• Gujarati News
  • Business
  • We Are Studying The Plans Of The World's Billionaires So That There Will Be No Controversy Among The Children Going Forward

મુકેશ અંબાણી કઈ રીતે સોંપશે વારસો:વિશ્વના અબજપતિઓના પ્લાનનો કરી રહ્યા છે અભ્યાસ, જેથી બાળકો વચ્ચે વિવાદ ન થાય, અંબાણીને વોલમાર્ટના વોલ્ટન પરિવારનું મોડલ પસંદ

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

એશિયાના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી પોતાનો વારસો સોંપવા માટે એક મજબૂત યોજના પર કામ કરી રહ્યા છે. તેમની કોશિશ છે કે એવો પ્લાન બનાવવામાં આવે, જેનાથી આગળ જતાં તેમનાં પુત્રો અને પુત્રી વચ્ચે કોઈ વિવાદ ન થાય. આમ કરવા પાછળનું કારણ એ છે કે તેઓ પોતે પણ આ માર્ગમાંથી પસાર થઈ ચૂક્યા છે. આ કારણે તેઓ વિશ્વના અબજપતિઓના ઉત્તરાધિકારીઓનાં મોડલનો અભ્યાસ પણ કરી રહ્યા છે.

64 વર્ષના મુકેશ અંબાણીને બે પુત્ર અને એક પુત્રી છે. તેઓ તેમની વચ્ચે લગભગ 208 અબજ ડોલરના બિઝનેસને વહેંચવા માગે છે. એ માટે તેઓ ઘણાં વર્ષોથી સક્સેશન પ્લાન એટલે કે ઉત્તરાધિકારી યોજના તૈયાર કરી રહ્યા છે. આ માટે તેો વિશ્વના અમીરોના સક્સેશન પ્લાનનો સ્ટડી કરી રહ્યા છે. એમાં વોલ્ટનથી લઈને કોચ પરિવારના લોકો સામેલ છે. મુકેશ અંબાણીએ આ સક્સેશન પ્લાનને ફાઈનલ કરવા પર કામ ઝડપી કરી દીધું છે.

મુકેશ અંબાણીને બે પ્લાન પસંદ
1. વોલમાર્ટના વોલ્ટન પરિવારનું મોડલ
1992માં કંપનીના ફાઉન્ડર સેમ વોલ્ટનના મોત પછી તેમના બિઝનેસ ટ્રાન્સફરને મેનેજ કરવામાં આવ્યું હતું. દુનિયાના સૌથી અમીર પરિવાર વોલ્ટને 1988થી કંપનીના રોજના બિઝનેસને મેનેજર્સને સોંપી દીધો હતો. ત્યાર પછી તેના પર નજર રાખવા માટે એક બોર્ડ બનાવ્યું હતું. સેમના સૌથી મોટા દીકરા રોબ વોલ્ટન અને તેમના ભત્રીજા સ્ટુઅર્ટ વોલ્ટન વોલમાર્ટના બોર્ડમાં સામેલ છે.

2015માં સેમના ગ્રાન્ડસન ઈન-લો પેનરને કંપનીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જોકે તેની ઘણી નિંદા કરવામાં આવી હતી, કારણ કે શેરધારકો તરફથી વધારે મહત્ત્વ પરિવારને આપવામાં આવતું હતું. સેમે તેમના મૃત્યુનાં 40 વર્ષ પહેલાં 1953માં જ સક્સેશન પ્લાન શરૂ કરી દીધો હતો. એ પ્રમાણે તેમણે બિઝનેસનો 80 ટકા હિસ્સો 4 બાળકોમાં વહેંચી દીધો હતો.

2. હોલ્ડિંગને ટ્રસ્ટમાં નાખવું
મુકેશ અંબાણી પરિવારના હોલ્ડિંગને એક ટ્રસ્ટમાં નાખવા ઈચ્છે છે, જે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને નિયંત્રિત કરશે. આ નવા ટ્રસ્ટમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમનાં ત્રણ બાળકો હશે. યોજના પ્રમાણે બોર્ડમાં અંબાણી પરિવારના સૌથી ખાસ લોકો પણ સામેલ હશે. રિલાયન્સ કંપની એક પ્રોફેશનલ મેનેજમેન્ટ દ્વારા ચાલશે.
રિલાયન્સનો વેપાર રિફાઈનિંગ, પેટ્રોકેમિકલ્સ, ટેલિકોમ સહિત રિટેલ અને ઈ-કોમર્સમાં છે. આ મેનેજમેન્ટ રિલાયન્સની સાથે સાથે અન્ય વેપાર પર પણ ધ્યાન આપશે.

