રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીએ લંડનના સ્ટોક પાર્કમાં 592 કરોડ રૂપિયામાં 300 એકર જમીન ખરીદી છે. એના પર બનેલા ઘરમાં 49 બેડરુમ છે.
અંગ્રેજી અખબાર મિડ-ડે મુજબ ભવિષ્યમાં મુકેશ અંબાણીએ બકિંઘહામશાયરમાં સ્ટોક પાર્કની પાસે હાલ 300 એકર જમીન ખરીદી છે. શુક્રવારે એવા સમાચાર સામે આવ્યા હતા કે અંબાણી અહીં પણ રહી શકે છે, પરંતુ મોડી સાંજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ સમાચારનું ખંડન કર્યું છે.
કોરોનાના સમયમાં બીજા ઘરની જરૂરિયાત ઊભી થઈ
મિડ-ડેએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે મહામારીમાં લોકડાઉન દરમિયાન આ પરિવારને બીજા ઘરની જરૂરિયાત ઊભી થઈ. જોકે મુકેશ અંબાણીની પાસે મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર 4 લાખ ચોરસફૂટમાં એન્ટાલિયા નામનું આલીશાન મકાન છે. લોકડાઉન દરમિયાન મુકેશ અંબાણીના સમગ્ર પરિવારે ગુજરાતના જામનગરમાં જ સમય વિતાવ્યો હતો. અહીં તેમની રિફઆઈનરી પણ છે, જે દુનિયામાં સૌથી મોટી છે.
અંબાણીએ દિવાળી લંડનના નવા ઘરમાં ઊજવી
સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ, સામાન્ય રીતે ભારતના લોકો પોતાના ઘરમાં જ દિવાળીનો તહેવાર ઊજવે છે, પરંતુ મુકેશ અંબાણીના પરિવારે આ વર્ષે દિવાળી લંડનના નવા ઘરમાં ઊજવી. આગામી વર્ષના એપ્રિલ મહિના સુધી તેમનો પરિવાર લંડન શિફ્ટ થઈ શકે છે. ગત બે-અઢી મહિનાથી મુકેશ અંબાણીનો પરિવાર સતત મુંબઈથી બહાર છે, તેથી આ પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે.
દુનિયાના 11મા સૌથી અમીર બિઝનેસમેન
બ્લૂમબર્ગ બિલિયોનેરના રિપોર્ટ મુજબ, મુકેશ અંબાણી હાલ દુનિયામાં 11મા નંબરના સૌથી અમીર બિઝનેસમેન છે. તેમની નેટવર્થ 7 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. જોકે હજુ પણ 100 અબજ ડોલરની લિસ્ટમાંથી તેઓ બહાર છે. તેમની નેટવર્થ લગભગ 98 અબજ ડોલર છે. તેમના મુખ્ય બિઝનેસમાં ઓઈલ, કેમિકલ, ટેલિકોમ અને રિટેલ સામેલ છે.
રિલાયન્સની સ્પષ્ટતા
આ સમાચાર સામે આવ્યા બાદ શુક્રવારે મોડી સાંજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે એક નિવેદન જાહેર કરી સ્પષ્ટતા કરીને કહ્યું- એક સમાચાર પત્રમાં આધાર વગરનો રિપોર્ટ પબ્લિશ થયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અંબાણી પરિવાર સ્ટોક પાર્ક લંડનમાં વસી જવા માગે છે. અમે એ વાતની ચોખવટ કરીએ છીએ કે ચેરમેન કે તેમના પરિવારનો કોઈપણ સભ્ય આવી યોજના નથી બનાવી રહ્યા. તેઓ લંડન કે દુનિયાની કોઈપણ જગ્યાએ વસવાનો પ્લાન નથી બનાવી રહ્યા. રિલાયન્સ ગ્રુપની કંપની RIIHLએ સ્ટોક પાર્કમાં પ્રોપર્ટી ખરીદી છે. આ હેરિટેજ પ્રોપર્ટીનો ઉપયોગ ગોલ્ફિંગ અને બીજા સ્પોર્ટ્સ માટે કરવામાં આવશે. એ માટે લોકલ રૂલ્સ અને ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે. આ પ્રોપર્ટી તેજીથી વધતા કન્ઝ્યુમર બિઝનેસને ધ્યાનમાં રાખીને એક્વાયર કરવામાં આવી છે. અમે ભારતની મહેમાનગતિવાળી સંસ્કૃતિને વિશ્વસ્તરીયએ ઓળખ આપવા માગીએ છીએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.