• Gujarati News
  • Business
  • It Will Not Go Ahead With The FPO Of Rs 20 Thousand Crore Shares, Will Return Money To Investors

હવે RBIની અદાણી સામે લાલ આંખ:બેંકોને પૂછ્યું - અદાણી ગ્રુપને કેટલી લોન આપી? સંસદમાં હોબાળો; વિપક્ષે કહ્યું- સંસદ અથવા સુપ્રીમ કોર્ટની કમિટી તપાસ કરે

2 મહિનો પહેલા
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે 13 પક્ષોના નેતાઓએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને અદાણી ગ્રુપ સામે તપાસની માંગ કરી હતી.

RBIએ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (AEL)ને આપવામાં આવેલી લોન અંગે તમામ બેંકો પાસેથી માહિતી માગી છે. જોકે ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, RBIના અધિકારીઓએ આ અંગે કંઈ જ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સંપૂર્ણ સબસ્ક્રાઇબ કરેલો FPO રદ કર્યા પછી ગુરુવારે ગ્રુપના શેરમાં 10% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, વિપક્ષે સંસદીય પેનલ (JPC) અથવા સુપ્રીમ કોર્ટની સમિતિ દ્વારા તપાસની માંગ કરી હતી. લોકસભા અને રાજ્યસભામાં આ મામલાની તપાસની માગને લઈને હોબાળો થયો હતો. એેને કારણે બપોરના બે વાગ્યા સુધી બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. બુધવારે મોડી રાત્રે અદાણી ગ્રુપે 20 હજાર કરોડ રૂપિયાના સંપૂર્ણ સબસ્ક્રાઇબ કરેલા FPOને રદ કરી દીધો હતો. કંપનીએ કહ્યું હતું કે રોકાણકારોના પૈસા પરત કરવામાં આવશે. આ પહેલાં બુધવારે અદાણી એન્ટરપ્રાઈસીસના શેર 26.70% ઘટીને 2,179.75 પર બંધ રહ્યા હતા. આ જ કારણ હતું કે અદાણી ગ્રુપે FPO પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો.

13 વિપક્ષી પાર્ટીઓએ કહ્યું- હિંડનબર્ગ રિપોર્ટ પર સંસદમાં ચર્ચા થવી જોઈએ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગ રિસર્ચના આરોપો મામલે કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, એસપી, ડીએમકે, જનતા દળ અને ડાબેરીઓ સહિત 13 વિપક્ષી પાર્ટીઓએ બેઠક કરી હતી. આ બેઠક રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં થઈ હતી. તેમાંથી 9 પક્ષોએ રાજ્યસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપી હતી.

અદાણી ગ્રુપ પર હિંડનબર્ગ રિસર્ચના આરોપો મામલે લોકસભામાં હોબાળો થયો હતો.
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગ રિસર્ચના આરોપો મામલે લોકસભામાં હોબાળો થયો હતો.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે લોકોની મહેનતની કમાણી વેડફાઈ રહી છે. બેંક અને LIC પરથી લોકોનો વિશ્વાસ ઊઠી જશે. કેટલીક કંપનીઓના શેર સતત ઘટી રહ્યા છે. તમામ પક્ષોના નેતાઓએ સાથે મળીને નિર્ણય લીધો છે કે આર્થિક દૃષ્ટિકોણથી દેશમાં બની રહેલી ઘટનાઓ પર ગૃહમાં ચર્ચા થવી જોઈએ. જેથી અમે નોટિસ આપી હતી. અમે આ નોટિસ પર ચર્ચા ઇચ્છતા હતા, પરંતુ જ્યારે પણ અમે નોટિસ આપીએ છીએ ત્યારે તેને ફગાવી દેવામાં આવે છે.

આ મામલે મુખ્ય અપડેટ્સ...

  • AAP નેતા સંજય સિંહે જણાવ્યું હતું કે તેમણે ગૌતમ અદાણીનો પાસપોર્ટ જપ્ત કરવા માટે વડાપ્રધાન મોદી, ED અને CBIને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે જો આમ નહીં કરવામાં આવે તો તે પણ ઘણા ઉદ્યોગપતિઓની જેમ દેશ છોડીને ભાગી જશે અને દેશના કરોડો લોકોનું કશું જ બચશે નહીં.
  • પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું- પોતાના કેટલાક નેતાઓને ફાયદો પહોંચાડવા માટે ભાજપ બેન્ક અને LICના રૂપિયાનો ઉપયોગ કરી રહ્યો છે.
  • શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું- સમગ્ર વિપક્ષ હિંડનબર્ગ રિપોર્ટ અને અદાણીના સ્ટોક ક્રેશનો મુદ્દો બંને ગૃહોમાં ઉઠાવશે.

અદાણી એન્ટરપ્રાઇઝીસ 20 હજાર કરોડ રૂપિયા સુધીના ઇક્વિટી શેરના FPO સાથે આગળ વધશે નહીં. રોકાણકારોને પૈસા પરત કરશે. મંગળવારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ નિર્ણય લીધો. ઇક્વિટી શેર આંશિક રીતે પેઇડ-અપ આધારે 1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવે છે. આ FPO સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થયો હતો.

