તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • IT Engineer Devesh Patel Earning Crores Of Rupees By Doing Organic Farming In Gujarat

પોઝિટિવ:ઓર્ગેનિક ખેતી કરી વાર્ષિક રૂ. 1.25 કરોડ કમાય છે આણંદના IT એન્જિનિયર દેવેશ પટેલ, કોરોનામાં ઇમ્યુનિટી વધારતી હળદરની કેપ્સ્યૂલ બનાવી

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લાના બોરિયાવી ગામમાં પોતાના ખેતરમાં ખેતી કરતા દેવેશ પટેલ. - Divya Bhaskar
આણંદ જિલ્લાના બોરિયાવી ગામમાં પોતાના ખેતરમાં ખેતી કરતા દેવેશ પટેલ.
  • આણંદ જિલ્લાના બોરિયાવી ગામના ખેડૂત યુરોપિયનોને હળદરનું દૂધ પીવડાવે છે
  • બોરિયાવી ગામમાં ઊગતી હળદરની વરાઇટીની પેટન્ટ પણ કરાવી

શિક્ષણ ક્યારેય વ્યર્થ નથી જતું. તમે શિક્ષિત હોવ તો કોઈપણ ક્ષેત્રમાં એનો ઉપયોગ કરીને આગળ આવી શકો છો. આ વાત સાબિત કરી છે ગુજરાતના આણંદ જિલ્લાના બોરિયાવી ગામના ખેડૂત દેવેશ પટેલે. દેવેશ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સાથે એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે. IT એન્જિનિયર તરીકે તેઓ નોકરી કરી અને લાખોનો પગાર મેળવી શક્યા હોત, પરંતુ તેમણે ઓર્ગેનિક ખેતી કરવાનું પસંદ કર્યું. આજે તેઓ કરોડોની કમાણી કરી રહ્યા છે, સાથે આજે પરિસ્થિતિ એવી છે કે વિદેશીઓ આજે તેમની કંપની સત્ત્વ ઓર્ગેનિકમાં રોકાણ કરવા પણ તૈયાર છે.

દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં દેવેશ પટેલે જણાવ્યું હતું કે અમારો પરિવાર 1992થી ઓર્ગેનિક ખેતી કરે છે. અમારા ગામ બોરિયાવીની હળદર દેશભરમાં પ્રખ્યાત છે. આ વાતને ધ્યાનમાં રાખી અમે 2010માં વેલ્યુ એડિશન કરવાનું શરૂ કર્યું. સત્ત્વ બ્રાંડ હેઠળ આજે હળદર, આદુ, અશ્વગંધા, લીમડો, મધ, જેઠીમધ, શાકભાજી, અનાજ સહિતની વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરવામાં આવે છે.

માર્ચમાં શક્તિવર્ધક હળદરની કેપ્સ્યૂલ લોન્ચ કરી
સત્ત્વ ઓર્ગેનિક છેલ્લાં ચાર વર્ષથી રૂ. 80 લાખથી રૂ. 1.25 કરોડ ટર્નઓવર કરે છે અને ચાલુ નાણકીય વર્ષમાં રૂ. 1.50 કરોડથી વધુ ટર્નઓવર થવાની ધારણા છે. દેવેશ જણાવે છે, આ વર્ષમાં માર્ચમાં અમે રોગપ્રતિકારક શક્તિ વધારતી હળદરની કેપ્સ્યૂલ લોન્ચ કરી હતી. દેશી હળદરને પ્રોસેસ કરી એમાંનાં 150 તત્ત્વોને એક્ટિવ કરવામાં આવ્યાં છે. હાલમાં જે રીતે હળદર ખાવામાં આવે છે એનાથી માર્યાદિત ફાયદા થાય છે. બીજું કે એનો વપરાશ પણ નિયમિત ન થતો હોય આપણને એના પૂરા ફાયદા નથી મળતા. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કેપ્સ્યૂલ વિકસાવવામાં આવી છે. જોકે કોરોના આવતાં અમે તેને માત્ર ગુજરાતમાં અને તે પણ અમારા નજીકના વિસ્તારોમાં જ પહોંચાડી શક્યા હતા. હવે જયારે પરિસ્થિતિ સુધરી છે અને લોજિસ્ટિકનો પ્રશ્ન હળવો બન્યો છે ત્યારે અમે આ કેપ્સ્યૂલની સપ્લાય દેશભરમાં શરૂ કરી છે. આ ઉપરાંત અમે તેને અમેરિકા પણ મોકલી રહ્યા છીએ.

સત્ત્વ ઓર્ગેનિકની રોગપ્રતિકારક શક્તિ વધારતી હળદરની કેપ્સ્યૂલ.
સત્ત્વ ઓર્ગેનિકની રોગપ્રતિકારક શક્તિ વધારતી હળદરની કેપ્સ્યૂલ.

ગ્લોબલ માર્કેટમાં કેપ્સ્યૂલનું માર્કેટ ઊભું કરશે
દેવેશે જણાવ્યું હતું કે હાલમાં કોન્ટ્રેક્ટ મારફત દૈનિક 5000 કેપ્સ્યૂલનું ઉત્પાદન કરવામાં આવે છે. વૈશ્વિક બજારમાં આ કેપ્સ્યૂલનું માર્કેટ ઊભું કરવા ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડાની કંપનીઓ સાથે વાત ચાલુ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ કેપ્સ્યૂલ માટે અમે 2 વર્ષ રિસર્ચ અને ડેવલપમેન્ટ કર્યું, જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન લેવામાં આવ્યું હતું. આ કેપ્સ્યૂલની પેટન્ટ પણ કરાવવામાં આવી છે. આ એક ન્યુટ્રાસિટિકલ પ્રોડક્ટ હોઈ FSSAIની મંજૂરી પણ લેવામાં આવી છે.

