મોંઘવારીમાં કમરતોડ વધારો:ફુગાવો સતત ત્રીજા મહિને વધીને 5.59 ટકાની પાંચ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો, ખાદ્ય ચીજવસ્તુની કિંમતમાં અસહ્ય વધારો

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • ફુગાવો નવેમ્બરમાં 4.91 ટકા, ઓક્ટોબરમાં 4.48 ટકા,સપ્ટેમ્બરમાં 4.35 ટકા રહેલો
  • જ્યારે ઓગસ્ટમાં પણ ફુગાવાનો દર 5.3 ટકા રહેલો

દેશમાં સામાન્ય નાગરિકોને મોંઘવારીના મોરચે વધુ એક ઝાટકો લાગ્યો છે. ડિસેમ્બર મહિનામાં છૂટક ફુગાવાનો દર વધીને 5.59 ટકાની છેલ્લા પાંચ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે, નવેમ્બર,2021માં ફુગાવાનો દર 4.91 ટકા હતો. ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુના ભાવમાં ભારે વધારો થતા ખાદ્ય ફુગાવામાં તીવ્ર વધારો થયો છે.

ખાદ્ય ફુગાવો ડિસેમ્બર મહિનામાં વધીને 4.05 ટકા થયો છે. આ સાથે જ રિટેલ ફુગાવો છેલ્લા પાંચ મહિનાની ઉંચી સપાટી પર પહોંચ્યો છે. ખાદ્ય તેલ, શાકભાજી અને ઈંધણ ઉપરાંત વીજળી વગેરેમાં કિંમત વધવાને પગલે ડિસેમ્બર મહિનામાં છૂટક ફુગાવાના દરમાં ભારે વધારો થયો છે. ભારત સરકારના નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ (NSO) દ્વારા આજે ફુગાવાને લગતા આંકડાકીય માહિતી જાહેર કરી હતી.

વર્ષ 2020ના ડિસેમ્બર સાથે તુલના કરવામાં આવે તો છૂટક ફુગાવો 4.59 ટકા હતો જ્યારે ખાદ્ય ફુગાવો 3.41 ટકા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં આવેલા ફુગાવા આંકડા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના 2-6 ટકાના લક્ષ્યાંકની ઉપલી મર્યાદાની તદ્દન નજીક છે.

સતત ત્રીજા મહિને ફુગાવો ઉંચો રહ્યો

વર્ષ 2021ની નવેમ્બર મહિનામાં ફુગાવાનો દર 4.91 ટકા, ઓક્ટોબર મહિનામાં 4.48 ટકા જ્યારે સપ્ટેમ્બરમાં 4.35 ટકા રહ્યો હતો. ઓગસ્ટમાં પણ ફુગાવાનો દર 5.3 ટકા રહ્યો હતો.

આગામી સમયમાં મોંઘવારી ચિંતાજનક રહેશે

બજારના નિષ્ણાતોનું માનવું છે કે ઓમિક્રોનના વધી રહેલા કેસની સ્થિતિ વચ્ચે અર્થતંત્રમાં તરલતા તથા વૈશ્વિક બજારોમાં ક્રૂડની ઉંચી કિંમતોને પગલે આગામી કેટલાક મહિનામાં ફુગાવાનો દર ઉંચો રહી શકે છે.