દેશની તમામ બેંકોમાં આજથી એટલે કે મંગળવાર (23 મે)થી 2000ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. 3 દિવસ પહેલાં 19 મેના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ગ્રાહકો 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં 2000ની નોટ બદલાવી અથવા તેમના ખાતામાં જમા કરાવી શકશે.
RBIની સમયમર્યાદા પછી પણ 2000ની નોટ કાયદેસર રહેશે. એટલે કે હાલની નોટો અમાન્ય રહેશે નહીં. ડેડલાઈન માત્ર લોકોને પ્રોત્સાહિત કરવા માટે છે, જેથી તેઓ આ નોટો જલદીથી બેંકોમાં પરત કરે.
નોટ બદલવા માટે કોઈ આઈડીની જરૂર નથી
RBI અને SBIની ગાઈડલાઈન મુજબ, નોટો બદલવા માટે કોઈ IDની જરૂર નથી અને કોઈ ફોર્મ ભરવાનું નથી. એક સમયે 20,000 રૂપિયાની માત્ર 10 નોટો જ બદલી શકાશે, પરંતુ આ નોટો ખાતામાં જમા કરાવવા પર કોઈ મર્યાદા નથી. બેંકો 2000ની નોટ નહીં આપે.
2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ બંધ કરી દીધી હતી. તેના બદલે નવી પેટર્નમાં 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. RBIએ વર્ષ 2018-19થી 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું છે.
ડોક્યુમેન્ટ વગર નોટ બદલવાના મામલે PIL બીજેપી નેતા અને વકીલ અશ્વની ઉપાધ્યાયે રિઝર્વ બેંક અને સ્ટેટ બેંકના ડોક્યુમેન્ટ વગર નોટો બદલવાના આદેશ સામે દિલ્હી હાઈકોર્ટમાં PIL દાખલ કરી છે. તેઓએ કોઈપણ ઓળખ પુરાવા વિના 2000ની નોટો બદલવાની મંજૂરી ન આપવાની માંગ કરી છે.
આ નિર્ણય કરન્સી મેનેજમેન્ટ હેઠળ લેવામાં આવ્યો હતો: RBI ગવર્નર
એક દિવસ પહેલાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે લોકોએ નોટ બદલવા માટે બેંકોમાં ભીડ ન કરવી જોઈએ. અમે 4 મહિનાનો સમય આપ્યો છે. લોકો આરામથી નોટો બદલાવે, પરંતુ સમયમર્યાદાને ગંભીરતાથી લો. આ નિર્ણય કરન્સી મેનેજમેન્ટ હેઠળ લેવામાં આવ્યો છે. 2000ની નોટને ચલણમાંથી હટાવવાના નિર્ણયની અર્થવ્યવસ્થા પર ઓછી અસર પડશે. ચલણમાં કુલ ચલણમાંથી માત્ર 10.8% 2000ની નોટોમાં છે.
લોકોને જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે દૂર કરવામાં આવશે
RBIએ સોમવારે બીજી ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં બેંકોને ગરમીને જોતા લોકો માટે છાંયાડો અને પાણીની વ્યવસ્થા કરવા જણાવાયું હતું. કેટલી નોટો બદલાઈ છે અને કેટલી જમા થઈ છે તેનો દૈનિક હિસાબ રાખો.
દાસે કહ્યું હતું, 'જે પણ મુશ્કેલી આવશે, અમે તેને દૂર કરીશું. અમે બેંકો દ્વારા પણ આ પ્રક્રિયા પર નજર રાખીશું. ચિંતા કરવાની કોઈ વાત નથી. કરન્સી મેનેજમેન્ટ ઓપરેશન હેઠળ અમે 2000ની નોટોને ચલણમાંથી હટાવવાનું કામ શરૂ કર્યું છે.
અગાઉ પણ લોકો દુકાનમાં 2000ની નોટ સ્વીકારતા ન હતા. અમારી જાહેરાત પછી કદાચ તેમાં વધારો થયો છે. અમે કહ્યું હતું કે તે લીગલ ટેન્ડર રહેશે. તમે 2000ની નોટ વડે ખરીદી કરી શકો છો. 30 સપ્ટેમ્બર સુધીમાં મોટાભાગની નોટો અમારી પાસે આવી જશે અને પછી અમે નક્કી કરીશું.
2 હજારની નોટ કેવી રીતે બદલી શકાય? 6 પ્રશ્નોમાં નોટ બદલવાની સમગ્ર પ્રક્રિયાને સમજો...
પ્રશ્નોમાં નોટ બદલવાની સમગ્ર પ્રક્રિયાને સમજો.
1. પ્રશ્ન: આ 2 હજારની નોટો ક્યાંથી બદલી શકાય છે?
જવાબ: તમે તમારી નજીકની કોઈપણ બેંક શાખામાં જઈને આ નોટો બદલી શકો છો.
2. પ્રશ્ન: મારી પાસે બેંક ખાતું નથી તેથી હું તેના વગર નોટો બદલી શકું?
જવાબ: હા, તમે કોઈપણ બેંક શાખામાં જઈને નોટો બદલી શકો છો. તે બેંકમાં તમારું ખાતું હોવું જરૂરી નથી. તમે સીધા કાઉન્ટર પર જઈને નોટ બદલી શકો છો. બીજી તરફ, જો તમારું તે બેંકમાં ખાતું છે, તો તમે આ પૈસા તમારા ખાતામાં પણ જમા કરાવી શકો છો.
3. પ્રશ્ન: એક વખતમાં કેટલી નોટો બદલી શકાય છે?
જવાબ: ₹ 2000ની નોટ એક વખતમાં ₹ 20,000ની મર્યાદામાં બદલી શકાય છે. બીજી તરફ, જો તમારી પાસે ખાતું છે, તો તમે 2000ની ગમે તેટલી નોટ જમા કરાવી શકો છો.
4. પ્રશ્ન: શું નોટો બદલવા માટે બેંકનો કોઈ ચાર્જ લાગશે?
જવાબ: ના, મની એક્સચેન્જ માટે તમારી પાસેથી કોઇ ચાર્જ લેવામાં આવશે નહીં. તે તદ્દન ફ્રી છે. જો કોઈ કર્મચારી તમારી પાસે આ માટે પૈસા માંગે છે, તો તમે તેની ફરિયાદ બેંક અધિકારી અથવા બેંકિંગ લોકપાલને કરી શકો છો.
5. પ્રશ્ન: જો 30 સપ્ટેમ્બર સુધી નોટો જમા નહીં કરાય તો શું થશે?
જવાબ: ₹2000ની નોટ વ્યવહારો માટે ઉપયોગમાં લેવાનું ચાલુ રાખી શકાય છે અને ચુકવણી તરીકે પણ પ્રાપ્ત કરી શકાય છે. જો કે, આરબીઆઈએ 30 સપ્ટેમ્બર 2023ના રોજ અથવા તે પહેલાં આ બેંક નોટો જમા કરાવવા અથવા બદલવાની સલાહ આપી છે.
6. પ્રશ્ન: આ નવો નિયમ કોને લાગુ પડશે?
જવાબ: આ નિર્ણય બધાને લાગુ પડશે. દરેક વ્યક્તિ જેની પાસે 2000ની નોટ છે તેણે તેને 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકની કોઈપણ શાખામાં જમા કરાવવી પડશે અથવા નોટો બદલાવી લેવી પડશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.