આર્થિક ગતિને અસર:મૂડીઝે 2022 માટે દેશના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 7% કર્યો

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વૈશ્વિક સ્તરે સ્લોડાઉન અને સ્થાનિક સ્તરે વધતા વ્યાજદરોને કારણે આર્થિક ગતિને અસર થવાને કારણે મૂડીઝે વર્ષ 2022 માટે ભારતના આર્થિક વૃદ્વિદરનું અનુમાન અગાઉના 7.7 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યું છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસ દ્વારા સતત બીજી વાર દેશના વૃદ્વિદરના અંદાજમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ મૂડીઝે જીડીપી ગ્રોથનો અંદાજ મેના 8.8 ટકાથી ઘટાડીને 7.7 ટકા કર્યો છે.

ગ્લોબલ મેક્રો આઉટલુક 2023-24 રિપોર્ટમાં મૂડીઝે કહ્યું કે ભારત માટે વર્ષ 2022ના જીડીપી દરના અનુમાનને અગાઉના 7.7 ટકાથી ઘટાડીને 7 ટકા કરવામાં આવ્યું છે. અનુમાનમાં ઘટાડા પાછળનું કારણ ઉચ્ચ ફુગાવો, વધુ વ્યાજદરો અને વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ છે. આ દરેક પરિબળોને કારણે આર્થિક ગતિને પણ બ્રેક લાગશે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.

મૂડીઝ અનુસાર વર્ષ 2023માં ગ્રોથ ઘટીને 4.8 ટકા તેમજ ફરીથી વર્ષ 2024 દરમિયાન વધીને 6.4 ટકાની આસપાસ રહેશે. વૈશ્વિક અર્થતંત્ર સતત વધતી મોંઘવારી વચ્ચે અનિશ્વિતતાના અસાધારણ ઉચ્ચ સ્તર, સખત નીતિગત પગલાં, ખાધ પડકારો, ભૌગોલિક રાજકીય ફેરફારો તેમજ ફાઇનાન્સિયલ માર્કેટ વોલેટિલિટી જેવા નકારાકત્મક પરિબળોને કારણે મંદી તરફ ધકેલાઇ રહ્યું છે.

વૈશ્વિક સ્તરે વર્ષ 2023માં ગ્રોથ ઘટશે અને વર્ષ 2024 સુધી તે મંદ રહેશે. જો કે સરકાર અને મધ્યસ્થ બેન્કો જો વર્તમાન પડકારોમાંથી અર્થતંત્રને બહાર લઇ જવામાં સફળ રહે તો તેમાં કેટલાક અંશે સ્થિરતા જોવા મળી શકે છે તેવો મૂડીઝે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...