• Gujarati News
  • Business
  • Inflation Rises As Pulses, Grains And Vegetables Become More Expensive, Gujarat Retail Inflation Over 8% In August

મોંઘવારીની ‘સત્તા’:કઠોળ, અનાજ અને શાકભાજી મોંઘાં થતા ફુગાવો વધ્યો, ગુજરાતમાં ઓગસ્ટમાં રિટેલ ફુગાવો 8%થી વધુ

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છૂટક ફુગાવાનો દર ઓગસ્ટમાં વધીને 7% થયો, સતત 8મા મહિના RBIની નિર્ધારિત મર્યાદાથી વધુ
  • ગ્રામીણ વિસ્તારમાં ફુગાવાનો દર 7.15%, શહેરી વિસ્તારમાં 6.72%, શાકભાજીના ભાવમાં વધારો
  • ઔદ્યોગિક ઉત્પાદન 2.4% સાથે છેલ્લા ચાર માસના તળિયે, મેન્યુફેક્ચરિંગ, પાવર, માઇનિંગ સેક્ટરમાં ઉત્પાદનમાં ધરખમ ઘટાડો

મોંઘવારીના મોરચે સામાન્ય વર્ગને ફરી એકવાર મોટો ફટકો પડ્યો છે. ત્રણ મહિનાના ઘટાડા પછી ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર છૂટક ફુગાવો 7 ટકા થઈ ગયો છે. તે જુલાઈ મહિનામાં 6.7 ટકા હતો. એક વર્ષ પૂર્વે આ સમયગાળામાં તે 5.30 ટકા હતો. સોમવારે જારી કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઈ) આધારિત છૂટક ફુગાવા દરના આંકડા મુજબ ખાણી-પીણીની વસ્તુના ભાવ વધવાના કારણે મોંઘવારી વધી છે.

આ સતત આઠમો મહિનો છે જ્યારે છૂટક ફુગાવો દર ભારતીય રિઝર્વ બેંકના સંતોષજનક સ્તરથી વધુ છે. આરબીઆઈ ગવર્નરની આગેવાની હેઠળની નાણાકીય નીતિ સમિતિ (MPC) 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની છે. ત્યારે ફરી એકવખત રેપો રેટમાં વધારો થઈ શકે છે.

આરબીઆઈએ ફુગાવા દર માટે સંતોષકારકક સ્તર 2થી 6 ટકા નક્કી કર્યો છે. ઓગસ્ટમાં ગ્રામીણ ફુગાવો દર 7.15 ટકા અને શહેરી મોંઘવારી દર 6.72 ટકા રહ્યો. જુલાઈ મહિનામાં ગ્રામીણ ફુગાવો દર 6.8 ટકા અને શહેરી ફુગાવો દર 6.49 ટકા હતો. ઓગસ્ટમાં દાળ-ચોખા જેવા અનાજ અને શાકભાજીના ભાવમાં જંગી વધારો જોવા મળ્યો. ગત મહિના ખાદ્ય ફુગાવો દર 7.62 ટકા રહ્યો, જે જુલાઈમાં 6.75 ટકા હતો. જ્યારે શાકભાજી ફુગાવો દર 13.23 ટકા રહ્યો.

ઔદ્યોગિક ઉત્પાદન: જુલાઇમાં માત્ર 2.4 ટકાનો નજીવો વધારો
આ વર્ષે જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં (આઈઆઈપી) 2.4 ટકાનો વધારો થયો. સ્ટેટિસ્ટિક્સ ઓફિસ તરફથી સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ જૂનમાં આઈઆઈપી 12.3 ટકા અને વર્ષ જુલાઈમાં 11.5 ટકા વધ્યો હતો. આ આંકડા મુજબ જુલાઈ મહિનામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન 3.2 ટકા વધ્યું. ઉપરાંત વીજળી ઉત્પાદનમાં પણ 2.3 ટકાનો વધારો થયો, પરંતુ માઈનિંગ સેક્ટરના ઉત્પાદનમાં 3.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ઓદ્યોગિક ઉત્પાદન 13 ટકા વધ્યું હતું.

રિઝર્વ બેન્ક વ્યાજદરોમાં વધારો કરી શકે છે
મોંઘવારીના દરની વર્તમાન સ્થિતિ દર્શાવે છે કે ફુગાવાકારી પરિબળોનું દબાણ યથાવત્ છે. આ સ્થિતિને જોતા આરબીઆઇ નાણાનીતિની આગામી સમીક્ષામાં વ્યાજદરોમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કરી શકે છે. આરબીઆઇનું ફોકસ ભલે ઘરઆંગણાની સ્થિતિ પર હોય પણ આંતરરાષ્ટ્રીય સ્તરે લિક્વિડિટી ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપ રૂપિયાનું સંતુલન જાળવવા વ્યાજદરોમાં વધારો કરવો પડશે.
> સાક્ષી ગુપ્તા, પ્રિન્સિપલ ઇકોનોમિસ્ટ, એચડીએફસી બેન્ક

સેન્સેક્સ 25 દિવસ પછી 60 હજાર તો નિફ્ટી 17,900ની ઉપર બંધ
આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂતી વચ્ચે શેર બજારમાં સોમવારે સતત ત્રીજા દિવસે તેજી નોંધાઈ હતી. 25 દિવસ બાદ સેન્સેક્સ 60 હજાર અને નિફ્ટી 17,900ની ઉપર બંધ આવ્યા હતા. સેન્સેક્સ 332 પોઇન્ટ વધીને 60,115 પર અને નિફ્ટી 103 પોઇન્ટના વધારા સાથે 17,936 પર બંધ આવ્યો હતો. આ પહેલા 18 ઓગસ્ટે સેન્સેક્સ 60,298 અને નિફ્ટી 17,956ના સ્તરે બંધ આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...