• Gujarati News
 • Business
 • Mukesh Ambani’s Succession Plan | 217 Billion Dollar Empire | Next Gen To Take Over At Reliance

રિલાયન્સનો વારસો ઝડપથી સોંપાશે:સંપત્તિની વહેંચણી મુદ્દે મુકેશ-અનિલ વચ્ચે વિવાદ થયો હતો; નવી પેઢીને સામ્રાજ્ય સોંપતાં પહેલાં તેમાંથી પાઠ લેવાશે

11 દિવસ પહેલાલેખક: દેવેન્દ્ર અડલક

દુનિયાનાં 11મા સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી પોતાના 16 લાખ કરોડ રૂપિયાથી વધુના સામ્રાજ્યને પોતાના સંતાનોને સોંપવાનો પ્લાન કરી રહ્યા છે. તે ઇચ્છે છે કે પિતા ધીરુભાઈ અંબાણીના નિધન પછી ભાઈ અનિલ અંબાણી સાથે સંપત્તિની વહેંચણી મુદ્દે જે વિવાદ થયો હતો એવો તેમના દીકરા-દીકરીઓ વચ્ચે ન થાય.

તેવામાં તમારા મનમાં પણ સવાલ થતો હશે કે અત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશ-દુનિયામાં કેટલી વિસ્તરણ પામેલી છે, તેમના દીકરા-દીકરીઓ કયા-કયા વેપારમાં પિતાને સહાય કરી રહ્યા છે, તથા મુકેશ અંબાણી પોતાના સમ્રાજ્યને કેવી રીતે પોતાના સંતાનોને સોંપશે, તો ચાલો આપણે આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ...

સૌથી પહેલાં અંબાણી પરિવારને મળો​​​​​

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો પાયો ધીરૂભાઈ અંબાણીએ નાંખ્યો હતો. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1933ના દિવસે સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લામાં થયો હતો. ધીરૂભાઈનું પૂરુ નામ ધીરજલાલ હીરાચંદ અંબાણી છે. તેમને જ્યારે બિઝનેસની દુનિયામાં ડગલું માંડ્યું ત્યારે ધીરૂભાઈ પાસે પૈતૃક મિલકત અને બેંક બેલેન્સ પણ નહોતું.

ધીરુભાઈના લગ્ન 1955માં કોકીલાબેન સાથે થયા હતા. તેમના 2 દીકરા મુકેશ-અનિલ અને 2 દીકરી દીપ્તી અને નીના છે. 6 જુલાઈ 2002માં ધીરૂભાઈનું નિધન થયા પછી તેમની સંપત્તિની વહેંચણીમાં પત્ની કોકિલાબેન અંબાણીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આકાશ-ઈશા અને અનંત

 1. આકાશ અંબાણીઃ 2014માં બ્રાઉન યૂનિવર્સિટીથી ઈકોનોમિક્સની ડિગ્રી લીધા પછી તેણે ફેમિલી બિઝનેસ જોઈન કર્યો હતો. જિયો પ્લેટફોર્મ, જિયો લિમિટેડ, સાવન મીડિયા, જિયો ઈન્ફોકોમ, રિલાયન્સ રિટેલ વેંચર્સના બોર્ડમાં સામેલ છે. 2019માં શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા છે.
 2. ઈશા અંબાણીઃ યેલ અને સ્ટેનફોર્ડથી અભ્યાસ કર્યા પછી 2015માં ફેમિલી બિઝનેસ જોઈન કર્યો છે. જિયો પ્લેટફોર્મ, જિયો લિમિટેડ, રિલાયન્સ રિટેલ વેંચર્સના બોર્ડમાં સામેલ છે. ઈશાના લગ્ન ડિસેમ્બર 2018માં કારોબારી અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થયા છે.
 3. અનંત અંબાણીઃ અમેરિકાની બ્રાઉન યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યા પછી તે રિલાયન્સ ન્યૂ એનર્જી, રિલાયન્સ ન્યૂ સોલર એનર્જી, રિલાયન્સ O2C, જિયો પ્લેટફોર્મના બોર્ડમાં સામેલ છે.

