવા માટે ડિમેટ એકાઉન્ટ ખોલાવી રહ્યાં હોવાનું જાણકારોનું કહેવું છે. ઇક્વિટી માર્કેટમાં કુલ ડિમેટ એકાઉન્ટ ધારકોમાંથી માત્ર 20-25 ટકા જ સક્રિય હોવાનું અનુમાન નિષ્ણાતો દર્શાવી રહ્યાં છે.

વધુ રિટર્ન માટે જોખમ લેવામાં કોઇ ગભરાટ નહીં
1.પડકારજનક સંજોગોમાં શેરબજારમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. દેશના 10 કરોડ લોકો ઇક્વિટીને ઘરગથ્થુ બચત માટે રોકાણના અસરકારક માધ્યમ તરીકે માની રહ્યા છે.
2.રોકાણકારો ઊંચા વળતર માટે જોખમ લેવા તૈયાર છે. ડીમેટ એકાઉન્ટ્સ એવા સમયે વધ્યા છે જ્યારે વિશ્વ ફુગાવા,વધતા વ્યાજ દરો અને આર્થિક મંદીથી ઝઝૂમી રહ્યું છે.
3. દેશના અર્થતંત્રની મજબૂતાઈ, ગર્વનન્સ અને આગામી વર્ષોમાં સુધરતી આર્થિક સ્થિતિ અંગે રિટેલ રોકાણકારોમાં રાહતની લાગણી છે. તેમ એસ રંગનાથને દર્શાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...