ફોર્ચ્યુનનું ગ્લોબલ 500 લિસ્ટ 2022:ફોર્ચ્યુન ગ્લોબલ લિસ્ટમાં LIC 98 ક્રમે, પહેલીવાર સ્થાન મળ્યું

નવી દિલ્હી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતની કુલ નવ કંપની સામેલ, જેમાંથી પાંચ સરકારી
  • રિલાયન્સ 51 ક્રમ છલાંગ મારી 104મા ક્રમે પહોંચી

આ વર્ષે શેરમાર્કેટમાં લિસ્ટેડ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનને ફોર્ચ્યુન મેગેઝિનના ગ્લોબલ 500 લિસ્ટમાં 98મા ક્રમે સ્થાન મળ્યું છે, જ્યારે આ યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 51 સ્થાનની છલાંગ મારીને 104મો ક્રમ હાંસલ કર્યો છે. એલઆઈસી 97.26 અબજ ડૉલર (રૂ. 7.71 લાખ કરોડ)ની આવક અને 55.38 કરોડ ડૉલર (રૂ. 4.38 લાખ કરોડ)ના નફા સાથે દેશની સૌથી મોટી વીમા કંપની છે.

માર્કેટકેપના મામલામાં મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. રિલાયન્સે 93.98 કરોડ ડૉલરની આવક અને રૂ. 8.15 કરોડ ડૉલરનો ચોખ્ખો નફો કર્યો છે. છેલ્લાં 19 વર્ષથી રિલાયન્સ યાદીમાં સ્થાન હાંસલ કરતી આવી છે. આ યાદીમાં ભારતની કુલ નવ કંપનીને સ્થાન મળ્યું છે, જેમાંથી પાંચ સરકારી છે. ભારતીય કંપનીઓમાં ફક્ત એલઆઈસી જ રિલાયન્સથી આગળ છે.

આ યાદીમાં ટોચ પર અમેરિકાની રિટેલ કંપની વૉલમાર્ટ છે. આ યાદીમાં ભારતીય બેન્કિંગ ક્ષેત્રની ફક્ત એક જ કંપની એસબીઆઈને સ્થાન મળ્યું છે. ફોર્ચ્યુન ગ્લોબલ 500 લિસ્ટમાં 31 માર્ચ 2022 કે તે પહેલાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષની કુલ આવકના આધારે કંપનીઓને ક્રમ અપાય છે.

ટોચના સ્થાને US-ચીનની કંપનીઓનો દબદબો
આ યાદીમાં સામેલ દેશની ખાનગી કંપનીઓની વાત કરીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી ઉપર છે. આ ઉપરાંત તાતા જૂથની તાતા મોટર્સ 370 ને તાતા સ્ટીલ 435મા ક્રમે છે. રાજેશ એક્સપોર્ટ્સ 437મા સ્થાને છે. આ યાદીની ટોચની પાંચ કંપનીમાં બે અમેરિકાની છે, જ્યારે ચીનની ત્રણ કંપની છે. અમેરિકન રિટેલ કંપની વૉલમાર્ટ સતત નવમા વર્ષે આ યાદીમાં પહેલા ક્રમે છે, જ્યારે જેફ બેઝોસની એમેઝોન બીજી છે. આ એમેઝોનનું અત્યાર સુધીનું સૌથી સારું રેટિંગ છે. ચીનની વાત કરીએ તો સ્ટેટ ગ્રિડ કોર્પોરેશન ઓફ ચાઈના, ચાઈના નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશન અને સિનોપેક ગ્રૂપ અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. સાઉદી અરામ્કોને આ યાદીમાં છઠ્ઠું સ્થાન મળ્યું છે. ફોક્સવેગન, ચાઈના સ્ટેટ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ, સીવીસી હેલ્થ જેવી કંપનીઓને પણ ટોપ-10માં સ્થાન મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...