રિલાયન્સનું સામ્રાજ્ય કેટલું વિશાળ છે તે જાણીએ...

 • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લમિટેડ એક ફોર્ચ્યૂન 500 કંપની છે અને ભારતનું સૌથી મોટું પ્રાઈવેટ સેક્ટર કોર્પોરેશન પણ છે.
 • ટેક્સટાઈલ અને પોલિએસ્ટરથી શરૂ થયેલી કંપનીની સફર અત્યારે એનર્જી, મટિરિયલ, રિટેલ, એન્ટરટેઈન્મેન્ટ અને ડિજિટલ સર્વિસમાં ફેલાયેલી છે.
 • રિલાયન્સ પાસે સિંગલ લોકેશન પર દુનિયાની સૌથી મોટી રિફાઈનરી છે.
 • રિલાયન્સનું સામ્રાજ્ય 217 અરબ ડોલર એટલે કે લગભગ 16 લાખ કરોડ રૂપિયાનું છે. તે ન્યૂઝીલેન્ડ, ઈરાન, પેરૂ, ગ્રીસ, કઝાકિસ્તાન જેવા દેશોની GDP કરતા પણ વધારે છે.
 • રિલાયન્સ પ્રાઈવેટ સેક્ટરમાં કસ્ટમ અને એક્સાઈઝ ડ્યૂટીના સૌથી મોટા પેયર છે.
 • રિલાયન્સની કોઈના કોઈ પ્રોડક્ટ અથવા સર્વિસનો ઉપયોગ લગભગ દરેક ભારતીય કરે છે.

