સરપ્લસ ખાંડ:ખાંડની નિકાસ 80 લાખ ટન કરવા ઇસ્માએ સરકાર પાસે મંજૂરી માંગી

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી સિઝનમાં ખાંડનું ઉત્પાદન 400 લાખ ટન થવાનો અંદાજ

ખાદ્ય પદાર્થોની કિંમતો કાબુમાં રહે તે હેતુથી ખાંડની નિકાસ પર નિયંત્રણો લગાવ્યા છે પરંતુ સુગર ઇન્ડસ્ટ્રીઝ સંસ્થા ઇસ્માએ સરપ્લસ ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ઓક્ટોબરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2022-23માં 80 લાખ ટન નિકાસ કરવાની મંજૂરી આપવી જોઇએ તેવી માગ કરી છે. ઇસ્માના પ્રમુખ આદિત્ય ઝુનઝુનવાલાએ આ સંબંધમાં ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી પીયૂષ ગોયલને પત્ર લખ્યો છે.

સપ્ટેમ્બરમાં પૂરા થતા વર્તમાન 2021-22 માર્કેટિંગ વર્ષમાં સરકારે 112 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે અને મિલો સંપૂર્ણ જથ્થો મોકલે તેવી શક્યતા છે. અમે સરકારને 2022-23 સુગર સિઝન માટે 80 લાખ ટન નિકાસની મંજૂરી આપવા વિનંતી કરવા માંગીએ છીએ. ઇથેનોલના ઉત્પાદન માટે સુગરના ડાયવર્ઝનને ધ્યાનમાં લીધા વિના ચોખ્ખું સુગરનું ઉત્પાદન ચાલુ માર્કેટિંગ વર્ષમાં 394 લાખ ટનથી વધીને 2022-23માં લગભગ 400 લાખ ટન થવાની ધારણા છે.

જોકે તેમણે જણાવ્યું હતું કે વર્તમાન માર્કેટિંગ વર્ષમાં 34 લાખ ટનની સામે 2022-23 માર્કેટિંગ વર્ષમાં 45 લાખ ટન ખાંડ ઇથેનોલ માટે ડાયવર્ટ થવાની અપેક્ષા છે. 2022-23માં ખાંડનું વાસ્તવિક ઉત્પાદન 355 લાખ ટન થશે. આગામી સિઝનમાં 275 લાખ ટનના સ્થાનિક ખાંડના વપરાશને ધ્યાનમાં લીધા પછી દેશમાં મહત્તમ ખાંડ સંતુલન જાળવવા માટે ઓછામાં ઓછા 80 લાખ ટન વધારાની ખાંડની નિકાસ કરવી અનિવાર્ય છે. સરપ્લસ ખાંડની નિકાસ સ્થાનિક ખાંડના ભાવને જાળવવામાં પણ મદદ કરશે જે બદલામાં મિલોની તરલતાની સ્થિતિને વેગ આપે છે.

મિલોમાં સિઝનની વહેલી શરૂઆત થશે
શેરડી પિલાણની કામગીરી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી જ શરૂ થવાની ધારણા છે. સરકારે 2022-23 માર્કેટિંગ વર્ષ માટેની નિકાસ પોલિસી વહેલી તકે જાહેર કરવા વિનંતી કરાઇ છે જેથી મિલો ભાવી કરાર કરી શકે અને તેમના ઉત્પાદનનું અગાઉથી આયોજન કરી શકે. ભારતની ખાંડની નિકાસ 2020-21 માર્કેટિંગ વર્ષમાં 70 લાખ ટન, 2019-20માં 59 લાખ ટન અને 2018-19માં 38 લાખ ટન રહી હતી.

અન્ય સમાચારો પણ છે...