ગુજરાતની ફિનટેક કંપની ઇન્ફીબીમ એવેન્યુઝ લિમિટેડે ઓસ્ટ્રેલિયાના ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા મુજબ તકનીકી પ્રગતિ, ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને સ્માર્ટફોનના વધતા પ્રવેશને કારણે ઓસ્ટ્રેલિયાનું POS માર્કેટ 2020-2024 દરમિયાન 10%થી વધુના CAGR પર વધવાની ધારણા છે. ઇન્ફીબીમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિશ્વાસ પટેલે જણાવ્યું કે, આગામી ત્રણ વર્ષમાં અમે ઓસ્ટ્રેલિયાના ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં 5% શેર મેળવવાનો ટાર્ગેટ રાખીએ છીએ.
અમદાવાદમાં રિયલમીનો ગ્લોબલ ફ્લેગશિપ સ્ટોર શરૂ થયો
રિયલમી ઇન્ડિયાએ અમદાવાદમાં તેના પ્રથમ વૈશ્વિક, પ્રીમિયમ ફ્લેગશિપ સ્ટોરના લોન્ચ કર્યો છે. સમગ્ર ભારતમાં મુખ્ય મેટ્રો અને ટાયર-2 શહેરોમાં ઑફલાઇન હાજરીને મજબૂત કરવા માટે ગ્લોબલ ફ્લેગશિપ સ્ટોર શરૂ કરાયો છે. રિયલમી ઇન્ડિયાના CEO માધવ શેઠે જણાવ્યું કે ઑફલાઇન વેચાણમાં ટોચની 4 બ્રાન્ડ તરીકે અમે ગુજરાતના બજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોઈ છે. અમદાવાદમાં રિયલમીના પ્રથમ, ગ્લોબલ ફ્લેગશિપ સ્ટોરનું લોન્ચિંગ એ ભારતીય બજારમાં તેની ઊંડી હાજરી અને ગ્રાહકોને વૈભવી, બેસ્પોક અને અદ્યતન ઑફલાઇન અનુભવો લાવવાનો પુરાવો છે. અમે પૂજારા ટેલિકોમ સાથે ભાગીદારી કરી છે, જે પ્રથમ ગ્લોબલ ફ્લેગશિપ સ્ટોરની સ્થાપના અને કામગીરીમાં આ પ્રદેશની સૌથી મોટી ફ્રેન્ચાઈઝીઓમાંની એક છે.
સાપ્તી દ્વારા સ્ટોન આર્ટિસ્ટ માટે શિલ્પ સિમ્પોઝિયમનું આયોજન
અંબાજીના બહુમુખી વિકાસના ઉદ્દેશથી સ્ટોન આર્ટિસન પાર્ક ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યુટ, સંખ્યાબંધ શિલ્પ સિમ્પોઝિયમ યોજીને શિલ્પોત્સવનું આયોજન કરી રહ્યુ છે. પ્રથમ સિમ્પોઝિયમ શિલ્પાંકુરનું સપ્તી અંબાજી ખાતે તા.6 થી 25 જૂન, 2022 દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે. શિલ્પકામનું પ્રાથમિક જ્ઞાન ધરાવતા વિદ્યાર્થીઓ અને પત્થરના માધ્યમ સાથે કામ કરતા ઉભરતા શિલ્પીઓ આ સિમ્પોઝિયમમા સામેલ થઈ રહ્યા છે. તેમાં સામેલ થનાર લોકોને એક શિલ્પકાર, ઈલેક્ટ્રિશ્યન અને લુહાર વગેરેની ટીમ ફાળવવામાં આવશે તથા સામગ્રી તરીકે પત્થર અને પાણી પૂરાં પાડવામાં આવશે. સાપ્તીના ડિરેક્ટર વીણા પડીયા જણાવે છે કે સિમ્પોઝિયમનો મૂળ ઉદ્દેશ ભારતના લોકોમાં સંસ્કૃતિ અંગે જાગૃતિ ફેલાવવાનો છે.
એનિમલ હસબન્ડરી સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જમાં વિજેતા
અમદાવાદના પ્રોમ્પ્ટ ઈનોવેશન સ્ટાર્ટઅપને ઉર્જા કાર્યક્ષમ અને ટકાઉ કુલીંગ સોલ્યુશન વિકસાવવા બદલ એનિમલ હસબન્ડરી સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જ-2.0નું વિજેતા જાહેર કરાયુ છે. પ્રોમ્પટ ઈનોવેશન્સને દૂધને તાજુ રાખવા માટે અને તેની સેલ્ફ લાઈફ વધારવા માટે મિલ્કોચીલ નામનું ઈન્સ્ટન્ટ મિલ્ક ચીલર લૉ કોસ્ટ કુલીંગ અને મિલ્ક પ્રિઝર્વેશન સિસ્ટમ અને ડેટાલોગર વિકસાવવા બદલ આ બહુમાન પ્રાપ્ત થયું છે. ડિરેક્ટર શ્રીધર મહેતાએ જણાવ્યું કે મિલ્કોચીલ એ ક્રાંતિકારી પ્રોડક્ટ છે અને જે રીતે દૂધને ઠંડુ પાડવામાં આવે છે તેની પધ્ધતિ બદલી નાંખશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.