રિલાયન્સના બિઝનેસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

 • રિલાયન્સનું જામનગરમાં એશિયાનું સૌથી મોટું કેરીનું વાવેતર છે. અહીં લગભગ 1 લાખ વૃક્ષો છે અને 100થી વધુ જાતની કેરીઓ ઉગાડવામાં આવે છે. આનાથી રિલાયન્સ ભારતની કેરીનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર બને છે.
 • રિલાયન્સ સ્પોર્ટ્સ સાથે પણ જોડાયેલી છે. 2008માં, રિલાયન્સે ક્રિકેટની સૌથી મોટી લીગ (IPL)માં મુંબઈ ઈન્ડિયન્સને 100 મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. રિલાયન્સે ઈન્ડિયન સુપર લીગ ઓફ ફૂટબોલની શરૂઆત કરી હતી. રિલાયન્સ દ્વારા ટેનિસ ઈવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
 • રિલાયન્સ નેટવર્ક 18ની માલિક છે. RILનો 2020-21નો વાર્ષિક અહેવાલ દર્શાવે છે કે દર બે ભારતીયમાંથી એક રિલાયન્સની ટીવી ચેનલો જુએ છે. મની કંટ્રોલ, બુક માય શો અને વોટ જેવા પ્લેટફોર્મમાં પણ રિલાયન્સનો મોટો હિસ્સો છે.
 • ક્રિપ્ટોના ભવિષ્યને જોતા રિલાયન્સ પણ ક્રિપ્ટો સ્પેસમાં પ્રવેશવા જઈ રહી છે. રિલાયન્સે ભારતનું સૌથી મોટું બ્લોક ચેઈન નેટવર્ક બનાવવાનું શરૂ કર્યું છે. મુકેશ અંબાણીએ ઘણી વખત આ ટેક્નોલોજીના ફાયદાનો ઉલ્લેખ કર્યો છે.
 • રિલાયન્સ ગુજરાતના જામનગરમાં વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરી ધરાવે છે. રિલાયન્સની કામગીરી અહીં તેલ અને ગેસના સંશોધન અને ઉત્પાદનથી લઈને પેટ્રોલિયમ અને અન્ય ઉત્પાદનોના ઉત્પાદન સુધીની છે.
 • કોરોનાની બીજી વેવ દરમિયાન જ્યારે દેશ ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યો હતો ત્યારે રિલાયન્સની આ રિફાઈનરીમાં મેડિકલ ગ્રેડનો ઓક્સિજનનો મોટો જથ્થો બનાવવામાં આવ્યો હતો. રિફાઇનરીમાંથી દરરોજ 1000 MT ઓક્સિજન પૂરો પાડવામાં આવતો હતો.
 • રિલાયન્સ ડિજિટલ, ફ્રેશ અને જ્વેલ્સ ઉપરાંત, તે રમકડાની દુકાન હેમ્લીની પણ માલિકી ધરાવે છે. રિલાયન્સ અરમાની, હ્યુગો બોસ, ડીઝલ અને માર્ક્સ એન્ડ સ્પેન્સર જેવી અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે વિશિષ્ટ ભાગીદારી ધરાવે છે.
 • ઓનલાઈન સ્પેસમાં, રિલાયન્સ એ ફેશન સ્ટોર્સ Azio અને Zivame, ઓનલાઈન ફાર્મસી સ્ટોર Netmeds અને લોકપ્રિય ફર્નિચર વિક્રેતા અર્બન લેડરની પેરેન્ટ કંપની છે. આ દ્વારા કંપની એક શાનદાર શોપિંગ અનુભવ આપવા માંગે છે.
 • ટેક્નોલોજી સ્પેસની વાત કરીએ તો, રિલાયન્સ પાસે લાઈવ ટીવીથી લઈને UPI સુધીની લાંબી યાદી છે, પરંતુ ભવિષ્યની ટેક્નોલોજી માટે રિલાયન્સે દેશ અને દુનિયાની કેટલીક કંપનીઓ સાથે ભાગીદારી કરી છે.
 • તેમાંથી એક અમેરિકન કંપની સ્કાયટ્રેન છે. સ્કાયટ્રેન સેલ્ફ-ડ્રાઇવિંગ ઇલેક્ટ્રોનિક વાહનોનું ઉત્પાદન કરે છે. તેનો હેતુ સાર્વજનિક પરિવહનને સરળ બનાવવાનો છે. આ નાના પોડ ચુંબક દ્વારા ચલાવવામાં આવે છે. જેનાથી ટ્રાફિક જેવી સમસ્યામાંથી છુટકારો મળશે.
 • રિલાયન્સે બેંગલુરુ સ્થિત ડ્રોન કંપની એસ્ટેરિયા એરોસ્પેસમાં 51% હિસ્સો ખરીદ્યો છે. આ કંપની એવા ડ્રોન બનાવે છે જે ઉંચાઈ પર ઉડી શકે છે. આ એરિયલ વ્યૂ ડેટાને એક્શનેબલ ઈન્ટેલિજેન્સમાં રૂપાંતરિત કરે છે.
 • રિલાયન્સે 2019માં ઓગમેન્ટેડ રિયલ્ટી કંપની ટેસેરેક્ટમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો હતો. તે મનોરંજન, શિક્ષણ, ખરીદી અને ગેમિંગમાં 3D અનુભવ ક્રિએટ કરે છે. ત્યાર પછી રિલાયન્સે Jio ગ્લાસ લોન્ચ કર્યો.
 • મુકેશ અંબાણી હોટલ ઈન્ડસ્ટ્રીમાં પણ પહેલ કરી રહ્યા છે. તેણે તાજેતરમાં જ ન્યૂયોર્કની આઇકોનિક લક્ઝરી હોટેલ મેન્ડરિન ઓરિએન્ટલ ખરીદી છે. આની પહેલા તેણે બ્રિટનની પ્રખ્યાત અને આઇકોનિક કન્ટ્રી ક્લબ સ્ટોક પાર્ક ખરીદી હતી.

મુકેશ-અનિલ વચ્ચે વિવાદનું કારણ શું હતું?

