ભાસ્કર વિશેષ:ઇન્સ્યોરન્સ સેક્ટરની LICનો 85 હજાર કરોડનો આઈપીઓ માર્ચ માસમાં યોજાવાની સંભાવના

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 લાખ કરોડની વેલ્યુએશન સાથે રિલાયન્સ બાદ ટોચની બીજા નંબરની કંપની બનશે

દેશની ટોચની ઈન્સ્યોરન્સ કંપની એલઆઈસી અંદાજિત રૂ. 85 હજાર કરોડનો આઈપીઓ માર્ચમાં યોજાવાની વકી છે. કેન્દ્ર સરકાર જાન્યુઆરીના અંત સુધીમાં સેબી સમક્ષ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કરશે. નાણા મંત્રી નિર્મલા સિતારમણે ગત સપ્તાહે મંત્રાલયના ટોચના અધિકારીઓ સાથે એલઆઈસીનો આઈપીઓ યોજવા અંગે રિવ્યૂ મિટિંગ યોજી હતી.

વીમા કંપનીની વેલ્યુએશન રૂ. 15 લાખ કરોડ આંકવામાં આવશે. જો કે, હજી તેની વેલ્યુએશન પર અંતિમ રિપોર્ટ જારી કરવાનો બાકી છે. અંદાજિત વેલ્યુના આધારે એલઆઈસી લિસ્ટિંગ બાદ રિલાયન્સ બાદ ટોચની બીજા નંબરની કંપની બનશે. એલઆઈસીના આઈપીઓની તૈયારીમાં જોડાયેલા સુત્રોએ જણાવ્યા પ્રમાણે, કંપનીની એમ્બેડેડ વેલ્યૂ રૂ. 19 લાખ કરોડ અને લિસ્ટિંગ બાદ માર્કેટ વેલ્યૂ આ રકમ કરતાં ચારગણી વધી શકે છે. એલઆઈસીનો આઈપીઓ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં રૂ. 1.75 લાખ કરોડના ડિસઈન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકનો મહત્વનો ભાગ બનશે.

અત્યારસુધી સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા રૂ. 9330 કરોડ એકત્ર કરી ચૂકી છે. ગતવર્ષે સપ્ટેમ્બરમાં સરકારે આઈપીઓ માટે ગોલ્ડમેન સાસ સિક્યુરિટીઝ પ્રા.લિ., સીટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રા.લિ. અને નોમુરા ફાઈનાન્સિયલ એડવાઈઝરી એન્ડ સિક્યુરિટીઝ, એસબીઆઈ કેપિટલ માર્કેટ લિ., જેએમ ફાઈ. લિ., એક્સિસ કેપિટલ, બોફા સિક્યુરિટીઝ, જેપી મોર્ગન ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ, કોટક મહિન્દ્રા કેપિટલ સહિત 10 મર્ચન્ટ બેન્કર્સની નિમણૂક કરી હતી.

2030 સુધીમાં 100 કરોડ ગ્રાહકોને સાંકળી લેવાનો ધ્યેય
એલઆઈસીની નવી શાખાઓ ખોલવાની કોઈ યોજના નથી, હકીકતમાં, કેટલીક સેટેલાઇટ ઓફિસો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એલઆઈસીનો ધ્યેય 2030 સુધીમાં દરેક વીમાપાત્ર વ્યક્તિને આવરી લેવાનો અને તેના ગ્રાહકોની સંખ્યાને 29 કરોડથી વધારીને ઓછામાં ઓછી 100 કરોડ કરવાનો રહેશે.

એલઆઈસીની ભાવિ યોજનાઓ
એલઆઈસી યુલિપ, પર્સનલ/ગ્રૂપ સુરક્ષા યોજનાઓ, પેન્શન/એન્યુઇટી પ્રોડક્ટસ અને આરોગ્ય વીમાના વેચાણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને નોન-પાર્ટીસિપેટરી પ્રોડક્ટ્સનો હિસ્સો વધારવાની યોજના ધરાવે છે. તેના માટે એલઆઈસી વસ્તી વિષયક અને બજારની બદલાતી ગતિશીલતાને ધ્યાનમાં રાખીને વધુ વધુ યુવા એજન્ટ્સની ભરતી કરશે.

16 હજાર કરોડના 12 આઈપીઓ માર્ચ ત્રિમાસિકમાં
જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 12 કંપનીઓ આઈપીઓ મારફત રૂ. 16000 કરોડ એકત્ર કરી શકે છે. જેમાં એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ, ઈએસડીએસ સોફ્ટવેર સોલ્યુશન્સ, એજીએસ ટ્રાન્સેક્ટ, વારિ એનર્જી, હેક્સાગોન ન્યુટ્રિશન્સ, ઈક્સિગો, અદાણી વિલમર, મોબિક્વિક, ટ્રેક્સન ટેક્નોલોજીસ સામેલ છે. એજીએસ ટ્રાન્સેક્ટ 19 જાન્યુઆરીએ આઈપીઓ યોજી શકે છે.

અન્ય સમાચારો પણ છે...