• Gujarati News
  • Business
  • Know About Everything On Pendora Paper Leak Names Of 35 Current And Former Heads Of State From 91 Countries Including India In The List

જાણો શું છે પેન્ડોરા પેપર લીક?:દુનિયાના સેલેબ્સના ખૂલ્યા રાઝ, પાકિસ્તાનના રાજકારણમાં થયો હોબાળો; સચિન-અંબાણીથી લઈ પુતિનની ગર્લફ્રેન્ડ પણ સામેલ

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પનામા પેપર્સ લીક કૌભાંડનાં પાંચ વર્ષ પછી હવે પેન્ડોરા પેપર્સના નામથી લીક થયેલા કરોડોના દસ્તાવેજોએ ભારત સહિત 91 દેશના હાલના અને પૂર્વ નેતાઓ, ઓફિસરો અને પ્રખ્યાત સેલિબ્રિટીના નાણાકીય રહસ્યો ખોલ્યાં છે. પનામા પેપર લીક કૌભાંડમાં ઘટસ્ફોટ થયો હતો કે કેવી રીતે અમીર વેપારીઓ અને સેલિબ્રિટીઓ ટેક્સચોરી કરવા માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા, પરંતુ ફરી એક વખત આવો જ એક ઘટસ્ફોટ સમગ્ર દુનિયા સામે આવ્યો છે અને આ વખતે આ પેપર લીકનું નામ છે પેન્ડોરા પેપર લીક. આ દસ્તાવેજોમાં ભારતના છ અને પાકિસ્તાનના સાત નેતા પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

શું છે પેન્ડોરા પેપર લીક?
પેન્ડોરા પેપર લીકમાં સમગ્ર દુનિયાના અંદાજે 1.20 કરોડ દસ્તાવેજોની તપાસ કર્યા પછી સમગ્ર દુનિયામાં ચાલતી પૈસાની લેણ-દેણ અને હેરાફેરી વિશે એક મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આ એક એવું પેપર લીક છે, જેમાં છુપાવવામાં આવેલી સંપત્તિ, ટેક્સથી બચવા માટેની પદ્ધતિઓ, દુનિયાના અમીર અને શક્તિશાળી લોકો દ્વારા મની લોન્ડરિંગનો ખુલાસો કરે છે. 117 દેશના 600થી વધારે પત્રકારો અને 140 મીડિયા ઓર્ગેનાઈઝને ઘણા મહિનાઓ સુધી સતત કામ કર્યું અને 14 અલગ અલગ સોર્સના દસ્તાવેજોની તપાસ કરીને આ સમગ્ર ઘટસ્ફોટ કર્યો છે.

આ ઘટસ્ફોટ ઈન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટે (ICIJ) કર્યો છે, જેને વિશ્વનો સૌથી મોટો ઘટસ્ફોટ માનવામાં આવે છે. પેન્ડોરા પેપર્સ લીકમાં 90 દેશની પ્રખ્યાત સેલિબ્રિટીનાં નામ હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ભારત અને પાકિસ્તાનના પણ ઘણા નેતાઓ સામેલ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું નામ પણ આ પેપર લીકમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે અને તેથી હાલ તેમના રાજીનામાની માગણી કરવામાં આવી રહી છે.

શું ઘટસ્ફોટ કરાયો?
પેન્ડોરા પેપર લીક વિશે બીબીસી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પેન્ડોરા પેપર્સ લીકમાં 64 લાખ દસ્તાવેજ, અંદાજે 30 લાખ તસવીરો, અંદાજે 10 લાખથી વધારે ઈમેલ્સ અને અંદાજે 5 લાખ સ્પ્રેડશીટ સામેલ છે. ઈન્ડિયન એક્સપ્રેસે તેમના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતના અમીર વેપારી અનિલ અંબાણી જેમણે બ્રિટનની એક કોર્ટમાં પોતાને નાદાર ગણાવ્યા છે પરંતુ તેમની પાસે વિદેશમાં 18 કંપની છે.

ભારતમાં અત્યારે અનિલ અંબાણી અને સચિન તેંડુલકરનાં નામ સામે આવ્યાં છે.
ભારતમાં અત્યારે અનિલ અંબાણી અને સચિન તેંડુલકરનાં નામ સામે આવ્યાં છે.