 • મુકેશ અંબાણી 1981માં અને અનિલ અંબાણી 1983માં રિલાયન્સમાં જોડાયા હતા. ધીરુભાઈ અંબાણીનું નિધન જુલાઈ 2002માં થયું હતું. તે વિલ લખીને ગયા નહોતા. મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રુપના ચેરમેન બન્યા અને અનિલ અંબાણી મેનેજિંગ ડિરેક્ટર બન્યા.
 • નવેમ્બર 2004માં પહેલીવાર બે ભાઈઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચેનો ઝઘડો સામે આવ્યો હતો. પરિવારમાં ચાલી રહેલા આ વિવાદને કારણે ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન નારાજ હતા, ત્યારપછી બિઝનેસમાં ભાગલા પડ્યા હતા.
 • આ ડિવિઝન જૂન 2005માં થયું હતું, પરંતુ કયા ભાઈને કઈ કંપની મળશે તેનો નિર્ણય 2006 સુધી ચાલ્યો. આ વિભાજનમાં ICICI બેંકના તત્કાલીન ચેરમેન વીકે કામતને પણ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
 • વિભાજન પછી પેટ્રોકેમિકલ્સ બિઝનેસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન પેટ્રોલ કેમિકલ્સ કોર્પ લિમિટેડ, રિલાયન્સ પેટ્રોલિયમ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ જેવી કંપનીઓ મુકેશ અંબાણીના ભાગમાં આવી હતી.
 • નાનો ભાઈ અનિલ આરકોમ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ એનર્જી, રિલાયન્સ નેચરલ રિસોર્સ જેવી કંપનીઓની માલિકી ધરાવે છે. ત્યારથી મુકેશ અંબાણી નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે, પરંતુ અનિલની ભૂલોથી તેનો બિઝનેસ ડૂબી ગયો છે.

મુકેશ અંબાણી કયા મોડલથી સંતાનોમાં પ્રોપર્ટીનું વિતરણ કરશે?
બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી પોતાની સંપત્તિ શેર કરવા માટે વોલમાર્ટ ઈન્કના પરિવાર જેવું મોડલ અપનાવી શકે છે. આ મોડલ બિઝનેસ પર પરિવારનું નિયંત્રણ જાળવવામાં મદદ કરશે. અંબાણી ફેમિલી હોલ્ડિંગને ટ્રસ્ટ જેવા માળખામાં બદલી શકે છે. આ ટ્રસ્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરશે અને નવી કંપનીમાં પત્ની નીતા અંબાણી અને તેમના ત્રણ બાળકો, આકાશ (30) અને ઈશા (30) તથા નાના ભાઈ અનંત (26) સહિત પરિવારના તમામ સભ્યોનો સમાવેશ થઈ શકે છે. આમ સમગ્ર પરિવાર સંયુક્ત રીતે સામ્રાજ્યની સંભાળ રાખશે. તાજેતરના તેલ અને પેટ્રોકેમિકલ, ટેલિકોમ અને રિટેલ બિઝનેસને વિભાજીત કરવા માટે તે વધુ સારો વિકલ્પ હોઈ શકે છે.

સેનફોર્ડ સી. બર્નસ્ટીનના વિશ્લેષક નીલ બેવરીજ કહે છે કે જો રિલાયન્સ આ કરવા સક્ષમ હશે તો મૂલ્ય નિર્માણ અને કમાણી માટે વધુ સંભાવનાઓ હશે. જે રીતે ઓઇલ રિફાઇનરીઓમાંથી થતી કમાણીથી રિલાયન્સને દેશની અગ્રણી ટેલિકોમ કંપની બનાવવામાં સહાય મળી છે, તેવી જ રીતે આગામી દાયકાઓમાં ગ્રીન એનર્જી, રિટેલ અને ડિજિટલ બિઝનેસની આગામી પેઢી પણ મદદ કરશે. કંપનીના ફાઇલિંગ મુજબ, અંબાણી પરિવારનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વર્તમાન હિસ્સો માર્ચ 2019માં 47.27%થી વધીને 50.6% થયો છે. રિલાયન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન 217 બિલિયન ડોલર એટલે કે લગભગ 16 લાખ કરોડ રૂપિયા છે. ફોર્બ્સ અનુસાર, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 93.2 બિલિયન ડોલર એટલે કે લગભગ 6.9 લાખ કરોડ રૂપિયા છે.

