બજારમાં ડર કેમ!:બજાર 3 % તૂટ્યું, રોકાણકારોના 8 લાખ કરોડ ડૂબ્યા...

મુંબઈ6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાડા દસ મહિનામાં સૌથી મોટો કડાકો... 23000 કરોડના બેન્ક કૌભાંડ અને રશિયા-યુક્રેન યુદ્ધનો ડર; સાથે જ રિટેલ ફુગાવો 6 ટકાની સપાટીએપહોંચ્યો, ક્રૂડ પણ 95 ડોલર ક્રોસ
 • માર્કેટમાં​​​​​​​ માત્ર બે દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારાની અસર, અમેરિકન બોન્ડ યિલ્ડ વધી બે ટકાથી ઉપર પહોંચતા, ક્રૂડઓઇલ ભડકે બળી 95 ડોલરની સપાટી કુદાવતા તથા રૂપિયાની નરમાઇના કારણે ભારતીય શેરબજારોમાં એક વર્ષ બાદનો સૌથી મોટો એકદિવસીય ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1747.08 પોઈન્ટ એટલે 3 ટકા ઘટીને 56,405.84 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 531.95 પોઈન્ટ એટલે 3.06 ટકા ઘટીને 16842.80 પર બંધ રહ્યો હતો.

આ વર્ષે પ્રથમ વખત નિફ્ટી 17000 પોઇન્ટના સ્તરની નીચે બંધ રહ્યો છે. સેન્સેક્સ છેલ્લા બે ટ્રેડિંગ સેસનમાં 2520.19 પોઈન્ટ્સ ગબડ્યો છે. રોકાણકારોએ બે દિવસમાં સરેરાશ 12.38 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. રોકાણકારોની મૂડી આજે સરેરાશ 8.5 લાખ કરોડ ઘટી 255.40 લાખ કરોડ પહોંચી છે. વૈશ્વિક બજારમાં એશિયા-યુરોપના બજારો 2-3 ટકાથી વધુ ઘટ્યાં છે. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3670 પૈકી 567 સ્ક્રીપ્સમાં સુધારો અને 2984 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું રહ્યું હતું. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ 24 પૈસા તૂટી 9 સપ્તાહની નીચી સપાટી પર 75.60 બંધ રહ્યો છે.

કરેક્શન ઓવર સોલ્ડ, ઘટાડે રોકાણની ઉત્તમ તક
બજારમાં હવે મોટા કરેક્શન માટેના કોઇ કારણો નથી. માર્કેટ યુક્રેન-રશિયા ક્રાઇસીસના કારણે તૂટી રહ્યું છે. બજાર ઓવર સોલ્ડ છે જે ગમે ત્યારે ટર્ન આપશે. નિફ્ટી માટે નીચામાં 16500 અને ત્યારબાદ 16350નો મહત્વનો સપોર્ટ છે. હાલના દરેક ઘટાડે રોકાણકારોએ ખરીદી માટે ઉત્તમ તક રહેલી છે. બજારમાં કરેક્શન માટે એબીજી શિપયાર્ડ સ્કેમ મોટી અસરકર્તા નથી રહી.
જયદેવસિંહ ચૂડાસમા, ઇન્વેસ્ટર પોઇન્ટ.

NSE કૌંભાંડથી 10 હજાર કરોડનો આઇપીઓ લેઇટ પડશે…!
નેશનલ સ્ટોક એક્સચેન્જ અને તેના પૂર્વ એમડી-સીઇઓ ચિત્રા રામકૃષ્ણ સહિત અન્ય બે વ્યક્તિઓને સેબીએ મહત્ત્વના હોદ્દા પર નિયમ વિરૂધ્ધ નિમણુંક અને સવલતો આપવા બદલ જંગી દંડ ફટકારવાની સાથે અન્ય અંકુશો મુક્યા છે. કેસમાં સૌથી આશ્ચર્યજનક બાબત છે ચિત્રા રામકૃષ્ણને માર્ગદર્શન આપનાર હિમાલયમાં રહેતા ‘યોગી’ જેને તેઓ ક્યારેય રૂબરૂ મળ્યા નથી માત્ર ઇ-મેલથી જ વાતચીત થતી હતી. આ અસરના કારણે એનએસઇનો 10 હજાર કરોડનો આઇપીઓ લેઇટ પડી શકે છે. સેબીમાં એનએસઇએ પ્રોસ્પેક્ટ 2016માં ફાઇલ કર્યું છે પરંતુ કોઇને કોઇ કારણોસર આઇપીઓ લાવી શકી નથી.

તારીખ સેન્સેક્સ ઘટાડો
28-10-21 59984.70 -1159
26-11-21 57107.15 -1687.94
20-12-21 55822.01 -1189.73

તારીખ સેન્સેક્સ ઘટાડો
25-1-22 57491.51 -1545.67
7-2-22 57621.19 -1023.63
14-2-22 56405.84 -1747.08
હાઇલાઇટ્સ

 • 8.50 લાખ કરોડથી વધુ રોકાણકારોની મૂડીમાં ઘટાડો, બે દિવસમાં 12.38 લાખ કરોડ ધોવાયા
 • 3%થી વધુ સેન્સેક્સ, નિફ્ટી, સ્મોલ-મિડકેપ સેગમેન્ટ તૂટ્યાં
 • 2 સેક્ટોરલ ઇન્ડેક્સ 5 ટકા, 6 ઇન્ડેક્સ 3 ટકાથી વધુ ઘટ્યાં
 • 3 ટકાથી વધુ યુરોપિયન માર્કેટ ઘટ્યાં
 • 24 પૈસા વધુ ડોલર સામે રૂપિયો નબળો પડ્યો
 • 2520.19 પોઇન્ટ સેન્સેક્સ માત્ર બે ટ્રેડિંગ સેશનમાં ઘટ્યો.

ઘટાડાનાં મુખ્ય કારણો

 • રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની આશંકાથી તનાવ
 • ક્રૂડ ઓઇલ સતત વધી 95 ડોલર પહોંચતા
 • વિદેશી રોકાણકારોનું ફેબ્રુ.માં 15000 કરોડથી વધુનું વેચાણ

રિટેલ ફુગાવામાં સતત વૃદ્ધિ
મહિનો ટકાવારી

સપ્ટેમ્બર 4.35%
ઓક્ટોબર 4.48%
નવેમ્બર 4.91%
ડિસેમ્બર 5.59%
જાન્યુઆરી 6.01%

રિટેલ ફુગાવો વધી 6.01 ટકા
રિટેલ ફુગાવો વાર્ષિક ધોરણે જાન્યુઆરીમાં વધીને 6.01 ટકા થયો હોવાનું સરકારે અહેવાલમાં દર્શાવ્યું છે. મુખ્યત્વે મોટાભાગની ખાદ્યચીજોના ઊંચા ભાવને કારણે ફુગાવાએ જાન્યુઆરી માસમાં 6 ટકાની સપાટી કુદાવી છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI)આધારિત રિટેલ ફુગાવો ડિસેમ્બર 2021માં 5.66 ટકા અને જાન્યુઆરી 2021માં 4.06 ટકા હતો. ફુગાવાને 4 ટકા સુધી નિયંત્રણમાં રાખવાના સરકારના પ્રયાસો છતાં આ દર 6.01% થયો છે.

અન્ય સમાચારો પણ છે...