90 દેશના 330 મોટા નેતાનાં નામ
પેન્ડોરા પેપરની ફાઈલોથી ઘટસ્ફોટ થાય છે કે કેવી રીતે દુનિયાના અમુક શક્તિશાળી લોકો, જેમાં 90 દેશના 330થી વધારે રાજનેતા સામેલ છે તેમણે તેમના ધનને છુપાવવા માટે ગુપ્ત કંપનીઓનો ઉપયોગ કર્યો છે. અમેરિકન થિંક ટેન્ક ગ્લોબલ ફાઈનાન્શિયલ ઈન્ટિગ્રિટીના લક્ષ્મી કુમારે જણાવ્યું છે કે આ લોકો મોટા ભાગે જાણીતી ના હોય તેવી સેલ કંપનીઓનો ઉપયોગથી તેમનું ધન છુપાવે છે.

પેન્ડોરા પેપર લીકમાં અંબાણી-સચિન સહિત ઘણી મોટી સેલિબ્રિટીઓનાં નામ
ઈન્ડિયન એક્સપ્રેસમાં આપવામાં આવેલા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, પેન્ડોરા પેપર લીકમાં ભારતની ઘણી સેલિબ્રિટીઓનાં નામ છે, જેમાં પંજાબ નેશનલ બેન્કમાંથી હજારો-કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશ ભાગી જનાર હીરાના વેપારી નીરવ મોદીનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નીરવ મોદીની બહેને તે ભાગ્યો તેના એક મહિના પહેલાં જ ટ્રસ્ટ બનાવીને પૈસાની હેરા-ફેરી કરી હતી. રિપોર્ટમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે પાંચ વર્ષ પહેલાં પનામા પેપર્સ લીક પછી ભારતીય સેલિબ્રિટીઓએ સાચવીને તેમની સંપત્તિ રિઓર્ગેનાઈઝ કરવાની શરૂઆત કરી દીધી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરે પનામા પેપર લીકના ત્રણ મહિના પછી વર્જિન આઈલેન્ડમાં આવેલી તેમની સંપત્તિ વેચવાનો પ્રયત્ન કર્યો હતો.

અનિલ અંબાણીએ બ્રિટનની કોર્ટમાં પોતાને નાદાર જાહેર કર્યા છે.
અનિલ અંબાણીએ બ્રિટનની કોર્ટમાં પોતાને નાદાર જાહેર કર્યા છે.

લિસ્ટમાં 300 ભારતીયનાં નામ
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, પેન્ડોરા પેપર લીકમાં ભારતના 300થી વધારે લોકોનાં નામ છે, જેમાંથી 60 પ્રખ્યાત વ્યક્તિઓના પુરાવા સાથેના દસ્તાવેજો મળી આવ્યા છે. પેન્ડોરા પેપર લીક કરનાર સંસ્થાએ કહ્યું છે કે ધીમે ધીમે પુરાવા સાથે નામોના ઘટસ્ફોટ કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ લોકોને ટેક્સથી બચવા માટે ઘણાં પ્રકારનાં ગેરકાયદે કામ કર્યાં, જેમાં સમાઓ, બેલીજ, કુક આઈલેન્ડ સિવાય બ્રિટિશ વર્જિન આઈલેન્ડ અને પનામામાં ટેક્સ હેવન બનવાનું કામ કર્યું.

ભારતના જીડીપીથી વધારે ટેક્સચોરી
પેન્ડોરા પેપર્સ લીક કરનાર સંસ્થા ICIJના જણાવ્યા પ્રમાણે, દુનિયાના અમીર વેપારીઓ, રાજનેતાઓ અને સેલિબ્રિટીઓએ કેટલા પૈસાની હેરાફેરી કરી એ ચોક્કસ રીતે જણાવવું મુશ્કેલ છે, પરંતુ ICIJના અંદાજ પ્રમાણે સમગ્ર દુનિયામાં અંદાજે 5.6 ટ્રિલિયન ડોલરથી 32 ટ્રિલિયન ડોલર સુધીના રૂપિયા વિદેશમાં નાની-મોટી કંપની બનાવીને જમા કરવામાં આવ્યા અને ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે કહ્યું હતું કે ટેક્સ હેવનના ઉપયોગથી સમગ્ર દુનિયાની સરકારોને અંદાજે 600 અબજ ડોલર ગુમાવવા પડ્યા છે. એક્સપર્ટે કહ્યું છે કે આ દેશ અને સમાજ માટે ઘણું ઘાતક છે. આની સીધી અસર દેશના લોકોના જીવન પર પડે છે. બાળકોનું શિક્ષણ, સ્વાસ્થ્ય પર એની અસર થાય છે. વિકાસ યોજના પર પણ એની અસર થઈ શકે છે.

ટેક્સચોરી માટે અમીર લોકો આ રીતે રોકાણ કરતા હોય છે.
ટેક્સચોરી માટે અમીર લોકો આ રીતે રોકાણ કરતા હોય છે.

