• Gujarati News
  • Business
  • Layoffs Started In India Too, Companies Like HCL, Swiggy Laid Off Employees In Large Numbers

વૈશ્વિક મંદીનાં એંધાણ, અનેક મોટી કંપનીઓએ છટણી શરૂ કરી:ભારતમાં પણ છટણીઓ શરૂ, HCL, સ્વિગી જેવી કંપનીઓએ મોટે પાયે કર્મચારીઓને કાઢ્યા

10 દિવસ પહેલા

વિશ્વની અર્થવ્યવસ્થા પર મંદીના વધતા જતા ખતરા વચ્ચે અમેરિકાથી ચીન સુધીની કંપનીઓમાં શરૂ થયેલી છટણીની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. જેમાં મેટા (Facebook), ટ્વિટર (Twitter) અને એમેઝોન (Amazon) જેવી જાઇન્ટ કંપનીઓએ પણ તેમના કર્મચારીઓને કાઢ્યા છે. ટ્વિટર તો ફરી એકવાર છટણી કરવાનું શરૂ કરી રહ્યું છે. આ કંપનીઓની સાથે માઇક્રોસોફ્ટ (Microsoft) અને ગુગલ (Google)નું નામ પણ ઉમેરાય ગયું છે. સ્વિગીએ પણ પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ત્યારે જાણો કે કઈ મોટી કંપનીઓએ છટણીની તલવાર મૂકી દીધી છે...

ટ્વિટર
ટ્વિટરના માલિક તરીકે એલન મસ્કના આવ્યા પછી ટ્વિટરમાં તો મોટાપાયે છટણી કરવામાં આવી હતી. સીનિયર લેવલથી લઈને જુનિયર લેવલ સુધીના અધિકારીઓ અને કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડાવામાં આવ્યો હતો. મસ્કે જેવું ટ્વિટરનું કમાન હાથમાં લીધું, તે એક જ ઝટકે 50 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આ પછી, કંપનીમાં કામ કરતાં લોકોની સંખ્યા 7,500થી ઘટીને 3,500 થઈ ગઈ છે. એક અહેવાલ મુજબ, હવે ફરીથી એલન મસ્ક આ અંગે એક્શન મોડમાં જોવા મળી શકે છે, અને વધુ કર્મચારીઓની છટણી કરી શકે છે.

છટણી કરવા વિશે એલન મસ્કે ટ્વિટર પર જાણકારી આપી દીધી હતી.
છટણી કરવા વિશે એલન મસ્કે ટ્વિટર પર જાણકારી આપી દીધી હતી.

એમેઝોન
ઈ-કોમર્સ કંપની એમેઝોને તેના કર્મચારીઓને મોટો ફટકો આપતા હજારોની છટણી (Amazon Layoff)ની જાહેરાત કરી હતી. એક રિપોર્ટ મુજબ, આ લિસ્ટમાં સામેલ લોકોને 18 જાન્યુઆરીથી કાઢી મૂકવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન કાઢી મૂકાયેલા કર્મચારીઓએ તેમની સમસ્યાઓ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. રોઇટર્સના અહેવાલ પ્રમાણે, ઓનલાઇન રિટેઇલર એમેઝોને વૈશ્વિક સ્તરે 18,000થી પણ વધુ કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી હતી.

ગુગલ
Googleની મૂળ કંપની Alphabet Incએ 20 જાન્યુઆરીના રોજ જાહેરાત કરી છે કે તે તેના વિશ્વવ્યાપી કુલ કર્મચારીઓના 6% એટલે કે 12,000 કર્મચારીઓને છટણી કરવાનું આયોજન કરી રહી છે. આલ્ફાબેટના ચીફ એક્ઝિક્યુટિવે સ્ટાફ મેમોમાં આ વિશેની જાણકારી આપી હતી.

તાજેતરમાં, આલ્ફાબેટના રાઇવલ માઇક્રોસોફ્ટ કોર્પે જણાવ્યું હતું કે આ અઠવાડિયે કંપની તેના કર્મચારીઓના 5% (લગભગ 11,000)ની છટણી કરી શકે છે. માઇક્રોસોફ્ટ અને આલ્ફાબેટમાં મોટાપાયે છટણીના સમાચારે ટેક્નોલોજી સેક્ટરમાં હલચલ મચાવી દીધી છે.

આલ્ફાબેટના CEO સુંદર પિચાઈએ શું કહ્યું?
આલ્ફાબેટના CEO સુંદર પિચાઈએ નોટમાં કહ્યું હતું કે 'ગુગલર્સ, મારી પાસે શેર કરવા માટે કેટલાક મુશ્કેલ સમાચાર છે. અમે અમારા વર્લ્ડવાઇડ વર્કફોર્સમાંથી આશરે 12,000 ભૂમિકાઓ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. અમે USમાં છટણીથી પ્રભાવિત કર્મચારીઓને પહેલેથી જ એક અલગ ઈમેલ મોકલ્યો છે. આનો અર્થ એ છે કે આપણે આપણા કેટલાક અતિ પ્રતિભાશાળી લોકોને અલવિદા કહેવું પડશે.'

