ધ પ્રાઇડ કિંગડમ:ગિરના એશિયાટિક સિંહો અને તેમની દુનિયાનો પરિચય કરાવતી સીરિઝ લોન્ચ કરાઈ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતની શાન ગણાતા અને ગુજરાતના ગિરમાં આવેલા એશિયાટિક સિંહોના એકમાત્ર વસવાટનો પરિચય કરાવવા માટે વન્યજીવસૃષ્ટિના ચાહક તથા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ 12 એપિસોડની એક ખાસ શ્રેણી ધ પ્રાઇડ કિંગડમનું નિર્માણ કર્યું છે. કેટલાંક અઠવાડિયાના સમયગાળામાં ગિરના જંગલમાં ફિલ્માવવામાં આવેલી શ્રેણી આ જાજરમાન પ્રાણીના અસંખ્ય મૂડને સુંદર રીતે કેમેરામાં કંડારે છે. આ શ્રેણી માટે પરિમલ નથવાણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારની પહેલ પ્રોજેક્ટ લાયનમાંથી પ્રેરણા મળી છે.

ગિરમાં સિંહોના જીવનમાં ડોકિયું કરાવતી આ અદભૂત શ્રેણીને આ રીતે પ્રથમ વખત ફિલ્માવવામાં આવી છે. આ શ્રેણીની અત્યંત રસપ્રદ બાબત એ છે કે કહાનીના નાયક એવા જોડિયા સિંહ ભાઈઓ ભૂરિયા બંધુ કેવી રીતે તેમના પ્રદેશ પર કબજો મેળવવા માટેની મથામણ આદરે છે. આ શ્રેણીનો એક એપિસોડ ચિત્તા અને અન્ય પ્રાણીઓમાં સિંહના વ્યાપ્ત ભયને પણ કેમેરામાં કંડારે છે અને તેમના આ ભાવ દર્શાવે છે કે સિંહ શા માટે જંગલનો રાજા કહેવાય છે. સિંહોનું વર્તન અને મનુષ્યો સાથેનું તેમનું સહનજીવન કોઈપણ વન્યજીવસૃષ્ટિ અથવા જંગલના ઈતિહાસમાં એક અસામાન્ય ઘટના છે અને તેનું તાદ્રશ્ય નિરુપણ કરવામાં આવ્યું છે.

આ શ્રેણીમાં સિંહણ કેવી રીતે નાનાં બચ્ચાઓને ઉછેરે છે અને ગિરની રાણી તેમને શિકાર કરવા માટે કેવી રીતે તાલીમ આપે છે તે પણ બતાવવામાં આવ્યું છે. એટલું જ નહીં આ શ્રેણી એ પણ દર્શાવે છે કે કેવી રીતે સિંહણ તેના બચ્ચાને બચાવવા માટે તેના જીવનને જોખમમાં મૂકી આદર્શ માતા અને રોલ મોડેલનું કામ કરે છે. આ શ્રેણીમાં બેજોડ "લાયન હોસ્પિટલ" ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે, આ હોસ્પિટલ જાજરમાન પ્રાણીની સંભાળ માટે વિકસાવવામાં આવેલી અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) તથા રાજ્યસભાના સાંસદ અને વન્યજીવસૃષ્ટિના ચાહક-સંરક્ષક-સમર્થક પરિમલ નથવાણીએ આ ડોક્યુમેન્ટરી વિશે જણાવ્યું હતું કે, “હું 35 વર્ષ કરતાં વધુ સમયથી નિયમિત રીતે ગિરની મુલાકાત લઈ રહ્યો છું. જે બાબત મને સૌથી વધુ આકર્ષે છે તે એશિયાટિક સાવજોનો શાહી સ્વભાવ. ગુજરાતનું ગિર વિશ્વભરમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ ગિરની મુલાકાતે આવે છે તેમ છતાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હજુ પણ તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. આ ડોક્યુમેન્ટરીનો ઉદ્દેશ્ય ગિરમાં એશિયાટિક સિંહોની અકથિત કહાનીઓને દુનિયા સમક્ષ લાવવાનો છે.”

પરિમલ નથવાણીએ પ્રકૃતિ અને વન્યજીવનની અજાયબીઓ શોધવાનો પ્રયાસ કર્યો છે અને આ શ્રેણી બતાવે છે કે કેવી રીતે ગિરનું જંગલ સિંહો માટે આદર્શ નિવાસસ્થાન છે. દર્શકોને આ વિશેષ એપિસોડમાં ડાલામથ્થાના ઈતિહાસને જાણવાનો આનંદ આવશે, અને તેના પરથી ખ્યાલ આવશે કે આપણી પૌરાણિક કથાઓ, સંસ્કૃતિ અને અસંખ્ય ભાષાઓમાં સિંહો આટલા આદરણીય કેમ છે. પરિમલ નથવાણીએ 35 વર્ષ પહેલા કોઈપણ સહાય વિના તેમનું મિશન શરૂ કર્યું હતું અને સતત પોતે કાર્યરત રહેવા ઉપરાંત સ્થાનિકોને ગિરના જંગલ અને તેના ગૌરવ એવા "સિંહો"ના સંવર્ધનને બહેતર બનાવવા માટે એક ભગિરથ પ્રયાસ સતત સમજાવતા રહ્યા છે. ત્યારથી જ તેઓ વન અધિકારીઓ, ટ્રેકર, માલધારીઓ અને ગિર વિસ્તારના સ્થાનિક લોકોની મદદથી સિંહોના રક્ષણ માટે વિવિધ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પહેલેથી જ પ્રોજેક્ટ લાયન માટે રૂ. 1000 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે અને ડિસેમ્બર 2022 સુધીમાં તેની ફાળવણી કરવામાં આવશે. મે 2022માં ગિર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જનો કાર્યભાર સંભાળતાં મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુજરાત રાજ્યના વન વિભાગના અધિકારીઓને આગામી 25 વર્ષ માટે સિંહોનું આ સામ્રાજ્ય ટકી શકે તે માટેનો એક રોડ મેપ તૈયાર કરવા જણાવ્યું હતું. આ ડોક્યૂમેન્ટરી શ્રેણી જિયો ટીવી, યુટ્યૂબ જેવા વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ બનશે.

એપિસોડના ટાઇટલ:
1.કહાની કી ખોજ
2.ભુરિયા બંધુ કી કહાની
3.ભુરિયા બંધુ ઔર ટીલિયા કી ટક્કર
4.મા આખીર મા હૈ
5.ભાઈ કી ભાઈ સે ન બની
6.શહજાદો કી પરવરીશ
7.શિકાર ઔર શિકારી
8.પુનર્મિલન
9.સૌહાર્દ ઔર સહઅસ્તિત્વ
10.શાહી મરીઝ ઔર ઉનકા ઇલાજ
11.શાહી સલ્તનત કે સાથી
12.ઇતિહાસ કે પન્નો મેં

વિડિયો ડાઉનલોડ કરવા માટે લીંક ખોલોઃ https://www.youtube.com/playlist?list=PLxqtt77RAFZ8ZZfW_Htzt818fexCRrTUC

અન્ય સમાચારો પણ છે...