મુકેશ અંબાણી અત્યારે પણ સક્રિય રીતે વેપાર ચલાવે છે
હકીકતમાં મુકેશ અંબાણી અત્યારે પણ સક્રિય રીતે વેપાર ચલાવે છે. તેમની સાથે તેમનાં ત્રણ બાળકો પણ વેપારમાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યાં છે. તેમનાં ત્રણ બાળકોમાં આકાશ, અનંત અને ઈશા છે. આ ત્રણેય લોકો સમયાંતરે તમામ ઈવેન્ટમાં તેમના બિઝનેસનું પ્રેઝન્ટેશન કરતાં દેખાય છે.

સૌથી મોટો સંપત્તિ વિવાદ મુકેશ અને અનિલનો
દેશમાં અત્યારસુધીના કોર્પોરેટમાં સૌથી મોટો પારિવારિક વિવાદ મુકેશ અને તેમના નાના ભાઈ અનિલ અંબાણીની વચ્ચે થયો. એનું કારણ એ હતું કે રિલાયન્સને શરૂ કરનાર ધીરુભાઈ અંબાણીએ કોઈ ઉત્તરાધિકારી યોજના બનાવી નહોતી. વર્ષ 2002માં તેમના મૃત્યુ પછી બંને ભાઈઓ વચ્ચેનો વિવાદ બહાર આવ્યો અને આ કારણથી રિલાયન્સને બે હિસ્સામાં વહેંચવું પડ્યું.

વહેંચણીમાં મુકેશને મળ્યો મહત્વનો હિસ્સો, અનિલના ખાતામાં નાની કંપનીઓ આવી
અનિલના હિસ્સામાં કમ્યુનિકેશન, પાવર અને કેપિટલ બિઝનેસ આવ્યા. મુકેશને સૌથી મહત્વપૂર્ણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મળી છે. મુકેશે પછીથી ટેલિકોમ, રિટેલ અને અન્ય બિઝનેસ પણ શરૂ કર્યા. આજે તેમની ટેલિકોમ કંપની જિયો વિશ્વમાં બીજી સૌથી મોટી કંપની છે. જિયોનું વેલ્યુએશન 6 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે રિલાયન્સ રિટેલનું 5.5 લાખ કરોડ રૂપિયાનું વેલ્યુએશન છે. તે ઈ-કોમર્સમાં પણ મોટી ગેમ રમી રહ્યાંછે.

અનિલ આજે દેવાળિયો, આધ્યાત્મના રસ્તે નીકળી પડ્યો
અનિલ અંબાણી આજની તારીખમાં દેવાળિયા છે. તેમની કંપની વેચાઈ રહી છે. તે પોતાની કંપનીઓને બચાવવામાં લાગ્યા છે. તેમનું મુંબઈ હેડક્વાર્ટર પણ યસ બેન્કે લઈ લીધું છે, કારણ કે કંપની બેન્કની લોન ચુકવી શકી નહોતી. 63 વર્ષના અનિલ અંબાણી પણ 14-16 કલાક કામ કરી રહ્યાં છે અને અધ્યાત્મના રસ્તે છે. મુકેશ અંબાણી આજે 95 અબજ ડોલરની સંપત્તિની સાથે વિશ્વમાં 11માં નંબરના સૌથી અમીર બિઝનેસમેન છે, જે ટેલિકોમમાં આજે અનિલે દેવાળું કાઢ્યું છે, તેમાં મુકેશ આજે રાજા છે.

1980-90માં રિલાયન્સ તેજીની સાથે આગળ વધતી હતી
ધીરુભાઈ અંબાણીના નેતૃત્વમાં 1980-90નો દાયકો રિલાયન્સ માટે મહત્વનો હતો. અનિલ અને મુકેશની વચ્ચે જે વિવાદ થયો હતો, તેનો ઉકેલ તેમની માતા કોકિલાબેને લાવવો પડ્યો હતો. 2004માં જ્યારે વિવાદ એકદમથી વધી ગયો તો કોકિલાબેને બંનેને સમજાવ્યા. જોકે આ વિવાદ પછીથી 5 વર્ષ સુધી ચાલુ રહ્યો. જોકે એ વાત અલગ છે કે મુકેશ અંબાણીએ ઘણી વખત અનિલની મદદ કરી, જેના પગલે તે જેલમાં જવાથી બચી ગયા. અનિલ મુકેશના પુત્રના લગ્નમાં પોતાના પરિવારની સાથે જોવા મળ્યા હતા.

હાલ મુકેશ અંબાણી બિઝનેસ અને સક્સેશન બંને પ્લાન પર એક સાથે કામ કરી રહ્યાં છે. તેમણે રિલાયન્સને ઘણા સેક્ટરમાં મજબૂત કરી છે.

અન્ય સમાચારો પણ છે...