સુંદર પિચાઈએ વધુમાં કહ્યું હતું કે ' લોકોને અમે હાયર કરવા માટે સખત મહેનત કરી અને તેમની સાથે કામ કરવાનું પસંદ કર્યું હતું. હું આ છટણી માટે ખૂબ જ દિલગીર છું. અમને અહીં લાવનારા નિર્ણયોની હું સંપૂર્ણ જવાબદારી લઉં છું. અમે છેલ્લા બે વર્ષમાં સારો ગ્રોથ જોયો છે. અમારા મિશનની મજબૂતાઈ, અમારા ઉત્પાદનો અને સેવાઓના મૂલ્ય અને AIમાં અમારા પ્રારંભિક રોકાણોને જોતાં, મને અમારી આગળ પ્રચંડ તકનો વિશ્વાસ છે.'

અમેરિકાના કર્મચારીઓને સૌથી વધુ અસર થશે
આલ્ફાબેટની છટણી, કોર્પોરેટ કાર્યો તેમજ કેટલીક એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ્સ ટીમમાં કર્મચારીઓને અસર કરશે. ગૂગલે કહ્યું હતું કે 'આ છટણી વૈશ્વિક છે અને મોટાભાગના US કર્મચારીઓને અસર થશે.'

આલ્ફાબેટની છટણીના આ સમાચાર આર્થિક અનિશ્ચિતતા સાથે ટેક્નોલોજીકલ પ્રોમિસની સમયગાળા દરમિયાન આવે છે. જેમાં ગુગલ અને માઇક્રોસોફ્ટ જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખાતા સોફ્ટવેરના નવા ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યા છે.

મેટા (Facebook)

ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ પણ મંદીને કારણે કોસ્ટ કટિંગના કારણે ગત વર્ષે 11,000 જેટલા કર્મચારીઓની છટણી કરી હતી. 18 વર્ષમાં આ પહેલી વખત એવું બન્યું હતું, કે જ્યારે એક કંપનીએ મોટાપાયે કર્મચારીઓને નોકરીમાથી કાઢી મૂક્યા હોય! આ છટણી પહેલાના આંકડાઓ પર નજર કરીએ તો મેટામાં અંદાજે 87,000 કર્મચારીઓ કામ કરતાં હતા. જેમાંથી લગભગ 13 ટકા કર્મચારીઓને કાઢી મૂકાયા છે.

માઇક્રોસોફ્ટ

ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટે વૈશ્વક સ્તરે 10,000 કર્મચારીઓની છટણી કરી છે. આ આંકડો કંપનીના કુલ વર્ક ફોર્સના લગભગ 5 ટકા છે. રેગ્યુલેટરી ફાઇલિંગમાં શેર કરવામાં આવતી માહિતી પ્રમાણે, આ છટણીનું કારણ મેક્રો ઇકોનોમિક સ્થિતિને દર્શાવવામાં આવ્યું છે. કંપનીના CEO, સત્ય નાડેલાએ કર્મચારીઓને મોકલેલી નોટમાં જણાવ્યું હતું કે માર્ચના અંત સુધીમાં છટણી કરવામાં આવશે. માઇક્રોસોફ્ટમાં 2 લાખથી પણ વધુ કર્મચારીઓ કામ કરે છે.

અલીબાબા
મંદીના ભણકારા વચ્ચે મોટી કંપનીઓએ શરૂ કરેલી છટણીની પ્રક્રિયા અમેરિકાથી લઈને ચીન સુધી પહોંચી છે. ગયા વર્ષે જ ચીનમાં અલીબાબાએ તેના 9,241થી પણ વધુ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી દીધો હતો. એક અહેવાલ મુજબ સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે આ છટણી પછી, અલીબાબામાં કર્મચારીઓની કુલ સંખ્યા લગભગ 2,45,700 રહી ગઈ છે.

ભારતમાં પણ અસર...
ભારતમાં પણ છટણીઓ શરૂ થઈ ગઈ છે. બાયજુ (BYJU)એ એક જ ઝટકે 1,100થી વધુ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. તો અનએકેડમી (Unacademy), વેદાન્તુ (Vedantu), લીડો (Lido), ફ્રનટ્રો (Frontrow) એડટેક કંપનીઓએ પણ હજારો કર્મચારીઓની છટણી કરી હતી.

HCL Technologiesએ પણ છટણી કરતાં 350 કર્મચારીઓને કાઢ્યા હતા.ફૂ
HCL Technologiesએ પણ છટણી કરતાં 350 કર્મચારીઓને કાઢ્યા હતા.ફૂ

ભારતમાં ત્રીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની HCL Technologiesએ વૈશ્વિક સ્તરે મોટી છટણી કરતી વખતે 350 કર્મચારીઓને કાઢ્યા હતા. તો Cars24 નામની ઈ-કોમર્સ કંપનીએ 600 કર્મચારીઓને છૂટા કર્યા હતા. કંપનીએ પહેલા 200 કર્મચારીઓને બહાર કાઢ્યા હતા, જ્યારે થોડા સમય પછી 424 અન્ય કર્મચારીઓને કાઢ્યા હતા.

ફૂટ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી તેના લગભગ 6000 કર્મચારીઓ છૂટા કરી શકે છે.
ફૂટ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી તેના લગભગ 6000 કર્મચારીઓ છૂટા કરી શકે છે.

એક રિપોર્ટ મુજબ, ઓનલાઇન ફૂટ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ પણ તેના 380 કર્મચારીઓને છૂટા કરી દીધા છે. એક રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે કંપનીએ તેના વર્કફોર્સમાં 8-10 ટકાનો ઘટાડો કરવાની તૈયારી કરી લીધી છે. તે પ્રમાણે કંપની લગભગ 6000 કર્મચારીઓને છૂટા કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...