યુરોપના લોકોને હળદરનું દૂધ પીવડાવે છે
દેવેશ પટેલે જણાવ્યું હતું કે અમે ચોકલેટ પાઉડરની જેમ દૂધમાં નાખીને પી શકાય તેવો હળદરનો પાઉડર બનાવ્યો છે. આ સંપૂર્ણ ઓર્ગેનિક છે અને એને યુરોપમાં નિકાસ કરવામાં આવે છે. હવે એને ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. આ માટે તેનાં પેકેજિંગ અને ડિઝાઈન અમદાવાદમાં તૈયાર થઈ રહી છે. બાળકોને ધ્યાનમાં રાખીને આ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે. યુરોપમાં અમને સારો રિસ્પોન્સ મળ્યો એટલે હવે એને ભારતમાં લોન્ચ કરીશું.

ITનો અભ્યાસ બિઝનેસ ડેવલપમેન્ટમાં કામ લાગ્યો
દેવેશ જણાવે છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શિક્ષણના કારણે મને ઓનલાઈન માર્કેટિંગ સમજવામાં ઘણી સરળતા રહી અને એને કારણે આજે હું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ઓનલાઈન સારી રીતે માર્કેટિંગ કરી શકું છુ. આ સિવાય મારી કોમ્યુનિકેશન સ્કિલ અને ઇન્ટરનેશનલ કોમ્યુનિટી સાથે ડીલ કરવાનું સરળ થઈ ગયું.

ઇ-કોમર્સ કંપનીઓ માટે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કરશે
દેવેશ પટેલે જણાવ્યું હતું કે ઓર્ગેનિક બટાકા માટે ગ્રોફાર અને બિગ બાસ્કેટ જેવી ઇ-કોમર્સ કંપનીઓએ અમારો સંપર્ક કર્યો છે. આ બાબતે તેમની સાથે વાતચીત ચાલુ છે અને ટૂંક સમયમાં તેમની સાથે ઓર્ગેનિક બટાકા માટે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ માટે કરાર થઈ શકે છે.

ઓર્ગેનિક બટાકાના ઉત્પાદન માટે દેવેશ પટેલ પોતાના જ ગામની આસપાસ વધારે જમીન ખરીદશે.
ઓર્ગેનિક બટાકાના ઉત્પાદન માટે દેવેશ પટેલ પોતાના જ ગામની આસપાસ વધારે જમીન ખરીદશે.

ડુપ્લિકેશનનો વધતો ભય
સત્ત્વ ઓર્ગેનિકનું નામ જાણીતું થઈ ગયું છે. એને કારણે એના નામે નકલી પ્રોડક્ટ્સ પણ બજારમાં મળી રહી છે. દેવેશ પટેલે જણાવ્યું હતું કે અમારા ધ્યાનમાં આ વાત આવતાં હવે અમે અમારા પેકેટ ઉપર QR કોડ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ કોડને સ્કેન કરવાથી અમારા ઓફિશિયલ યુ-ટ્યૂબ પેજ પર જે-તે પ્રોડક્ટનો વિડિયો આવશે. આ ઉપરાંત પેકેટ પર મારો ફોટો પણ મૂકવામાં આવશે.

પતરવેલિયા માટે GI ટેગ માટે એપ્લાય કર્યું
દેવેશ પટેલે અત્યારસુધી હળદર, આદુ અને કેપ્સ્યૂલ માટે પેટન્ટ મેળવી છે. તેવી જ રીતે હવે બોરિયાવી ગામમાં ઊગતાં પતરવેલિયાનાં પાન માટે જોગ્રોફિકલ આઇડેન્ટિટી (GI) ટેગ માટે કામ કરી રહ્યા છે. પતરવેલિયાનાં પાનમાંથી જાણીતી ગુજરાતી વાનગી રસપાત્ર બને છે. આ ઉપરાંત એમાંથી ભજિયાં અને શાક પણ બનાવી શકાય છે. આયુર્વેદની દૃષ્ટિએ આ પાનને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે.

વિદેશી રોકાણકારોએ રસ દાખવ્યો
સત્ત્વ ઓર્ગેનિકના ડેવલપમેન્ટને જોઈએ જર્મની, અમેરિકા, ફ્રાંસ સહિત અમુક દેશોની કંપનીઓએ રોકાણ માટે રસ બતાવ્યો છે. જોકે દેવેશ પટેલે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય કર્યો નથી. તેમણે કહ્યું હતું કે આવનારા દિવસોમાં અમે વધુ જમીન ખરીદવા માગીએ છીએ જેથી વધુ ઓર્ગેનિક ફાર્મિંગ કરી શકાય. હાલમાં અમારી પાસે 35 વીઘા જમીન છે અને એમાં 10 વીઘાનો વધારો કરવામાં આવશે. અમારા ગામમાં ઘણા લોકો વિદેશમાં વસે છે અને તેમની જમીન અહીં છે. અમે આ લોકો સાથે વાત કરી રહ્યા છીએ અને તેમના ઘણા લોકોએ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...