અમેરિકન તેમજ યુરોપના માર્કેટનો મજબૂત સપોર્ટ મળવા ઉપરાંત અદાણી ગ્રુપ પરનું સંકટ હાલ હળવું બનતાં ભારતીય શેરમાર્કેટમાં તેજીનો રંગ લાગ્યો છે. સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ એક માસ બાદ ચાલુ કેલેન્ડર વર્ષમાં બીજી વખત 900 પોઈન્ટ વધ્યો છે. સેન્સેક્સ 899.62 પોઈન્ટ વધી 59,808.97 બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં 1057.69 પોઈન્ટ ઉછળી 60000 પોઇન્ટની નજીક 59967.04 પર પહોંચ્યો હતો. નિફ્ટી 272.45 પોઈન્ટ વધી 17,594.35 બંધ રહ્યો હતો, જે અગાઉ સેન્સેક્સ 3 ફેબ્રુઆરીના રોજ 909 પોઈન્ટ વધ્યો હતો.
ગૌતમ અદાણીએ અમેરિકન કંપની GQG પાર્ટનર્સ સાથે રૂ. 15,446 કરોડના સોદાની જાહેરાત કર્યા બાદ અદાણી ગ્રુપના સ્ટોક્સમાં સતત ચોથા દિવસે ઉછાળો આવ્યો હતો. શુક્રવારે અદાણી ગ્રુપના ઘણા શેરમાં અપર સર્કિટ લાગી હતી. દસ લિસ્ટેડ કંપનીના સંયુક્ત માર્કેટ વેલ્યુએશનમાં રૂ. 1.50 લાખ કરોડથી વધુનો વધારો થયો છે. રોકાણકારોની મૂડીમાં ઝડપી 3.43 લાખ કરોડનો વધારો થઇ 263.42 લાખ કરોડ પહોંચી હતી.
અદાણીની માર્કેટ કેપમાં 7 મહિનાનો સૌથી મોટો ઉછાળો
માર્કેટમાં તમામ સેક્ટરના ઇન્ડેક્સમાં સુધારો થયો
સેન્સેક્સ પેકની 30 પૈકી 26માં સુધારો હતો. 3639 ટ્રેડેડ સ્ક્રિપ્સમાંથી 2182માં સુધારો નોંધાયો હતો લગભગ તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.68 ટકા અને મિડ કેપ ઇન્ડેક્સ 0.58 ટકા ઊછળ્યો હતો.
નિષ્ણાતોએ કહ્યું, રૂપિયો આગામી દિવસોમાં મજબૂત થશે
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 63 પૈસા મજબૂત બની 81.97 રહ્યો હતો. બીએનપી પારીબાસના રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતીય રૂપિયો એક મહિનાની ટોચે પહોંચ્યો છે. આશા છે કે આગામી દિવસોમાં પણ રૂપિયાના મૂલ્યમાં હકારાત્મક સુધારો આવશે. એફઆઇઆઇમાં વધારો તથા ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ નબળા પડવાની અસર પણ ભારતીય કરન્સી પર જોવા મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.