તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Kharif Sowing Has Been Completed In 47 Lakh Hectares In Gujarat, 70% Sowing Of Cotton Has Been Completed At Good Prices

વાવેતર કાર્ય પુરજોશમાં:ગુજરાતમાં 47 લાખ હેક્ટરમાં ખરીફ વાવણી સંપન્ન થઇ, સારા ભાવથી કપાસની 70 ટકા વાવણી પૂર્ણ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવેતર મથકો પર સાર્વત્રિક વરસાદથી ખરીફ પાકને જીવતદાન મળ્યું

ગુજરાતમાં યોગ્ય સમયે ચોમાસાની શરૂઆત થતા ખરીફ પાકને જીવતદાન મળ્યું છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઇ જવાના કારણે કુલ ખરીફ વાવેતર સરેરાશ 55 ટકા પૂર્ણ થઇ ચૂક્યું છે.

રાજ્ય સરકારના અહેવાલ મુજબ 12 જુલાઇ સુધીમાં કુલ વાવેતર 46.80 લાખ હેક્ટરમાં પૂર્ણ થઇ ચૂક્યું છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 48.72 લાખ હેક્ટરમાં નોંધાયું હતું. લેઇટ વરસાદના કારણે વાવેતરની પ્રગતી અત્યાર સુધી ધીમી રહી હતી. જોકે, આગામી સમયમાં વાવેતર કાર્ય પુરજોશમાં જોવા મળે તેવું અગ્રણી ખેડૂતોનું કહેવું છે.

ગુજરાતના ખેડૂતોને ખરીફ સિઝનમાં કઠોળ અને કપાસમાં સારા ભાવ મળ્યા હોવાથી વાવેતર પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. કપાસની 70 ટકા વાવણી એટલે કે 19 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઇ ચૂક્યું છે. સામાન્ય વર્ષોમાં કપાસનું 25-27 લાખ હેક્ટર વચ્ચે વાવેતર રહે છે. ખેડૂતોને કપાસમાં મણ દીઠ સિઝનના અંતે રૂ.1200-1600 સુધીના ભાવ મળ્યા હોવાથી આ વર્ષે વાવેતર વધી જાય તેવા સંકેતો મળી રહ્યાં છે. કઠોળના વાવેતર 54 ટકા વધી 2.28 લાખ હેક્ટરમાં રહ્યાં છે.

જ્યારે મગફળીના વાવતેરમાં 16 ટકાનો ઘટાડો થઇ 15.40 લાખ હેક્ટરમાં વાવેતર રહ્યું છે જે અગાઉના વર્ષે 18.28 લાખ હેક્ટરમાં રહ્યું હતું. આ વર્ષે મગફળીનું વાવેતર 17.50-18 લાખ હેક્ટર આસપાસ રહે તેવો અંદાજ છે.

કપાસમાં ટપક સિંચાઇ ટેક્નોલોજીથી ઇનપુટ ખર્ચ ઘટી શકે
ખરીફ સિઝનમાં કપાસની ખેતી ગુજરાતમાં અગ્રસ્થાને જોવા મળે છે. પરંતુ જો ખેડૂતો કપાસની ખેતીમાં ટપક સિંચાઈ જેવી યોગ્ય ટેક્નોલોજી અપનાવે તો ઈનપુટ ખર્ચ ઘટાડવામાં અને પાકની ઉપજ વધારીને આવક વધારવામાં મદદ મળી શકે છે. આમ ટપક સિંચાઈ દ્વારા પાણીના ઉપયોગની કાર્યક્ષમતામાં 80-90 ટકાના વધારો કરી પાણી ની જરૂરિયાત ઘટાડી શકાય છે. ભારતમાં અંદાજે 1.25 કરોડ હેક્ટરથી 1.30 કરોડ હેક્ટરમાં કપાસની ખેતી થાય છે. જ્યારે ગુજરાતમાં 27 લાખ હેક્ટર આસપાસ વાવેતર થાય છે.
> સી કે પટેલ, એજીએમ-નેટાફિમ ઈન્ડિયા

ખાંડનું ઉત્પાદન 121.28 લાખ ટન રહેવાનો અંદાજ
ઈસ્માના અંદાજ અનુસાર, 2021-22ની ખાંડની સિઝનમાં ઈથેનોલ સિવાયના ખાંડના ઉત્પાદન 121.28 લાખ ટન નોંધાશે. જૂનના અંતિમ સપ્તાહમાં સેટેલાઈટ ઈમેજના આધારે 2021-22ની ખાંડની સિઝનમાં શેરડીના ઉત્પાદન 3 ટકા વધવાનો અંદાજ છે. આ સિઝનમાં શેરડીના કુલ વાવેતર 54.44 લાખ હેક્ટરમાં થવાનો આશાવાદ છે. ગતવર્ષે 52.88 હેક્ટર વિસ્તારમાં શેરડીના વાવેતર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...