દુનિયાના મોટા મોટા નેતાઓનાં નામ
ભારતના હાલ બે નામ વિશે ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. તેમાંથી એક નામ સચિન તેંડુલકર અને બીજું નામ અનિલ અંબાણીનું છે, પરંતુ આ સિવાય વિશ્વના ઘણા નેતાઓનાં નામ પેન્ડોરા પેપર લીકમાં આવી રહ્યાં છે. તેમાં જોર્ડનના રાજા, યુક્રેન, કેન્યા, ઈક્વાડોરના રાષ્ટ્રપતિ, ચેક રિપબ્લિકના વડાપ્રધાન પણ સામેલ છે. એ સિવાય બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેયરનું નામ પણ પેન્ડોરા પેર લીકમાં સામેલ છે. આ સિવાય રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ખાસ સહયોગીનું નામ પણ સામેલ છે. આ સિવાય રશિયા, અમેરિકા, મેક્સિકોના અંદાજે 130 અબજપતિ વેપારીઓનાં નામ પણ સામેલ છે. એ ઉપરાંત ભારતના પડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનથી લઈને તેમના ઘણા મંત્રીઓ આ પેપર લીકમાં સામેલ છે. પાકિસ્તાનના ઘણા વિપક્ષી નેતાઓનાં નામ પણ પેન્ડોરા પેપર લીકમાં સામેલ છે.

પેપર લીકમાં PM ઈમરાન સહિત 700 લોકોનાં નામ
પેન્ડોરા પેપર્સ લીકે પાકિસ્તાનના રાજકારણમાં વિવાદ સર્જી દીધો છે. આ લિસ્ટમાં 700 પાકિસ્તાનીનાં નામ છે. ઈમરાન ખાન સરકારના ઘણા મંત્રીઓ અને પરિવારના સભ્યોનાં નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. એમાં જળ સંસાધન મંત્રી મુનિસ ઈલાહી, ઉદ્યોગમંત્રી ખુસરો બખ્તિયાક, નાણામંત્રી શૌકત તારિન અને સાંસદ ફૈસલ વાવડા પણ સામેલ છે. નેતાઓ સિવાય આ લિસ્ટમાં સેનાના અધિકારીઓ પણ સામેલ છે. આ રિપોર્ટ આવ્યા પછી પાકિસ્તાનના વિપક્ષે સરકાર સામે પ્રહારો શરૂ કરી દીધા છે અને ઈમરાન ખાનના રાજીનામાની પણ માગણી કરી છે.
જોકે રિપોર્ટ સામે આવ્યા પછી પાકિસ્તાની વડાપ્રધાને ઈમરાન ખાને ખુલાસો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે લિસ્ટમાં જે પણ લોકોનાં નામ હશે તેમની સામે તપાસ કરવામાં આવશે. દોષિતો સામે આકરાં પગલાં લેવામાં આવશે.

પુતિનની ગર્લફ્રેન્ડ પન્ડોરા પેપર્સમાં સામેલ
પેન્ડોરા પેપર લીકમાં પુતિનની મોલાકોમાં આવેલી ગુપ્ત સંપત્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં વિદેશમાં આવેલી એક કંપની વિશે પણ ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. જોકે આ કંપનીની માલિકી તેની ગર્લફ્રેન્ડ પાસે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિનની ગર્લફ્રેન્ડે આ અપાર્ટમેન્ટ ખરીદ્યું છે, જેની કિંમત 4.1 મિલિયન ડોલર છે. આ લક્ઝુરિયસ ફ્લેટ બ્રોકવિલે ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવ્યું છે. પેન્ડોરા પેપર્સમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે ફ્લેટની ઓનર Svetlana Krivonogikh નામની એક મહિલા છે.

પુતિનની ગર્લફ્રેન્ડ Svetlana Krivonogikhના નામે વિદેશમાં સંપત્તિ.
પુતિનની ગર્લફ્રેન્ડ Svetlana Krivonogikhના નામે વિદેશમાં સંપત્તિ.

તેંડુલકરના વકીલે કહ્યું, રોકાણ કાયદાકીય રીતે યોગ્ય
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, તેંડુલકરના વકીલે કહ્યું હતું કે પૂર્વ ક્રિકેટરનું રોકાણ કાયદાકીય રીતે યોગ્ય છે અને એ વિશે ટેક્સ અધિકારીઓની બધી માહિતી છે. શકીરાના વકીલે કહ્યું હતું કે પોપ સિંગર તેમની કંપનીઓથી ટેક્સ એડવાન્ટેજ નથી લઈ શકતી અને આ વિશે તેમણે બધી માહિતી સરકારને આપી છે.

અન્ય સમાચારો પણ છે...