મોંઘવારીમાં વધારો થયો હોવા છતાં માગ મજબૂત રહેતાં નવા ઓર્ડરમાં વૃદ્ધિ સાથે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ મેમાં સ્થિર રહ્યો હતો. ઉત્પાદન ગતિવિધિઓ એપ્રિલની સમકક્ષ રહેતાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ મેમાં 54.6 નોંધાયો હતો. જે એપ્રિલમાં 54.7 હતો. એસએન્ડપી ગ્લોબલ ઈન્ડિયાના પર્ચેસિંગ મેનેજર્સ ઈન્ડેક્સના આંકડાઓ સતત અગિયારમાં મહિને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સુધારાનો સંકેત આપે છે.
50થી વધુ પીએમઆઈ ઉત્પાદનમાં વૃદ્ધિ અને 50થી ઓછો પીએમઆઈ ઉત્પાદનમાં ઘટાડાનું સૂચન કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માગ વધતાં નવા ઓર્ડરમાં અનેકગણી વૃદ્ધિ જોવા મળી છે. નિકાસો ઐતિહાસિક ટોચે પહોંચતાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ટકાઉ ગ્રોથ જોવા મળ્યો છે.
માંગની સ્થિતિસ્થાપકતાના પ્રતિભાવમાં કંપનીઓએ સ્ટોકમાં વધારો કરવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે. તે મુજબ વધારાના કામદારોને નોકરીએ પણ રાખ્યા હોવાનું S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના ઈકોનોમિક્સ એસોસિયેટ ડિરેક્ટર પોલિઆના ડી લિમાએ જણાવ્યું હતું. બિઝનેસ સેન્ટિમેન્ટમાં ઘટાડો: મોંઘવારી સામે માથાદીઠ આવકમાં કોઈ ખાસ વૃદ્ધિ ન થતાં ગ્રાહકોની ખરીદ શક્તિ નબળી પડી છે.
નિકાસ ઓર્ડર વધતાં બિઝનેસ ગ્રોથ વધ્યો
બિઝનેસમાં નફો, માંગમાં સતત સુધારો અને કોવિડ-19ના હળવા પ્રતિબંધોના પગલે ઉત્પાદકોએ મે મહિનામાં ઉત્પાદનમાં વધારો જારી રાખ્યો છે. મેમાં મેન્યુફેક્ચરિંગ ગ્રોથ ટ્રેન્ડથી વધુ અને એપ્રિલમાં નોંધાયેલ ગ્રોથ સાથે સુસંગત હતો. નવા નિકાસ ઓર્ડરની વૃદ્ધિમાં નોંધપાત્ર વધારો દર્શાવ્યો હતો. જેમાં એપ્રિલ 2011 પછી વિસ્તરણનો દર તીવ્ર અને સૌથી ઝડપી હતો. વેચાણોમાં સુધારાના કારણે નવી નોકરીઓમાં વધારો થયો છે. રોજગાર વૃદ્ધિ દર જાન્યુઆરી, 2020થી મજબૂત રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.