• Gujarati News
  • Business
  • Meta Could Lay Off Thousands Of Employees This Week, Having Laid Off 11,000 In The Previous Round

ફેસબુક-વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામમાં ફરી છટણી:મેટા આ અઠવાડિયે હજારો કર્મચારીઓને કરી શકે છે છૂટા, પહેલાં રાઉન્ડમાં 11 હજારને હાંકી કાઢ્યા હતા

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા બીજા રાઉન્ડની છટણી કરવાની યોજના બનાવી રહી છે. બ્લૂમબર્ગના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં હજારો કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવશે. સંબંધિત લોકોને ટાંકીને અહેવાલ પ્રકાશિત કરાયો છે. મેટાએ ડાયરેક્ટર્સ અને વાઈસ પ્રેસિડેન્ટને એ કર્મચારીઓની યાદી બનાવવા કહ્યું છે, જેમને કંપનીમાંથી છૂટા કરી શકાય છે.

મેટાએ ગત વર્ષે છટણીના પહેલા રાઉન્ડમાં 11,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા, જે કુલ વર્કફોર્સના 13% હતા. કંપનીના 28 વર્ષના ઈતિહાસમાં આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કરવામાં નથી આવ્યા. કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કંપનીના CEO માર્ક ઝુકરબર્ગે કરી હતી. તેમણે ખોટા નિર્ણયોને કારણે આવકમાં થયેલા ઘટાડાને જવાબદાર ગણાવ્યો હતો.

માર્કે જણાવ્યું હતું કે, આજે હું મેટાના ઈતિહાસમાં લીધેલા કેટલાક સૌથી મુશ્કેલ નિર્ણય અંગે જણાવવા જઈ રહ્યો છું. અમે અમારી ટીમ સાઈઝમાં અંદાજે 13 ટકાનો કાપ કરવાનો નિર્ણય કર્યો છે. તેનાથી 11 હજારથી વધુ પ્રતિભાશાળી કર્મચારીઓની નોકરી જશે. અમે ખર્ચમાં ઘટાડો કરીને અને Q1 સુધી હાયરિંગ ફ્રીઝને લંબાવીને વધુ કાર્યક્ષમ કંપની બનવા માટે પગલાં લઈ રહ્યાં છીએ.

કંપની આવી સ્થિતિમાં કેવી રીતે પહોંચી?
માર્કે જણાવ્યું હતું કે, દુનિયા ઝડપથી ઓનલાઈન થઈ ગઈ અને ઈ-કોમર્સ વધવાના કારણે વધારો થયો છે. ઘણા લોકોએ આગાહી કરી છે કે, આ વધારો સ્થાયી હશે, જે મહામારી ખતમ થયા પછી પણ ચાલુ રહેશે. મેં પણ આ જ વિચાર્યું, તેથી મેં મારા રોકાણમાં વધારો કરવાનો નિર્ણય લીધો, પરંતુ મારી ધારણાં મુજબ તે ના થયું.

ફક્ત ઓનલાઈન કોમર્સ પહેલાનાં ટ્રેન્ડ પર પરત નથી ફર્યો, પરંતુ મેક્રોઇકોનોમિક ડાઉનટર્ન, કોમ્પિટિશન અને ઓછી જાહેરાતના કારણે આવક મારી ધારણાં કરતા ઓછી થઈ ગઈ છે. મારાથી આ ભૂલ થઈ અને હું તેની જવાબદારી લઉં છું. આ નવા વાતાવરણમાં, આપણે મૂડીને વધુ કુશળ બનાવવાની જરૂર છે. અમે સંસાધનોને હાઈ પ્રાયોરિટી ગ્રોથ એરિયામાં શિફ્ટ કરી દીધાં છે.

AI ડિસ્કવરી એન્જિન, એડવર્ટાઇઝમેન્ટ અને બિઝનેસ પ્લેટફોર્મ અને મેટાવર્સ માટે અમારું લોન્ગ ટર્મ વિઝન છે. અમે બિઝનેસ ખર્ચમાં ઘટાડો કર્યો છે, જેમાં બજેટને ઘટાડવા, ભથ્થાને ઘટાડવા અને રિયલ એસ્ટેટ ફુટ પ્રિન્ટને ઘટાડવું સામેલ છે. અમે અમારી એફિશિએન્સી વધારવા માટે ટીમોની ફરીથી રચના કરી રહ્યાં છે. પરંતુ એકલા આ પગલાંથી જ અમારા ખર્ચાઓ અમારી આવક વૃદ્ધિને અનુરૂપ નહીં થાય, તેથી મેં લોકોને છૂટા કરવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે.

મેટામાં હતા 87,314 કર્મચારી
સપ્ટેમ્બર 2022ના અંત સુધી મેટામાં 87314 કર્મચારી હતા. મેટા વર્તમાનમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિત દુનિયાના કેટલાંક સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું માલિક છે. જો કે, કંપની મેટાવર્સ પર પોતાનો ખર્ચ વધારી રહી છે.

મેટાવર્સ એક આભાસી દુનિયા છે જ્યાં યુઝર્સ પોતાના સ્વયંનો અવતાર બની શકે છે. લો એડોપ્ટેશન રેટ અને મોંઘા R&Dને કારણે કંપનીને સતત ખોટ થઈ છે. છટણીથી નાણાકીય સંકટ થોડું ઓછું થવાની આશા છે.

અન્ય સમાચારો પણ છે...