• Gujarati News
  • Business
  • Marketing And Technology Changed The Fortunes Of Artisans, Increasing Income Fivefold

નેશનલ હેન્ડલૂમ ડે:માર્કેટિંગ અને ટેકનોલોજીએ હસ્તકળાના કારીગરોની કિસ્મત બદલી, આવકમાં થયો પાંચ ગણો વધારો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કચ્છી ભરતકામ કરી રહેલી ભુજની બહેનો (ફાઇલ ફોટો). - Divya Bhaskar
કચ્છી ભરતકામ કરી રહેલી ભુજની બહેનો (ફાઇલ ફોટો).
  • ઈ-કોમર્સના માધ્યમથી કારીગરો હવે દેશ અને દુનિયાના માર્કેટ સાથે જોડાયા

આજે નેશનલ હેન્ડલૂમ ડેના દિવસે આ સેક્ટર સાથે સંકળાયેલા કારીગરો અને તેમના જીવનમાં આવેલા ફેરફાર અંગે દિવ્ય ભાસ્કરે જાણવાનો પ્રયાસ કર્યો હતો. હસ્તકળાના કારીગરો તેમજ એક્સપર્ટ સાથે વાત કરતાં સામે આવ્યું કે ટેકનોલોજી અને વ્યવસ્થિત માર્કેટિંગના કારણે આર્ટિસન્સની આવકમાં ઘણો જ સુધારો થયો છે. સરકાર, સામાજિક સંસ્થાઓ તેમજ એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુશનના સહયોગથી કારીગરો ઈ-કોમર્સ જેવા મોડર્ન ટ્રેડ સાથે જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત ટેકનોલોજીની મદદથી તેમને ડિઝાઇનિંગમાં પણ નવીનતા મળી રહી છે.

ભુજના કણિયા નગરના હસ્તકળા આર્ટિસન નિમુબેન આહિર.
ભુજના કણિયા નગરના હસ્તકળા આર્ટિસન નિમુબેન આહિર.

મહેનતના પ્રમાણમાં હવે સારું વળતર મળી રહ્યું છે
કચ્છી ભરતકામ કરતાં ભુજના કણિયા નગરના હસ્તકળા આર્ટિસન નિમુબેન આહિરે જણાવ્યું હતું કે, અગાઉ અમે બહુ ઓછા ભાવે અમારી વસ્તુઓ વેચતા હતા. મહેનતના પ્રમાણમાં વળતર ખૂબ જ નીચું હતું. ટ્રેનિંગ અને ત્યારબાદ ઓનલાઈન વેચાણ કરી શકીએ તે પ્રકારની ગોઠવણ થઈ જવાથી અમારે હવે આવકમાં વધારો થઈ રહ્યો છે. પહેલા એક્ઝિબિશનમાં જતાં ત્યારે રૂ. 20,000-25,000 સુધીનો માલ વેચતો જ્યારે હવે રૂ. 1 લાખથી વધારેનો સામાન વેચાઈ જાય છે. મહેનતના પ્રમાણમાં હવે સારું વળતર મળી રહ્યું છે.

નાના આર્ટિસન્સને દેશ અને દુનિયાનું માર્કેટ મળ્યું
આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII)એ હસ્તકલા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના 13 શહેરોના 10,000થી વધારે આર્ટિસન્સને માર્કેટ લિન્કેજ, કેપેસિટી બિલ્ડિંગ અને ડિઝાઇનિંગ સહિતની તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત ફંડિંગ, એક્ઝિબિશનમાં મોકલવા સહિતની એક્ટિવિટી પણ કરવામાં આવે છે જેથી હસ્તકળા કારીગરોને ફાયદો થઈ શકે. ટેકનોલોજીના માધ્યમથી અને ઈ-કોમર્સ પ્લેટ્ફોર્મસ સાથે જોડાવાથી નાના હસ્તકળા કારીગરો પણ હવે દેશ અને દુનિયાના માર્કેટ સુધી પહોંચી રહ્યા છે.

એક્ઝિબિશનમાં પોતાની પ્રોડક્ટ્સ બતાવી રહેલા હસ્તકળા આર્ટિસન.
એક્ઝિબિશનમાં પોતાની પ્રોડક્ટ્સ બતાવી રહેલા હસ્તકળા આર્ટિસન.

આવક વધતાં નવી પેઢી પણ આ વ્યવસાય અપનાવી રહી છે
EDII અમદાવાદના ડિરેક્ટર જનરલ સુનિલ શુક્લાએ જણાવ્યું કે, આ વ્યવસાયમાં આવક ઓછી હોવાથી કલાકારોની નવી પેઢી આ કળાથી દૂર થઈ રહી હતી અને બીજા વ્યવસાયમાં જોડાઈ રહી હતી. જોકે, છેલ્લા થોડા સમયથી પરિસ્થિતિ બદલાઈ છે. હસ્તકળા કારીગરોની આવકમાં વધારો થવાથી નવી પેઢી પણ હવે આ વ્યવસાયને અપનાવી રહી છે. બીજું કે, જૂની પેઢી કરતાં નવી પેઢી ટેકનોલોજીના મામલે વધારે એક્ટિવ છે. તેઓ ઓનલાઈન સેલિંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ જેવી બાબતોનું મહત્વ વધુ સારી રીતે સમજે છે.

હાથવણાટથી કોઈ પણ કપડું તૈયાર કરતાં દિવસો નીકળી જાય છે.
હાથવણાટથી કોઈ પણ કપડું તૈયાર કરતાં દિવસો નીકળી જાય છે.

લોકો સમજે તે માટે હાટમાં જ હેન્ડીક્રાફ્ટ બનાવરાવ્યા
સુનિલ શુક્લાએ જણાવ્યું કે, મોટાભાગના કિસ્સામાં લોકોને ખબર નથી હોતી કે હાથવણાટની સાડી, ડ્રેસ કે બીજા કોઈ કપડાં બનાવવા માટે કેટલી મહેનત અને સમય લાગે છે. આ કારણોથી આર્ટિસન્સને તેમની વસ્તુના યોગ્ય ભાવ મળતા નથી. અમે અલગ અલગ જગ્યાએ એક્ઝિબિશન કરી અને સ્થળ પર જ આર્ટિસન્સ પાસે કપડાં તૈયાર કારવરવતા હતા જેનાથી લોકોને જાણકારી મળે કે આ કેટલું મહેનતનુ કામ છે. આનું પરિણામ એ મળ્યું કે હવે પહેલાના પ્રમાણમાં ભાવતાલ ઓછો થાય છે.

અન્ય સમાચારો પણ છે...