વોલ્ટને કેવી રીતે સંપતિની વહેંચણી કરી હતી?
વોલ્ટન પરિવાર વિશ્વના સૌથી મોટા સમૂહમાંના એકની માલિકી ધરાવે છે. અમેરિકન બિઝનેસમેન સેમ વોલ્ટન દ્વારા સ્થાપિત વોલમાર્ટ હવે વિશ્વની સૌથી મોટી રિટેલર છે. સેમે 1992મા તેમના મૃત્યુના લગભગ 40 વર્ષ પહેલાં ઉત્તરાધિકારની યોજના તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. વોલ્ટન પરિવારે 1988માં કંપનીના રોજ-બ-રોજના કારોબારને મેનેજરોને સોંપી દીધો હતો. વોલ્ટને તેના બિઝનેસનો 80% તેના ચાર બાળકો એલિસ, રોબ, જિમ અને જ્હોનને આપ્યો હતો. નવા આંકડાઓ અનુસાર, વોલ્ટન પરિવાર પાસે વોલમાર્ટનો લગભગ 47% હિસ્સો છે.

મુકેશ અંબાણીએ સંપત્તિ વિભાજન અંગે શું કહ્યું?
28 ડિસેમ્બરના રોજ ધીરુભાઈ અંબાણીનો બર્થ ડે હતો. આ પ્રસંગે મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, 'યુવાન પેઢી હવે નેતૃત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. હવે હું ઉત્તરાધિકારની પ્રક્રિયાને ઝડપી બનાવવા માગુ છું. આપણે નવી પેઢીને માર્ગદર્શન આપવું જોઈએ. તેઓ સક્ષમ હોવા જોઈએ. તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ.

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, 'હું દરરોજ રિલાયન્સ માટે બાળકોના જુસ્સા, પ્રતિબદ્ધતા અને સમર્પણને જોઈ અને અનુભવી શકું છું. મને તેમનામાં એ જ આગ અને ક્ષમતા દેખાય છે જે મારા પિતામાં જોવા મળતી હતી. મારા પિતાએ લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની સાથે ભારતના વિકાસમાં યોગદાન આપ્યું હતું. આ વિશાળ તકનો લાભ લેવાનો અને રિલાયન્સના ભાવિ વિકાસનો પાયો નાખવાનો સમય આવી ગયો છે.

મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું હતું કે, 'રિલાયન્સની શરૂઆત ટેક્સટાઈલ કંપની તરીકે થઈ હતી. હવે અમે ઘણા વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેની ઓઈલ ટુ કેમિકલ કંપની હવે રિટેલ, ટેલિકોમ, ઈ-કોમર્સ જેવા સેક્ટરમાં નંબર-1 છે. અમે અમારા ઉર્જા વ્યવસાયને પણ સંપૂર્ણપણે સુધારી લીધો છે, હવે રિલાયન્સ ક્લીન અને ગ્રીન એનર્જી અને મટિરિયલ્સમાં વૈશ્વિક લીડર બનવા માટે તૈયાર છે.

રિલાયન્સનું ભવિષ્ય અને પડકારો
રિલાયન્સની જીઓ (Jio) પ્લેટફોર્મ લિમિટેડ, જેણે ગૂગલ સાથે ભાગીદારી કરી છે, તે મજબૂત સ્થિતિમાં છે. જોકે રિલાયન્સનો રિટેલનો રસ્તો સરળ નથી. રિલાયન્સનો રિટેલ બિઝનેસ મુખ્યત્વે એમેઝોન તરફથી સ્પર્ધાનો સામનો કરી રહ્યો છે. ફ્યુચર ગ્રુપના અધિગ્રહણનો મામલો અટવાયેલો છે. આ સાથે જ તેને ન્યૂ એનર્જીમાં ગૌતમ અદાણી સાથે સ્પર્ધા કરવી પડશે. અદાણી 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી ઉત્પાદક બનવા માંગે છે. અંબાણીએ આગામી ત્રણ વર્ષમાં આ સેક્ટરમાં 74.3 હજાર કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે અને અનેક એક્વિઝિશન કરીને પોતાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...