FPO રદ કર્યા બાદ ગૌતમ અદાણીએ એક વીડિયો સંદેશ આપ્યો હતો, જેમાં રોકાણકારોનો આભાર માન્યો હતો. અદાણીએ કહ્યું હતું, ગયા અઠવાડિયે સ્ટોકમાં ઉતાર-ચઢાવ હોવા છતાં કંપનીનો બિઝનેસ અને તેના મેનેજમેન્ટમાં તમારો વિશ્વાસ અમને આશ્વાસન આપતો રહે છે. મારા માટે મારા રોકાણકારોનું હિત સર્વોપરી છે, બાકીનું બધું એ પછી આવે છે, તેથી રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે અમે FPO રદ કર્યો છે. બોર્ડને લાગ્યું કે FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય નથી.

કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું હતું કે 'કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1 ફેબ્રુઆરી, 2023ના રોજ મળેલી બેઠકમાં આ શેર પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.'

અદાણી એન્ટરપ્રાઇસીસે બુધવારે રાત્રે એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી...
'અદાણી એન્ટરપ્રાઇઝીસે 1 ફેબ્રુઆરીએ મળેલી બોર્ડ મિટિંગમાં નિર્ણય લીધો છે કે અમે FPOને આગળ નહીં લઈ જઈએ. હાલની પરિસ્થિતિ અને કંપનીની તાજેતરની બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ગ્રાહકોના હિતમાં FPO સાથે આગળ ન વધવાનો અને વ્યવહારને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું હતું, 'અમે FPOમાં ભાગ લેવા બદલ રોકાણકારોનો આભાર માનીએ છીએ. FPOનું સબસ્ક્રિપ્શન 31 જાન્યુઆરીએ બંધ કરવામાં આવ્યું હતું.

સ્ટોક અસ્થિર હોવા છતાં આ કંપની અમારા વ્યવસાય અને અમારા સંચાલનમાં તમારા વિશ્વાસ અને વિશ્વાસ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. જોકે આજે બજાર સારું રહ્યું છે. અમારા શેરના ભાવમાં દિવસભર વધઘટ થતી રહી છે. આવા અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખીને કંપનીના બોર્ડને લાગ્યું કે આ તબક્કે આ FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય રહેશે નહીં. અમારા રોકાણકારોનું હિત સૌથી આગળ છે.

એટલે ભવિષ્યના કોઈપણ નાણાકીય નુકસાનથી બચાવવા માટે બોર્ડે આ FPO સાથે આગળ ન વધવાનો નિર્ણય લીધો છે. અમે લોકોને રિફંડ આપવા માટે અમે અમારા બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLM) સાથે કામ કરી રહ્યા છીએ. અમારી બેલેન્સશીટ અત્યારે ખૂબ જ મજબૂત છે. અમારો રોકડ પ્રવાહ અને સંપત્તિ સુરક્ષિત છે. ઉપરાંત સાથે જ લોનની ચુકવણીનો અમારો રેકોર્ડ યોગ્ય રહ્યો છે.

અમારા નિર્ણયથી અમારી વર્તમાન કામગીરી અને અમારી ભાવિ યોજનાઓ પર અસર પડશે નહીં. અમે લાંબા ગાળાના વેલ્યુ ક્રિએશન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીશું અને અમારી વૃદ્ધિ આંતરિક વૃદ્ધિ દ્વારા સંચાલિત થશે. અમને વિશ્વાસ છે કે અમને તમારું સમર્થન મળતું રહેશે.

FPO શું હોય છે?
એ સમજવું અગત્યનું છે કે ફોલો ઓન પબ્લિક ઓફર (FPO) શું હોય છે? હકીકતમાં કંપની માટે નાણાં એકત્ર કરવાની એક રીત છે. જે કંપની પહેલાંથી જ શેરમાર્કેટમાં લિસ્ટેડ હોય છે તે રોકાણકારો માટે નવા શેર ઓફર કરે છે. આ શેર બજારમાં ઉપલબ્ધ શેર્સ કરતાં અલગ હોય છે.

IPO અને FPO વચ્ચે શું તફાવત છે?
કંપનીઓ તેમના વિસ્તરણ માટે IPO અથવા FPOનો ઉપયોગ કરે છે. કંપનીએ પ્રથમ વખત પ્રારંભિક જાહેર ઓફર, એટલે કે IPO દ્વારા તેના શેર્સ બજારમાં ઉતારે છે. જ્યારે FPOમાં વધારાના શેર બજારમાં લાવવામાં આવે છે.

હિંડનબર્ગના રિપોર્ટ પછી શેર્સમાં ઘટાડો
અમેરિકાની રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો. રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર સ્ટોક મેનિપ્યુલેશન, મની લોન્ડરિંગ અને એકાઉન્ટિંગ ફ્રોડમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પછી અદાણી ગ્રુપના શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.

અદાણી એન્ટરપ્રાઇસીસ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો...

અદાણી ગ્રુપે કહ્યું- હિંડનબર્ગનો રિપોર્ટ ભારત પર હુમલા સમાન

ગૌતમ અદાણી જૂથે હિંડનબર્ગ રિપોર્ટને ભારત પર હુમલાનું કાવતરું ગણાવ્યું છે. ગ્રુપે 413 પાનાંનો જવાબ જાહેર કર્યો હતો. એમાં જણાવવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. ગ્રુપે એમ પણ કહ્યું હતું કે આ રિપોર્ટનો વાસ્તવિક હેતુ અમેરિકન કંપનીઓના આર્થિક લાભ માટે નવું બજાર ઊભું કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...